ખૂબ તપે છે તેઓ અડીખમ રહીને, આપે છે ઠંડક ‘છાંયડો’ બનીને… ભરતભાઇ શાહ મેવાની આશા વગર ‘છાંયડો’ની 25 વર્ષથી માવજત કરી રહ્યા છે…

સુરતની માનવ સેવા સંઘ સંચાલિત સંસ્થા ‘છાયંડો’એ સેવાની અને માનવતાની મહેંક ફેલાવીને લાખો લોકોની જિંદગીને રોશન કરવાનું કામ કર્યું છે.

Sevani Suvas Bharatbhai Shah Chhanyado rajesh shah diamond city newspaper 405-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

वह इंसानियत ही क्या जो,
इंसान के दुख में साथी ना हो,
जन्नत का नूर बरसता है उस पर,
जो इंसान दुख में भागीदारी हो।

કવિ, લેખક, સ્ક્રિન રાઇટ અને ફિલ્મ ડિરેક્ટર ગુલઝારની આ પંક્તિ અત્યારે એટલા માટે યાદ કરી છે કે, સુરતની માનવ સેવા સંઘ સંચાલિત સંસ્થા ‘છાયંડો’એ સેવાની અને માનવતાની મહેંક ફેલાવીને લાખો લોકોની જિંદગીને રોશન કરવાનું કામ કર્યું છે, લાખો લોકોની આંતરડી ઠારી છે, સિવિલમાં ભોજનની વ્યવસ્થા હોય, ગર્ભવતી મહિલાઓ માટે શીરો, વસાણા લાડુ હોય કે નવજાત શિશુ માટે કીટ હોય, છેવાડાના ગામમાં રહેતા લોકો અને આદિવાસી દિકરીઓની મદદ હોય, મેડિકલ સહાય કે, હોસ્પિટલની રાહતદરે સેવા હોય કે કુદરતી કે માનવ સર્જિત આફત હોય, ‘છાંયડો’ નાની શરૂઆતથી આજે સેવાની વટવૃક્ષ સમાન સંસ્થા બની ગઇ છે.

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘સેવાની સુવાસ’ કોલમમાં આ વખતે સુરતની ‘છાંયડો’ સંસ્થા અને સેવાના ભેખધારી ભરતભાઇ શાહ વિશે વાત કરીશું. ભરતભાઇ 25 વર્ષથી ‘છાંયડા’ની માવજત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વનવગડો પેજ પર એક પંક્તિ છે કે “ખૂબ તપે છે તેઓ અડીખમ રહીને, આપે છે ઠંડક ‘છાંયડો’ બનીને.”

‘છાંયડો’ શબ્દ જ બતાવે છે કે કોઇ પણ જાતની અપેક્ષા વગર ઠંડક આપવી, શીતળતા આપવી અને સેવાના આશને વરેલી સંસ્થા ‘છાંયડો’ આ જ કરી રહી છે, લોકોને મદદ કરવાની, અસમર્થ લોકોના હામી બનવાની. તમે જો ક્યારેય મજૂરા ગેટ પર આવેલી સુરતની સિવિલ હોસ્પિટલમાં ગયા હો તો તમને ખ્યાલ હશે કે સિવિલના કેમ્પસમાં માનવ સેવા સંઘ જે ‘છાંયડો’થી પ્રચલિત છે તે સંસ્થાની ઓફિસ અને એક બીજું બિલ્ડીંગ MRI સેન્ટર જોયું હશે.

‘છાંયડો’ સંસ્થાની શરૂઆત 1998માં પીઢ સ્વાતંત્ર્ય સેનાની અને ગુજરાતના માજી ગૃહ મંત્રી પોપટલાલ વ્યાસે કરી હતી. તે વખતે સુરતના જાણીતા રીઅલ એસ્ટેટ ડેવલપર અને C.A ભરતભાઇ શાહ પણ ‘છાંયડો’ સંસ્થા સાથે જોડાયેલા હતા.

