આજનો સમય એટલે અસીમ તકોનો સમય. એક તરફ ગ્લોબલાઇઝેશન છે તો બીજી તરફ મેક ઇન ઇંડિયા અને વોકલ ફોર લોકલ છે. એક તરફ સફળ એસ્ટાબ્લિશ્ડ કોર્પોરેટ્સ છે તો બીજી તરફ તરવરતા કશુંક કરી બતાવનાર સ્ટાર્ટઅપ્સ છે. એક તરફ અનુભવી આંખો છે તો બીજી તરફ યુવા પાંખો છે જે રોજરોજ નવા આઇડિયાસ, નવી સિસ્ટમ્સ, પ્રોસેસિસ, નવા પ્રોડક્ટ્સ, સર્વીસિસ સમાજ ને આપવા તત્પર છે.
આપણે તે સમયમાં નથી જીવી રહ્યા જ્યાં ફક્ત એકજ કાંતો મોનોપોલી બિઝનેસ હોય; જેમ કે એક જ ઇન્સ્યુરન્સ કંપની, એકજ મોટી બેંક, એક જ ઓટોમોબાઇલ કંપની, એકજ FMCG કંપની વગેરે. આજે ઓપન માર્કેટનો જમાનો છે અને તેમાં આપણે હરેક કેટેગરી, સેક્ટરમાં એકથી વધારે કંપનીઓ જોઈયે છીયે, એમ કહો કે મલ્ટિપલ પ્લેયર્સ માર્કેટમાં રમી રહ્યા છે, લડી રહ્યા છે પોતાના માર્કેટ શેર માટે. આથી એક તંદુરસ્ત કોમ્પિટીશન જોવા મળે છે અને કન્ઝ્યુમરને તેનો ફાયદો થાય છે.
જ્યારે આવો સમય આવે છે, માર્કેટ કંપેટીટીવ બને છે ત્યારે ઉપર જણાવેલ નવી બારાખડીનો જન્મ થાય છે અને આ બારાખડી મહત્વનો ભાગ ભજવે છે કોઈ પણ બિઝનેસ માં, સેક્ટરમાં, કેટેગરીમાં.
આપણી જૂની કહેવતથી આપણે વાકેફ છીયે કે “બોલે એના બોર વેચાય” અને તેનેજ લાગતી વળગતી અંગ્રેજી કહેવત છે “out of sight is out of mind”. મારા પ્રોડક્ટને જાગૃત રાખવાની અને લોકોના મનથી દૂર ન થાય તેનું ધ્યાન રાખવાનું કામ કરે છે એડવરટાઈઝિંગ. પણ શું ફક્ત આટલાથીજ મારુ કામ પતી જાય છે? કારણ આજ માર્કેટમાં મારા પ્રતિસ્પર્ધી પણ તેજ વસ્તુ કરે છે જે હું કરું છું. તો મારે અલગ શું કરવું? આવા સમયે જન્મ થાય છે બ્રાન્ડનો. આજની તારીખે આ શબ્દ નવો નથી, કારણ લોકોને પ્રોડક્ટ નહી બ્રાન્ડ જોઈયે છે. આજે કોઈ પણ ધંધાદારી વ્યક્તિને પૂછો તે કહેશે આપણે આપણી બ્રાન્ડ બનાવવી છે. સારી વાત છે પણ શું તે બનાવવા માટેની મારી તૈયારી છે? બ્રાન્ડ બનાવવી તે લોઢાના ચણા ચાવવા જેવુ છે. તે તેટલું આસાન નથી જેટલી આસાનીથી આપણે બોલી જઇયે છીયે. બ્રાન્ડ બનાવવા માટે સૌથી મોટું ફેક્ટર છે ઈન્વેસ્ટમેન્ટ / રોકાણ. મૂડીનું રોકાણ તો ખરુજ પણ તેના કરતા વધારે ધીરજનું અને સમયનું રોકાણ જરૂરી છે. બ્રાન્ડ બનવા માટે તે સમય માગી લે છે અને ધીરજ રાખવી પડે છે.
ઘણા લોકો દલીલ કરશે કે બ્રાન્ડ તો રાતોરાત પણ બની જાય. ઘણી એવી બ્રાન્ડ છે જે રાતોરાત બની ગઈ છે, પણ તેને ખરેખર બ્રાન્ડ કહેવુ કે નહી તે એક અલગ પ્રશ્ન છે. જેમ અમુક છોડો ફટાફટ મોટા થાય પણ કરમાઈ પણ તેટલાજ જલ્દી જાય છે, છતા પણ જેમ તેને છોડ કે વનસ્પતિ ની કેટેગરીમાં ગણી શકાય તેમ આવા અમુક કિસ્સાઓમાં તેને બ્રાન્ડ બની ગઈ કહી શકાય પણ તે પ્રસ્થાપિત થઈ છે કે નહી તે પ્રશ્ન ઉભો રહેશે.
