SGCCI એ ‘યુનિયન બજેટ-2025’ ને વિકસિત ભારતના વિઝનને સાકાર કરતું પ્રગતિશીલ બજેટ ગણાવ્યું

પ.૧% થી ૪.૮% અને આવતા વર્ષે આ રાજકોષીય ખાધ ૪.૪% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક દેશના જી.ડી.પી.ને વધારવામાં આશીર્વાદરૂપ સાબિત થશે : રમેશ વઘાસિયા

SGCCI termed Union Budget 2025 as progressive budget
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

ભારતના કેન્દ્રિય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા તા. ૧લી ફેબ્રુઆરી, ર૦રપના રોજ કેન્દ્રિય બજેટ– ર૦રપ રજૂ કરવામાં આવ્યું હતું, જેનું ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા ખાતે જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ સમયે ચૅમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલ તથા પૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી રજનિકાંત મારફતિયા, સીએ પી.એમ. શાહ, સીએ રૂપીન પચ્ચીગર, શ્રી બી.એસ. અગ્રવાલ અને શ્રી આશીષ ગુજરાતી તેમજ ચૅમ્બરના ગૃપ ચૅરમૅનો સીએ મિતિષ મોદી અને શ્રી ગિરધર ગોપાલ મુંદડા, ચૅમ્બરના સભ્ય શ્રી નૈનેષ પચ્ચીગર અને એડવોકેટ શ્રી દિપેશ શાકવાલા, ઉદ્યોગકારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રિય અંદાજપત્ર સંદર્ભે ચૅમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ પોતાની પ્રતિક્રિયા આપ્યા હતા.

ચૅમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીથારમણ દ્વારા કેન્દ્રિય અંદાજપત્રમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળ ઓછી ઉત્પાદકતા ધરાવતા ૧૦૦ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. આપણા દેશના ખેડૂતો આ યોજનાનો લાભ લઇને કપાસનું મોટા પાયા પર ઉત્પાદન કરશે, આથી કોટનના વધારે ઉત્પાદનનો સીધો લાભ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીને થશે. એમ.એસ.એમ.ઈ. સંદર્ભે કરવામાં આવેલી જાહેરાતોને કારણે એમ.એસ.એમ.ઈ.નું હબ ગણાતા સુરત સહિત દક્ષિણ ગુજરાતને તેનો ખૂબ મોટો ફાયદો થશે.

ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ મશીન પર પ ટકા ડ્યૂટી એક્ઝમ્પ્શન હતી, જેની મર્યાદા ૩૧ માર્ચ ર૦રપ હતી, કેન્દ્રિય બજેટમાં નાણાં મંત્રી દ્વારા આ ડ્યૂટી એક્ઝમ્પ્શનની મર્યાદાને લંબાવવામાં આવી છે. આ ઉપરાંત નીટેડ ફેબ્રિક પરની બેઝીક કસ્ટમ ડ્યૂટીને ૧૦ ટકાથી વધારીને ર૦ ટકા કરવામાં આવી છે. નાણા મંત્રીની જાહેરાતમાં નીટેડ ફેબ્રિક પરની બેઝીક કસ્ટમ ડ્યૂટી ર૦ ટકા અથવા તો પ્રતિ કિલો રૂપિયા ૧૧પ પૈકી જે વધુ હશે તે લાગુ પડશે. બજેટમાં કરાયેલી આ જોગવાઇનો સીધો લાભ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં શટલ લેસ લૂમ્સ પર નીટેડ ફેબ્રિકનું ઉત્પાદન કરતા ઉદ્યોગકારોને થશે. ભારતમાં લુધિયાના પછી સુરત, નીટેડ ફેબ્રિકના ઉત્પાદનનું સેન્ટર છે, આથી નીટિંગ ઉદ્યોગકારોને નાણાં મંત્રીની જાહેરાતથી રાહત થઇ છે.

તદુપરાંત ગરીબ વર્ગ, યુવા, ખેડૂતો અને નારી શક્તિના વિકાસ માટેની ઘણી બધી જોગવાઈઓ આ બજેટમાં કરવામાં આવી છે. એમએસએમઇ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ લોન યોજનાની જાહેરાત કરી છે. પ્રથમ વખત ઉદ્યોગ સાહસિક બનનારી મહિલાઓને રૂપિયા ર કરોડની ટર્મ લોન મળશે, જેનો લાભ લઇને મહિલાઓ ઉદ્યોગમાં સાહસ કરી આત્મનિર્ભર તો બનશે જ પણ સાથે સાથે અન્યોને રોજગારી આપવા માટે પણ સક્ષમ થશે. આમ, કેન્દ્રિય નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટને પ્રગતિશીલ બજેટ કહી શકાય.

ચૅમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ કેન્દ્રિય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે છેલ્લી બોલે છગ્ગો મારી મેચ જીતાડવાની ઘટના સાથે સરખાવી હતી. વ્યક્તિગત કરદાતાની વર્ષો જૂની માંગણીનો સ્વીકાર થતા સાર્વત્રિક આનંદ ફેલાયો છે. રૂપિયા ૧ લાખ કરોડ ગુમાવીને પણ ટેક્સ સ્લેબમાં થયેલા આ સુધારાને કારણે હવે લોકો ટેક્સ ભરવા માટે પ્રેરિત થશે. કાળા નાણાનું ચલણ ઓછું અને ધોળા નાણાંનું ચલણ વધતાં સર્વગ્રાહી રીતે દેશના અર્થતંત્રને ફાયદો થશે. આવનારા પાંચ વર્ષમાં ફર્સ્ટ ટાઈમ આંત્રપ્રિન્યોર, કે જેમાં મહિલાઓ, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબ્સ માટે નવી સ્કીમ લૉન્ચ કરાશે અને તેઓને આવનારા પાંચ વર્ષમાં રૂપિયા ર કરોડની ટર્મ લોન આપવામાં આવશે, આ પણ એક આવકારદાયક જોગવાઈ છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, સુરતના ડાયમંડ ઉદ્યોગની વાત કરીએ તો આ બજેટમાં ખાસ કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. ડાયમંડ ઉદ્યોગને રફ ડાયમંડ પરની ઈમ્પોર્ટ ડયુટી ઘટશે તેવો આશાવાદ હતો, પરંતુ તે ફળીભૂત નહિ થતા હીરા ઉદ્યોગ નારાજ છે તેમ કહી શકાય. જોકે, એમ.એસ.એમ.ઈ. અંતર્ગત ફૂટવેર અને લેધર સેક્‌ટરને, રમકડા સેક્ટરને અને બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેક્નોલૉજીની સ્થાપનાની જાહેરાતને કારણે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને ખૂબ ફાયદો થશે.

ચૅમ્બર ઓફ કોમર્સના તત્કાલીન નિવૃત્ત પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, કોઇપણ દેશના વિકાસ માટે રાજકોષીય ખાધ એટલે કે ફિસ્કલ ડેફીસિટ ઓછી થાય તે આવકારદાયક ઘટના છે. પ.૧% થી ૪.૮% અને આવતા વર્ષે આ રાજકોષીય ખાધ ૪.૪% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક દેશના જી.ડી.પી.ને વધારવામાં આશીર્વાદરૂપ સાબિત થશે. સાથે જ દેશની ઇકોનોમિને પણ મજબૂત બનાવશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, કેન્દ્રિય બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ નવી ટેક્સ રિજીમમાં રૂપિયા ૧ર લાખ ઉપરાંતની વાર્ષિક રૂપિયા ૪ લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નથી. ત્યારબાદ રૂપિયા ૧ર લાખ ઉપરાંતની વાર્ષિક રૂપિયા ૪ લાખ થી ૮ લાખ સુધીની વધારાની આવક પર પ ટકા, રૂપિયા ૮ લાખ થી ૧ર લાખ સુધીની આવક પર ૧૦ ટકા, રૂપિયા ૧ર લાખ થી ૧૬ લાખ સુધીની આવક પર ૧પ ટકા, રૂપિયા ૧૬ લાખ થી ર૦ લાખ સુધીની આવક પર ર૦ ટકા, રૂપિયા ર૦ થી ર૪ લાખ સુધીની આવક પર રપ ટકા અને રૂપિયા ર૪ લાખ થી વધુની આવક પર ૩૦ ટકા ટેક્સ લાગશે.

ચૅમ્બર ઓફ કોમર્સના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રિય બજેટમાં હેલ્થ કેર અને મેન્યુફેક્ચરીંગ સેક્ટર માટે આયાત કરાતી મશીનરી તેમજ ઇન્ડસ્ટ્રીયલ ગુડ્‌સ પરની બેઝીક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો સીધો લાભ લઘુ તથા મધ્યમ વર્ગના ઉદ્યોગકારોને થશે. નાના ઉદ્યોગકારો નવી મશીનરી આયાત કરીને ક્વોલિટી પ્રોડક્ટનું ઉત્પાદન વધારી શકશે અને ત્યારબાદ એક્સપોર્ટ કરી શકશે. આ ઉપરાંત ઉદ્યમ પોર્ટલ પર જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તેવા એમ.એસ.એમ.ઈ.ને રૂપિયા પ લાખ સુધીની મર્યાદામાં કસ્ટમાઈઝ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે, જેનાથી એમ.એસ.એમ.ઈ. ક્ષેત્રને ફાયદો થશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, અત્યાર સુધી ભારતમાં રમકડાની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવતી હતી, પરંતુ કેન્દ્રિય બજેટમાં રમકડા સેક્ટરને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, આથી ભારત રમકડાના સેકટરમાં પણ આત્મનિર્ભર બનશે અને ત્યારબાદ રમકડાને એક્સપોર્ટ પણ કરી શકશે.

ચૅમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલે જણાવ્યું હતું કે, કેન્દ્રિય બજેટમાં નાણાં મંત્રીએ નોકરિયાત વર્ગને રાહત આપી છે. અન્ય કોઇપણ સ્ત્રોતમાંથી આવકના કિસ્સામાં કર મુક્તિની મર્યાદા રૂપિયા ૧ર લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત હવે તમામ કરદાતાઓ છેલ્લા ૪ વર્ષનું આઈટી રિટર્ન એકસાથે ફાઇલ કરી શકશે. અગાઉ આ મર્યાદા ર વર્ષની હતી. તદુપરાંત બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસની મર્યાદાને રૂપિયા પ૦ હજારથી વધારીને રૂપિયા ૧ લાખ કરવામાં આવી છે, જેને પણ આવકારદાયક બાબત કહી શકાય તેમ છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Siddharth Hair Transplant
  • DR SAKHIYAS
  • NIPPONE RARE METAL INC
  • SGL LABS