પોપટલાલે જોયું કે આ માણસ ખરેખર દિલથી સેવા સાથે જોડાયેલો છે, સંસ્થાને આગળ લઇ જઈ શકે તેમ છે એટલે ‘છાંયડો’ની કમાન ભરતભાઇ શાહને સોંપવામાં આવી. ભરતભાઇ 1998થી છાંયડોના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે અને વર્ષ 2012માં તેમને સુરત માનવ સેવા સંઘના પ્રમુખ બનાવવામાં આવ્યા.

ત્યારથી માંડીને અત્યાર સુધીમાં તેમના નેજા હેઠળ ‘છાયંડો’ સંસ્થાએ સેવાની એવી સુવાસ ફેલાવી છે કે એક નાનકડી ભોજનશાળાની શરૂઆતથી માંડીને આજે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પણ બનાવવા જઈ રહ્યા છે.

અમેરિકાના લેખિકા હેલન કેલરે કહેલું કે, એકલા આપણે જે ન કરી શકીએ તે બધા સાથે મળીને ઘણું કરી શકીએ છે. મધર ટેરેસાએ કહેલું કે, આપણે બધા મહાન કામ કદાચ ન કરી શકીએ, પરંતુ નાના નાના સેવાના કામ પ્રેમથી કરી શકીએ છીએ.

માનવતાની સેવા કરવા સિવાય જિંદગીમાં બીજું ઉત્તમ કામ કોઇ નથી. દુનિયાને તમે કામ કરીને જ બદલી શકો, માત્ર વિચારો કે પ્રતિભાવથી કશું થતું નથી.

સિવિલ હોસ્પિટલમાં 25 વર્ષથી માત્ર 3 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે…

સુરતની સિવિલ હોસ્પિટલમાં જે દર્દીને દાખલ કરવામાં આવ્યા હોય તેમના સગાં સંબંધીઓના જમવા માટેની વ્યવસ્થા ‘છાંયડો’ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. 1998માં 3 રૂપિયામાં ભોજન આપવામાં આવતું હતું, આજે 25 વર્ષ થયા, પરંતુ ભોજન આજે પણ 3 જ રૂપિયામાં આપવામાં આવે છે.

એક ગરીબ મહિલાની અમીરી જોઇ ત્યારથી ગાંઠ બાંધી કે, સેવાનું કામ નહીં છોડું

ભરતભાઇ શાહે કહ્યું કે, મેં મારી જિંદગીમાં અનેક લોકોને જોયા છે. અમીરોની ગરીબી જોઇ છે. આલિશાન કારમાં આવીને મફતમાં સેવા મેળવનારા લોકોને પણ જોયા છે, પરંતુ એક ગરીબ મહિલાની અમીરીએ મને ઝંઝોળી નાંખ્યો હતો અને ત્યારે જ મેં ગાંઠ બાંધી હતી કે, સેવાનું કામ છેલ્લા શ્વાસ સુધી નહીં છોડીશ.

તેમણે એ વાત કરતા કહ્યું કે, એક વખત ‘છાંયડા’ની ઓફિસમાં લઘરવઘર કપડાંમાં એક મહિલા આવી હતી. હાથમાં કાળી થેલી અને તેમાં ડુચાં હતા. આ મહિલાને જોઇને લાગ્યું કે કોઇ મદદ માટે આવ્યા હશે. તેમને મેં પૂછ્યું કે બોલો, બેન શું મદદ જોઇએ છે? મહિલાએ કહ્યું કે, મદદ લેવા માટે નહીં આપવા માટે આવી છું. આ સાંભળીને મારી તો આંખ પહોળી થઇ ગઇ.

મહિલાએ આગળ કહ્યું કે, એક સમયે મારા પતિને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, ત્યારે એક મહિના સુધી હું તમારી સંસ્થામાં જમી છું. ત્યારથી નક્કી કરેલું કે પૈસા ભેગા કરીને દાનમાં આપીશ. મહિલાએ થેલીમાંથી સિક્કા અને નોટો ટેબલ પર ઠાલવી દીધા. હતા 1500 રૂપિયા, પણ એ દાન કરોડોના દાન કરતા પણ વધારે મહત્ત્વનું હતું.