જોવા જઇયે તો બ્રાન્ડની સરખામણી વટવૃક્ષ સાથે થઈ શકે અને ના કે આવા છોડવા સાથે. જેવી રીતે વટવૃક્ષ બનાવવા તેની અમુક રીતે કાળજી લેવી પડે છે, તેવી જ રીતે બ્રાન્ડને પ્રસ્થાપિત કરવા પણ વિશેષ કાળજી લેવી પડે છે. જેમ વટવૃક્ષ ધીરેધીરે ફળ આપે અને એક્વાર પૂર્ણ રૂપ ધારણ કરે પછી વર્ષોના વર્ષો જે છાંયડો લોકોને પ્રાપ્ત થાય તેવોજ છાંયડો અને ફળો એક બ્રાન્ડ પ્રસ્થાપિત થાય પછી અનુભવી શકાય છે. જ્યારે વર્ષોના વર્ષો પછી, બધી ઋતુઓ, તડકો છાંયડો જોયા પછી, પરિશ્રમનો પરસેવો પાડ્યા પછી જે બ્રાન્ડ તૈયાર થાય છે ત્યારે તે ફક્ત માર્કેટ લીડર કે કેટેગરી લીડર નથી બનતી પણ તે બને છે કેટેગરી synonym અર્થાત્ કેટેગરીનો સમાનાર્થી શબ્દ બની જાય છે.
જેમકે આપણે ચોક્લેટ લેવા જશુ ત્યારે ચોક્લેટ આપો નથી કહેતા પણ અમૂકેક બ્રાન્ડ જેણે આપણા મનમાં ઘર કરી લીધુ છે, કેડબરી તેજ બ્રાન્ડનું નામ આપણા મોઢામાંથી નીકળે છે. તેવી જ રીતે ટૂથ પેસ્ટ માટે કોલગેટ, ફોટો કોપી માટે ઝેરોક્સ કે બીજી અનેક કેટેગરી માટે. આ છે એક સફળ બ્રાન્ડનું માપદંડ.
બ્રાન્ડની બીજી સરખામણી થઈ શકે મનુષ્ય સાથે. જેમ એક માણસ બીજા માણસથી અલગ પડે છે પોતાના નામથી, રૂપ-રંગ, સ્વભાવથી, ચરિત્ર, બિહેવિયરથી. બ્રાન્ડ પણ તેજ રીતે પોતાને અલગ તારવે છે. મનુષ્યનું નિર્માણ કુદરત કરે છે જ્યારે બ્રાન્ડનું નિર્માણ મનુષ્ય કરે છે, ત્યારે તે તકેદારી રાખે છે કૈંક અલગ નિર્માણ કરવાની, રચવાની. જ્યારે આ અલગતા (differentiation) બે પ્રોડક્ટ વચ્ચે ઉભી થાય છે ત્યારે તે બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત થાય છે. એક અલગ નામ, રૂપ-રંગ, પેકેજીંગ, અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ તેનું પોઝીશનિંગ.
બ્રાન્ડ જ્યારે આ બધા વાઘા પેહરી તૈયાર થાય છે ત્યારે એડવર્ટાઈઝિંગ પોતાનું કામ કરે છે, આ બ્રાન્ડને જાગૃત રાખવાનુ અને લોકોના મન સુધી પહોચાડવાનુ તથા મન-બુધ્ધિમાં સ્થિર કરવાનું.
એડવર્ટાઈઝિંગ અને બ્રાન્ડ એક બીજાના પૂરક છે, બ્રાન્ડની એડવર્ટાઈઝિંગ થાય છે અને એડવર્ટાઈઝિંગથી બ્રાન્ડ પ્રસ્થાપિત થાય છે.
