Sgcci demands immediate fta amid us tariff hike on indian exports
- Advertisement -NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવાર, તા. ર એપ્રિલ, ર૦રપના રોજ વિશ્વભરના દેશોને લક્ષ્ય બનાવીને ટૅરિફ લાદવાની જાહેરાત કરી હતી, જે વૈશ્વિક વેપારને અસર કરી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ ભારત પર ર૭ ટકા ‘ડિસ્કાઉન્ટેડ રેસીપ્રોકલ ટૅરિફ’ જાહેર કર્યો છે.

આ સંદર્ભે ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા ભારતના માનનીય કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલને રેસીપ્રોકલ ટૅરિફની અમલવારીને ધ્યાનમાં રાખી અમેરિકા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કરવા તથા જેમ્સ એન્ડ જ્વેલરી અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ટૅરિફ પર તાત્કાલિક ધોરણે સબસિડી આપવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.

આ સંદર્ભે ચૅમ્બરના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, અમેરિકાની માર્કેટ આયાત પર નિર્ભર કરે છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આગામી તા. ૯ એપ્રિલ, ર૦રપના રોજથી ભારત સહિત વિશ્વના વિવિધ દેશો પર રેસીપ્રોકલ ટૅરિફનો અમલ કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને પગલે ભારતથી અમેરિકામાં વિવિધ ગુડ્‌સ પર ર૭ ટકા વધારાનો કર મૂકવામાં આવશે, જે પહેલાંથી અમલમાં રહેલા ટૅરિફ સિવાયનો છે.

આ રેસીપ્રોકલ ટૅરિફ અંગેના આદેશ અનુસાર, આ ટૅરિફ યુએસ તરફથી વેપાર સંતુલનને જાળવવા માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) સાઇન નહીં થાય ત્યાં સુધી લાગુ રહેશે. આ બાબત ભારતને અમેરિકા સાથે વધુ અનુકુળ વેપાર કરાર પર ચર્ચા કરવાનો અવસર આપે છે, જે આ નવા ટૅરિફના પ્રભાવને અટકાવી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચે વર્તમાન વેપારની  વાત કરીએ તો વર્ષ ર૦ર૪માં, અમેરિકા અને ભારત વચ્ચે કૂલ ૧ર૯.ર બિલિયન ડોલરનો વેપાર થયો હતો. આમાંથી, યુ.એસ.ના માલોની ભારતમાં આયાત ૪૧.૮ બિલિયન ડોલરની હતી, જ્યારે યુ.એસ.માં ભારતથી ૮૭.૪ બિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું. આથી, યુ.એસ. માટે ૪૧.૮ બિલિયન ડોલરનો વેપાર ચિંતાનો મુદ્દો હતો.

ઉપરોક્ત બાબતે અનુમાન લગાડવામાં આવે છે કે, ભારતથી જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રે કૂલ રૂપિયા ર.૭ર લાખ કરોડનું એક્સપોર્ટ થાય છે. ભારતથી આ ઉદ્યોગનો લગભગ ૩પ% માલ માત્ર યુ.એસ.માં એક્સપોર્ટ થાય છે અને દક્ષિણ ગુજરાત જેમ્સ અને જ્વેલરી માટે મહત્વનું કેન્દ્ર તરીકે ઓળખાય છે, જે દેશના જેમ્સ એન્ડ જ્વેલરીનું ૯૦% ઉત્પાદન કરે છે અને લગભગ ર લાખ લોકો આ ઉદ્યોગમાં કાર્યરત છે.

આ ઉપરાંત, ભારતના કૂલ ટેક્સટાઈલ એક્સપોર્ટમાંથી ર૮% ઉત્પાદનોનું માત્ર યુ.એસ.માં એક્સપોર્ટ થાય છે. દક્ષિણ ગુજરાત એમએમએફ ટેક્સટાઈલ માટે મહત્વના કેન્દ્ર તરીકે ઓળખાય છે, જે દેશમાં ઉત્પાદિત થતા ૬૦% એમએમએફ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે, આથી રેસીપ્રોકલ ટૅરિફ આ બંને ઉદ્યોગો પર વિપરીત અસર કરી શકે છે. કારણ કે, આ ઉદ્યોગો ભારતના મુખ્ય એક્સપોર્ટ ક્ષેત્રો છે અને ભારતમાં લાખો લોકોને રોજગારી આપે છે, આથી આ ઉદ્યોગો માટે ભારત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ટૅરિફ પર સબસિડી આપવામાં આવે તેવી વિનંતી કેન્દ્રિય મંત્રીને કરવામાં આવી છે.

ચૅમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, સુરત સહિત આખા દક્ષિણ ગુજરાતનો બેલ્ટ જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ, એમએમએફ ટેક્સટાઈલ અને સોલાર ક્ષેત્રે જાણીતો છે, આથી ભારત દ્વારા અમેરિકા સાથે આ ક્ષેત્રોમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરવાને પ્રાથમિકતા આપવામાં આવે એવી વિનંતી ચૅમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારતના કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલને કરવામાં આવી છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી અમેરિકાના ઉત્પાદનકર્તાઓને હાઇ ટેક્નોલૉજી અને આઇટી ક્ષેત્રોમાં રાહત આપવાની તક આપી શકાય, જેથી કરીને યુ.એસ.ને ભારત સાથે વેપાર સંતુલન કરવામાં મદદ મળી શકે છે.

અમેરિકા પોતે કૃષિ અને ડેરી ઉત્પાદનો પર ટૅરિફ ઘટાડવા માટે આતુર છે. બીજી તરફ, સેક્ટર સ્પેસિફિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી અમેરિકાને ફાર્માસ્યુટિકલ, અદ્યતન ટેક્નોલૉજી, આઇટી ઉત્પાદનો અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રે કેટલીક છૂટછાટો મળી શકે છે અને ભારતીય હિતોનું સંરક્ષણ થઇ શકે છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -SGL LABS