જ્યારે લોકોના ચહેરા પર હાશકારો અને આનંદ જોવા મળે છે ત્યારે જે ખુશી મળે છે તે અનન્ય હોય છે

25 વર્ષથી સેવાની સુવાસ ફેલાવી રહેલા ભરતભાઇને અમે જ્યારે પૂછ્યું કે સેવા કરવાથી તમને શું મળે? ભરતભાઇએ કહ્યું કે, સેવા ત્યારે જ શક્ય બને જ્યારે એમાં મેવાની આશા ન હોય. ભૌતિક પદાર્થથી તમને જે સુખ મળે એના કરતા અનેક ગણું આત્માનું સુખ મળે છે.

જ્યારે તમે કોઈને મદદ કરો અને એ વ્યક્તિના ચહેરા પર જે હાશકારો અને આનંદ જોવા મળે તેનાથી અનન્ય ખુશી મળે છે જે બીજા કોઇ કામ કરવાથી મળતી નથી.આત્મીય આનંદ જ સૌથી મહત્ત્વનો છે.

છાંયડો’ સંસ્થાના નેજા હેઠળ સુરતમાં 150 કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલ બની રહી છે

‘છાંયડો’ સંસ્થાના નેજા હેઠળ સુરતના અલથાણ વિસ્તારમાં 150કરોડ રૂપિયાના ખર્ચે મલ્ટિસ્પેશિયાલીટી હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે. આના માટે હોજીવાલા પરિવારે જમીન દાનમાં આપી છે. 150 કરોડ રૂપિયામાંથી 100 કરોડ રૂપિયા નિર્માણમાં અને લેટેસ્ટ મેડિકલ સાધનો માટે જશે અને 50 કરોડ રૂપિયા કોર્પ્સ ફંડમાં જશે. ભરતભાઇએ કહ્યું કે, આ હોસ્પિટલ માટે દાનની શરૂઆત તો થઇ ગઇ છે, પરંતુ હજુ મોટી રકમની જરૂરિયાત છે.

છાંયડોમાં સેવા આપી રહ્યા છે આ ટ્રસ્ટીઓ

છાંયડોમાં ભરતભાઇ શાહ પ્રમુખ છે, ઉપપ્રમુખ રામનારાયણ ચાંડક, ખજાનચી તરીકે સત્યનારાયણ રાઠી, સેક્રેટરી લવજીભાઇ પ્રજાપતિ, સહ-સેક્રેટરી તરીકે પ્રવિણભાઇ નાણાવટી, ખજાનચી લાલજીભાઇ પટેલ, સહ-ખજાનચી કનૈયાલાલ પટેલ, ટ્રસ્ટી તરીકે ડો. વિકાસબેન દેસાઇ, ઓમપ્રકાશભાઇ તુટેજા, જીતેન્દ્રભાઇ શાહ, ડો. ગીરિશભાઇ શાહ, નયનભાઇ ભરતિયા, વિમલભાઇ પોદ્દાર, ગોવિંદ પ્રસાદ સરાઉગી અને સી.એ. જય છૈરા છે. સલાહકાર તરીકે પ્રેમજીભાઇ રાઠી, જગદીશભાઇ દેસાઈ, વિકાસભાઇ પટેલ, વિનોદભાઇ બિયાની, મેહુલભાઇ દેસાઈ, ધવલભાઇ શાહ, મનોજભાઇ પ્રજાપતિ, શંકરભાઇ પટેલ, ડો. ભુવનેશભાઇ શાહ, બંટીભાઇ ઓબેરોય સેવા આપી રહ્યા છે.