અંગ્રેજીમાં બે શબ્દો છે; એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડ અને બ્રાન્ડ બિલ્ડિંગ. બન્ને વિરોધાભાષી શબ્દો છે પણ આમ જોવા જઇયે તો એસ્ટાબ્લિશ્ડ બ્રાન્ડને પણ કંટિન્યૂસલી / રેગ્યુલર્લી બ્રાન્ડ બિલ્ડિંગ કરતા રહેવુ પડે છે; જેને બ્રાન્ડ sustenance સ્ટ્રેટેજી કહે છે. અર્થાત્ એડવર્ટાઈઝિંગનું કામ ફક્ત બ્રાન્ડને લોન્ચ કરવા પુરતુ સીમિત નથી, તેને સસ્ટેન કરવાનું મહત્વનું કામ પણ તેના દ્વારા થાય છે. તેથી જ કહેવાય છે કે બ્રાન્ડ બિલ્ડિંગ ઇસ અ કંટિન્યૂસ પ્રોસેસ.
બ્રાન્ડ માટે વિચારતી વ્યક્તિએ નક્કી કરવાનું છે કે મારે બ્રાન્ડ બનાવવી છે કે બ્રાન્ડ પ્રસ્થાપિત કરવી છે. છોડ ઉગાડવો છે કે વટવૃક્ષ વાવવુ છે.
બ્રાન્ડની બારાખડીની શરૂઆત આપણે કરી છે. હવે તેને ઘૂટતા જઈશૂ અને આપણો પાયો પાક્કો કરતા જશુ. બ્રાન્ડને લાગતી વળગતી આવી ઘણી રસપ્રદ વાતો, બ્રાન્ડ સ્ટ્રેટેજીસ, વિવિધ કેટેગરીનો અભ્યાસ, તેનુ એનાલિસિસ, ઈવોલ્યૂશન; આવી અલક મલક ની વાતો આપણે આવનારા લેખોમાં વિચારીશુ. તો બોલો “અ”…
About Sameer Joshi
એડવર્ટાઇઝિંગ અને બ્રાન્ડ મેનેજમેન્ટમાં 20+ વર્ષોનો અનુભવ ધરાવતા સમીર જોશી એ દેશની નામાંકિત MNCs J. Walter Thompson (JWT), Rediffusion Y&R, Percept Hakuhodo, McCann જેવી એડ એજન્સીસમાં વાઇસ પ્રેસીડેન્ટ અને બિઝનેસ હેડ સહિતના વિવિધ હોદ્દાઓ પર કામ કર્યુ છે. હાલમાં પોતાની બ્રાન્ડ અને માર્કેટીંગ કન્સલ્ટિંગ કંપની Sam & Andy માં પોતે ફાઉન્ડિંગ પાર્ટનર છે. તેઓ ” બ્રાન્ડ બનશે, બિઝનેસ વધશે” પુસ્તકના લેખક છે, જે આ વિષય પરનું લગભગ પહેલુ પુસ્તક છે.
તેમની સફળ કારકિર્દી દરમિયાન તેઓ મલ્ટિનેશનલ કંપનીઓથી લઈને પબ્લિક સેક્ટર કંપનીઓ, એન્ટ્રેપ્રેન્યુરથી લઈને લાર્જ કોર્પોરેટ્સ, એફએમસીજી થી માંડીને ફેશન, હોમ અપ્પલાયન્સથી લઈને ઓટોમોબાઇલ, રીયલ એસ્ટેટથી લઈને ફાઇનાન્સ જેવી વિવિધ કેટેગરીની નામી બ્રાન્ડસ જેવી કે Hersheys, Sofit, airtel, Jolly Rancher, Godrej Corporate, Godrej Appliances, Bank of Baroda, LIC Of India, PNG Jewellers, Red Tape Shoes, Oxemberg, SBI Mutual Fund, અને આવી બીજી ઘણી મોટી બ્રાન્ડસ સાથે સંલગ્ન હતા.
ક્રિયેટિવ થિંકિંગ અને સ્ટ્રેટેજીનો સુભગ સમ્નવય ધરાવતા તેઓ માને છે કે બિઝનેસના ઘણા પ્રોબ્લેમના સોલ્યૂશન્સ બ્રાન્ડની દૃષ્ટિથી સોલ્વ થઈ શકે છે. આ વિચારધારા થકી તેઓની બ્રાન્ડ અને માર્કેટીંગ સોલ્યૂશન્સ કંપની “Sam & Andy” એ ઘણી નાની મોટી બ્રાન્ડસ ને સફળ સોલ્યૂશન્સ આપ્યા છે. તેમની કંપની “Sam & Andy” બ્રાન્ડ મેનેજમેન્ટ અને સ્ટ્રેટેજીક માર્કેટીંગ સહિત ક્રિયેટિવ સર્વીસ અને ડિજિટલ સોલ્યૂશન્સ પણ ઓફર કરે છે.