પ્રસૂતિ બાદની સંભાળ માટે મહિલાઓને કપડાની કિટ આપવામાં આવે છે

સિવિલમાં જે મહિલાઓ પ્રસૂતિ માટે દાખલ થાય તેની યાદી ‘છાંયડો’ સંસ્થાને મળી જાય અને દરરોજ મહિલાઓ માટે ચોખ્ખા ઘીનો 25 કિલો શીરો બનાવવામાં આવે અને જ્યારે હોસ્પિટલમાંથી રજા મળે ત્યારે એક બાળકોના કપડાં અને આરોગ્ય માટેના વાસણાંના લાડુની એક કીટ તૈયાર કરીને આપવામાં આવે.

સુરતના ચીફ ઇન્કમટેક્સ કમિશ્નર ભોજન સેવા જોઇને અચંબિત થઇ ગયા હતા

ભરતભાઇએ એક પ્રસંગ યાદ કરતા કહ્યું હતું કે, અમારી સંસ્થાને 80G સર્ટિફિકેટ મળતું નહોતું. અમે અનેક વખત રજૂઆત કરતા હતા, પરંતુ અમારું કામ થતું નહોતું. તે વખતના ચીફ ઇન્કમટેક્સ કમિશ્નર જિંદાલ હતા અમે તેમને મળ્યા, તો તેમણે પણ શરૂઆતમાં તો આનાકાની કરી.

અમે કહ્યું કે તમે એક વખત અમારી સંસ્થામાં આવીને જુઓ પછી સર્ટિફિકેટ આપજો. બીજા દિવસે ચીફ ઇન્કમટેક્સ કમિશ્નર ‘છાંયડો’માં આવ્યા અને અમારી કામગીરી જોઇ. વ્યવસ્થિત રીતે ભોજનની કામગીરી ચાલતી હતી.

તે વખતે તો કમિશ્નર કશું બોલ્યા નહી, પરંતુ બીજા દિવસે પરિવાર સાથે પાછા આવ્યા અને પોતે જાતે ભોજન પિરસ્યું અને 2500 રૂપિયા દાનમાં આપ્યા. તેમણે કહ્યું કે આજે મને જે આત્મીય આનંદ મળ્યો તેવો આનંદ ક્યારેય મળ્યો નહોતો. એ પછી અમને 80G સર્ટિફિકેટ મળી ગયું.

સેવાના કામમાં અવરોધો અને ગુસ્સો પણ આવતા હશે, તેને કેવી રીતે મેનેજ કરો છો?

ભરતભાઇ શાહને અમે પૂછ્યું કે તમે આટલી બધી સેવાના કામ કરો છો તો અવરોધો પણ આવતા હશે અને ક્યારેક કોઇકના આક્ષેપોને કારણે ગુસ્સો પણ આવતો હશે તો એ બધું કેવી રીતે મેનેજ કરો છો?

ભરતભાઇએ કહ્યું કે, સ્વાભાવિક છે કે તમે જ્યારે કોઇક મોટું કામ કરવા જતા હો તો અવરોધ તો આવવાના જ અને આક્ષેપો પણ થવાના જ, અમારા પર પણ આક્ષેપો થતા હતા અને ગુસ્સો પણ આવતો હતો, પરંતુ સમય અને સંજોગોની સાથે એટલી સમજણ કેળવી લીધી કે વિનય અને વિવેક ક્યારેય ન છોડવા. ગુસ્સો આવે ત્યારે ગળી જવાનો.

માત્ર સુરતમાં જ નહી, પરંતુ નેપાળમાં પણ ‘છાંયડો’ પહોંચ્યું હતું

‘છાંયડા’ની સેવા માત્ર સુરત પુરતી સીમિત નથી. વર્ષ 2015માં નેપાળમાં ભૂકંપ આવ્યો ત્યારે ‘છાંયડો સંસ્થાએ નેપાળમાં ૨૭૫ ઘરો બનાવી આપ્યા હતા. સાથે લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર અને જીવન જ્યોત ટ્રસ્ટ (અમરોલી) સાથે મળીને ભૂકંપ પીડિતોને 12 લાખ રૂપિયાની દવા દાન કરવામાં આવી હતી.

સિવિલ, ઉધનામાં રાહત દરે MRI, ડાયાલીસીસ જેવી અનેક સુવિધા છે

‘છાંયડો’ માત્ર ભોજન કે પ્રસૂતાની કીટ આપવાનું જ કામ નથી કરતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આવેલા આત્મજ્યોતિ MRI સેન્ટર, મહેશ્વરી ડાયાલીસીસ સેન્ટર અને ઉધનામાં જીવન જ્યોત ડાયોગ્નોસ્ટિક સેન્ટરમાં MRI, સીટી સ્કેન, સોનોગ્રાફી, એક્સ-રે. ટ્રેડમિલ ટેસ્ટ, પેથોલોજી લેબ. ડેન્ટલ ટ્રીટમેન્ટ, ફિઝિયોથેરાપી જેવી અનેક સુવિધાઓ આપવામાં આવે છે અને તે પણ સાવ રાહતદરે. લોકસેવા મેડિકલ સ્ટોરમાં ઘણી રાહતદરે દવાઓ આપવામાં આવે છે.

છાંયડો સંસ્થાએ ગામને પણ દત્તક લીધેલા. આદિવાસી વિસ્તારોમાં પણ અનેક સેવા કાર્ય ચાલે છે

છાંયડો સંસ્થાએ માંડવી તાલુકાના પીટરકુઇ અને પીપલવાન એમ બે આદિવાસી વસ્તી ધરાવતા બે ગામોના વિકાસ કરવા માટે દત્તક લીધા હતા. આ ગામોની અંદર કૂવા ખોદવાનું, કૂવામાં પંપો લગાવવા, કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલો, ગરીબોને ગાયો આપવાનું, સુવર્ણના વર્ગો અને આદિવાસી કન્યાઓ માટે સમુહ લગ્ન જેવા આયોજનો કર્યા હતા.

આ ઉપરાંત ખેરગામના આદિવાસી વિસ્તારમા નોન-ગ્રાન્ટેડ શાળાને દત્તક લેવામાં આવી છે. જેમાં ધો. 6 થી 12ના લગભગ 200 બાળકોને દર વર્ષ મફત શિક્ષણ, હૉસ્ટેલની સગવડ તથા ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાના 17 તાલુકાના 1270 ગામોમાં વિકલાંગોને માટે આર્ટીફીશ્યલ અંગો, વ્હીલ ચેર્સ, ટ્રાઈસિકલ, કાનના મશીનો આપવા વિગેરે અનેક સેવાઓ ચાલી રહી છે.

આટલી બધી સેવા કરો છો તો કોઇક વાર ફંડની મુશ્કેલી આવી છે?

ભરતભાઇએ કહ્યું કે, આમ તો ‘છાંયડો’ સંસ્થાની પ્રવૃત્તિ વિશે હવે દેશ વિદેશમાં લોકો જાણતા થયા છે એટલે દાનની સરવાણી વહેતી રહે છે. વિદેશમાં વસતા ભારતીયો પણ દાન મોકલતા રહે છે. પરંતુ ઘણી વખત એવું બન્યું હતું કે, સંસ્થાનું ફંડ ખુટી ગયું હોય અને એવી ચિંતા હોય કે હવે આગળનું કામ કેવી રીતે ચાલશે?

ત્યારે અચાનક મદદ આવીને ઊભી રહી જાય. એવું ઘણા લોકો કહેતા હોય છે કે, જો તમે નિસ્વાર્થ અને નીતિથી સેવાનું કામ કરો તો આખી કાયનાત તમારી મદદે આવીને ઊભી રહી જાય છે. આવા અનુભવો અમને અનેક વખત થયા છે.

સંસ્થાની ઓફિસમાં પીધેલ ચા કે બિસ્કિટના પૈસા પણ ટ્રસ્ટીઓ ગજવામાંથી કાઢે…

સંસ્થા આજે અવિરત ચાલી રહી છે, તેનું કારણ એ છે કે ટ્રસ્ટીઓ ખરેખર સેવા ભાવના સાથે સંકળાયેલા છે. ભરતભાઇ પોતે શહેરના નામાંકિત બિલ્ડર છે, પરંતુ ‘છાંયડો’ માટે પુરતો ટાઇમ આપે છે. ‘છાંયડો’નો કોઇ કાર્યક્રમ હોય કે ઓફિસમાં ચા બિસ્કિટ ખાધા હોય તો પણ ટ્રસ્ટીઓ ઓફિસના ફંડનો ઉપયોગ ન કરે, પોતાના ગજવામાંથી જ પૈસા કાઢે.

કોરોનામાં ‘છાંયડો’એ શરૂ કરેલી રોટી બેંક અભિયાને હજારો લોકોની જઠરાગ્નિ ઠારી હતી

કોરાના મહામારીએ આખી દુનિયાને મુશ્કેલીમાં મુકી દીધી હતી. લોકડાઉન વખતે બધું બંધ હતું અને લોકોને જમવાની મુશ્કેલી પડે એવું હતું. એવા સમયે ‘છાંયડો’એ કોરાના મહામારી વખતે જે કામ કર્યું છે તે અમે જોયું છે. ભરતભાઇએ કહ્યું કે, અમારા ધ્યાન પર આવ્યું કે, લોકડાઉનમાં જે લોકો પરપ્રાંતિય છે, જેમના ફેમિલી નથી, બધું બંધ છે તો લોકોને ભોજનની મુશ્કેલી પડતી હશે.

અમે તાત્કાલિક મિટીંગ કરીને નક્કી કર્યું કે, ભોજનની વ્યવસ્થા ઊભી કરવી છે. અમારા ટ્રસ્ટીઓએ એક અવાજ કહ્યું કે, ભરતભાઇ આપણી સંસ્થાનું જે 15 કરોડ રૂપિયાનું ફંડ છે તે જરૂર પડે તો પૂરેપુરું વાપરી નાંખજો, પરંતુ કોઇ પણ ભૂખ્યું ન રહેવું જોઇએ. અમે તે વખતના મેયર જગદિશ પટેલને ફોન કર્યો અને તેમણે પણ તરત જ સહકાર આપ્યો.

અમે તૈયારી શરૂ કરી અને શહેરના અનેક લોકો અમારા અભિયાનમા જોડાતા ગયા. હવે આટલા બધા લોકો માટે ભોજન કરવાની વ્યવસ્થા કેવી રીતે કરવી તેની ચિંતા હતી, એ સમયે એવું નક્કી કર્યું કે બધા પાસેથી રોટલીઓ મંગાવીએ. અમે નામ રાખ્યું ‘રોટી બેંક’.

શહેરની 26,000 મહિલાઓ સ્વયંભૂ રીતે રોજની રોટલીઓ બનાવતી હતી અને એક એપાર્ટમેન્ટમાંથી 250 થી 300 રોટલીઓ મળતી. અમારા કાર્યકરો નિયત સમયે જઇને રોટલી લઇ આવતા. 2 લાખ રોટલીઓ રોજની અમને મળતી હતી.

ટીમ વર્ક કોને કહેવાય તે આ સમયે જોવા મળ્યું. અનેક યુવાનો, અજાણ્યા લોકો મદદે આવ્યા અને કોઇ પણ જાતનાં સ્વાર્થ વગર લોકોને ફુડ પેકેટ પહોંચાડતા હતા. ‘છાંયડો’ સંસ્થાએ લોકડાઉનમાં જે રીતે લોકોની મદદ કરી તે સરાહનીય છે અને વંદનીય છે. લોકોએ દાન પણ ખુલ્લા હાથે કર્યું જેને કારણે છાંયડોના માત્ર 1 કરોડ રૂપિયા જ વપરાયા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS