ગુજરાતના આદિવાસી વિસ્તાર ગણાતા અને પ્રકૃતિની ગોદમાં વિસ્તરેલા ડાંગ જિલ્લામાં 20 માર્ચે એક અદ્દભુત કાર્યક્રમ સંપન્ન થયો હતો. 14 જેટલાં હનુમાન મંદિરોનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે આ જિલ્લો આધ્યાત્મિકતાથી જાણે તરબતર થઇ ગયો હતો. સુરતની જાણીતી ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ (SRK)ના ચેરમેન ગોવિંદાભાઇ ધોળકિયા ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિરોનું નિર્માણ કરવાના છે, જેમાંથી 21 મંદિરોનું નિર્માણ કાર્ય પુરુ થયું અને તેમાંથી 14 હનુમાન મંદિરોને રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ શ્રી ગોવિંદદેવગીરી મહારાજ આશીર્વાદ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જયશ્રી રામના નારાએ ડાંગની ધરાને પાવન કરી દીધી હતી.
આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં 311 હનુમાન મંદિરો બનાવવાનું નક્કી કેવી રીતે થયું તેની પણ રસપ્રદ વાત છે. એક વખત શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટના સ્થાપક ગોવિંદભાઇ ધોળકિયા કારમાં સંત પી.પી.સ્વામી સાથે ડાંગના અંતરિયાળ વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક વૃક્ષના ટેકે ટકેલી હનુમાનજીની મુર્તિની દુર્દશા જોઇને તેમનું દિલ દ્રવી ઉઠ્યું હતું. બસ, ત્યારે જ ડાંગમાં 311 હનુમાન મંદિર બનાવવાના બીજ રોપાયા હતા.
સુશ્રુષાના એક સેવાયજ્ઞ દરમિયાન, અંતરિયાળ વિસ્તારના એક ગામથી બીજે ગામ પસાર થતી વેળા એક ગામની સીમમાં, ખુલ્લા આકાશ નીચે, એક વૃક્ષના ટેકે ટકેલી હનુમાનજીની મુર્તિની દુર્દશા જોઈને, કારમા બેઠેલી બે વ્યક્તિઓના હ્રદય એક સાથે દ્રવી ઉઠ્યા.
ગોવિંદભાઇ ધોળકિયા માટે આનંદની વાત હતી કારણ કે તેઓ હમેંશા કોઇની સાથે ફોન પર વાત કરે અથવા રૂબરૂ મળે તો તેમનો પહેલો શબ્દ હોય, જય શ્રીરામ. ભગવાન રામના ભક્ત મહાવીર હનુમાનના મંદિર બનતા હોય તો સ્વાભાવિર ગોવિંદભાઇ માટે ઉત્સાહની વાત હતી.
સમયનુ ચક્ર તેજ ગતિએ ફરતુ ગયુ. સેવાના ભેખધારીઓના મનમાં રોપાયેલા વિચારબીજને અંકુર ફૂટયા. સમયે સમયે પ્રસ્વેદ, પરિશ્રમ અને સહયોગીઓના સહયોગના ખાતર પાણી મળતા રહ્યા. જોત જોતામાં એક, બે નહી પણ ત્રણ ત્રણ તબક્કે નવનિર્મિત હનુમાનજી મંદિરોના પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમો યોજાઇ પણ ગયા, અને હવે યોજાયો ‘ડાંગ પ્રયાગ હનુમાન યાગ’ ચતુર્થ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ.
આ અગાઉ યોજાઇ ગયેલા ત્રણ ત્રણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવો દરમિયાન ડાંગ જિલ્લાના કુલ ૩૧૧ ગામો પૈકી, મોટી દભાસ, વાંકી, આંબળ્યા, મોહપાડા, પીપલપાડા, ચિંચલી, ઉખાટિયા, બોરીગાવઠા, જાખાના, સીનબંધ, ધૂમખલ, કોટમદર, વનાર, ઘોઘલી, ઉમર્યા, મેહરાઈચોંડ, મુરમ્બી, કાસવદહાડ, સુંદા, ખાપરી, ગોળસ્ટા મળી કુલ ૨૧ હનુમાન મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા થઈ ચૂકી છે. જ્યારે ચોથા તબક્કે એક સાથે ૧૪ મંદિરો જિલ્લાના પૂર્વપટ્ટીના ગામોમા પીપલદહાડ, બહેડુન, ગરૂડિયા, કેળ, ભોંડવિહિર, ખાંભલા, બીબુપાડા, શેપુઆંબા, પાંઢરપાડા, નાની ઝાડદર, મોટી ઝાડદર, શિવબારા, બરડા, અને સાવરખલ ખાતે થવા જઇ રહી છે.
સાથે પાંચમા તબક્કાના ભાવિ કાર્યક્રમમા બીજા ૧૧ ગામો સુસરદા, સાકરપાતળ, સાદડમાળ, ધાંગડી, ચિંચોડ, ચિખલ્દા, કુમારબંધ, નાની દાબદર, મોટી દાબદર, વાઘમાળ, અને કુંડા ગામોનો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે. જ્યારે છ્ટ્ઠા તબક્કાના કાર્યક્રમ માટે નિયત ગામોમા મંદિરોનુ નિર્માણ હાથ ધરવામા આવ્યુ છે.
આ ચતુર્થ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.૨૦ માર્ચ ૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન સુબીર તાલુકાના નાની ઝાડદર ગામે યોજાયો હતો. જે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદદેવગીરી મહારાજની હાજરીમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગોવિંદભાઇ ધોળકિયા, ગીતા પ્રેસ-ગોરખપુરના ટ્રસ્ટી દેવીદયાળ અગ્રવાલ, ઉદઘાટક તરીકે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીત તથા મુખ્ય મહેમાન તરીકે ગીતા પ્રેસ-ગોરખપુરના ટ્રસ્ટી મુરલી સરાફ, ડોનેટ લાઈફ-સુરતના પ્રમુખ નિલેષભાઈ માંડલેવાલા, છાંયડો સંસ્થા-સુરતના પ્રમુખ ભરતભાઇ શાહ તથા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, શ્રી કેશુભાઈ ગોટી, શ્રી મથુરભાઈ સવાણી તથા અગ્રગણ્ય ડાયમંડ ઉદ્યોગપતિઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યાં હતા.
ડાંગમાં જેમણે શિક્ષણ, સંસ્કાર અને સમરસતાની અખંડ જ્યોત જગાવીને લાખો વનવાસીઓ ને મૂળ પ્રવાહ સાથે જોડ્યા છે એવા સેવા મુર્તિ..
પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપક શ્રદ્ધેય શ્રી પી.પી.સ્વામીજીએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે હનુમાનજી મંદિરના નિર્માણ સાથે ગામ લોકોમાં વ્યસન સહિતના દૂષણને નેસ્તનાબૂદ કરવા સાથે તેમનામાં પ્રેમ, કરુણા, એકતા અને ભાઈચારા સાથે સંપની ભાવના કેળવાઈ તેવો પણ એક આશય રહેલો છે. સાથોસાથ ભક્તિ-સેવા-અને નામસ્મરણ સાથે ગ્રામીણ યુવાનોને રચનાત્મક માર્ગે વાળવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે.
પરમ શ્રદ્ધેય શ્રી પી.પી. સ્વામી
(સંસ્થાપક : પ્રયોશા પ્રતિષ્ઠાન)
પ્રયોશા પ્રતિષ્ઠાનના સંસ્થાપક શ્રદ્ધેય શ્રી પી.પી.સ્વામીજીએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે હનુમાનજી મંદિરના નિર્માણ સાથે ગામ લોકોમાં વ્યસન સહિતના દૂષણને નેસ્તનાબૂદ કરવા સાથે તેમનામાં પ્રેમ, કરુણા, એકતા અને ભાઈચારા સાથે સંપની ભાવના કેળવાઈ તેવો પણ એક આશય રહેલો છે. સાથોસાથ ભક્તિ-સેવા-અને નામસ્મરણ સાથે ગ્રામીણ યુવાનોને રચનાત્મક માર્ગે વાળવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે.
ડાંગના લગભગ સવા બે લાખ લોકોમાં સામાજિક ચેતના જગાવવા સાથે પ્રભુ રામના ચરણરજથી પાવન થયેલી દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર આકાર લઈ રહેલા આ હનુમાનજીના મંદિરોમાં વર્ષ દરમિયાન પ્રતિષ્ઠા મહોત્સવ સહિત કાળીચૌદશ અને હનુમાન જયંતિ જેવા કાર્યક્રમોનું પણ સુપેરે આયોજન કરવામાં આવી રહ્યુ છે, તેમ જણાવતા સ્વામીજીએ મંદિર નિર્માણ કાર્યના અંદાજિત દસેક લાખના ખર્ચ સામે રૂ.૨૧ હજારનો ફાળો ગ્રામજનોનો હોય તેવો આગ્રહ રાખવામાં આવે છે તેમ જણાવ્યું હતુ. ફાળો લેવા પાછળનો હેતુ ગ્રામજનોની આસ્થા અને તેઓ પણ આ યજ્ઞકાર્યમાં સહયોગી થયા છે તેવી તેમની ભાવના બળવત્તર થાય તેવો છે તેમ ઉમેર્યું હતું.
મંદિરના માધ્યમથી સ્થાનિક જરૂરિયાતોની આપૂર્તિનો પણ સંકલ્પ પૂર્ણ કરવામાં આવી રહ્યો છે તેમ જણાવતા સ્વામીજી, ગામમાંથી મળેલા રૂ. ૨૧ હજારની ફાળાની રકમમાં ચાર હજાર રૂપિયા ઉમેરી રૂ.૨૫ હજારની રકમ મંદિરના સંચાલકોને રીવોલ્વીંગ ફંડ તરીકે આપવામાં આવે છે. જે રકમ જરૂરિયાતના સમયે ગ્રામજનોને સંકટ સમયની સાંકળ તરીકે ખપમાં આવે છે તેમ જણાવ્યુ હતુ. ગ્રામ્ય સમાજને આત્મનિર્ભરતા તરફ દોરી જતા કાર્યો જેવા કે ગામમાં કોઈને ત્યાં નાનામોટા પ્રસંગો હોય ત્યારે વાસણ, મંડપ, ખુરશી, ડી.જે. જેવા સાધનો ટોકન ભાવે મંદિરના સંચાલકો પૂરા પાડે છે, તો કોઈક પરિવારને અડધી રાતે દવાખાના માટે કે કોઈ યુવક/યુવતીઓને ઇન્ટરવ્યુ/પરીક્ષા આપવા જવા માટે નાણાંભીડ હોય તો આ ભંડોળમાંથી તેને આર્થિક મદદ મળી રહે છે. કોઈ ખેડૂતને ઇમરજન્સીમાં ખાતરપાણી માટે જરૂર પડે તો તે પણ અહીથી મદદ લઈ શકે છે.
આ આર્થિક મદદ પાછી ભરપાઈ કરવી જ તેવુ પણ જરૂરી નથી, તેમ જણાવતા સ્વામીજીએ કહ્યુ હતુ કે, મદદ મેળવનાર વ્યક્તિ સ્વેછાએ, જ્યારે એનો હાથ છૂટો થાય ત્યારે તેની મદદ પરત કરી શકે છે.
ગુજરાતના આદિવાસી વિસ્તાર ગણાતા અને પ્રકૃતિની ગોદમાં વિસ્તરેલા ડાંગ જિલ્લામાં 20 માર્ચે એક અદ્દભુત કાર્યક્રમ સંપન્ન થયો હતો. 14 જેટલાં હનુમાન મંદિરોનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે આ જિલ્લો આધ્યાત્મિકતાથી જાણે તરબતર થઇ ગયો હતો.
સામાજિક ચેતના જગવતા આ યજ્ઞકાર્યની સફળતાની ચર્ચા કરતા સ્વામીજી જણાવ્યુ હતુ કે, નાની ઝાડદર ગામે તો ગ્રામજનોએ સ્વયં દેશીદારૂ બનાવતા જો કોઈ માલૂમ પડે તો રૂ. ૧૦ હજારનો દંડ જાહેર કર્યો છે. જેનાથી ગામમાં આવી પ્રવૃતિ સદંતર બંધ થઈ ગઈ હોવાનુ જણાવ્યુ હતુ. તો યુવાનોને સાચી દિશા ચીંધી શકાય તે માટે જિલ્લાની ગ્રામ પંચાયતો દીઠ મંદિરની સાથે એક એક કૉમ્યુનિટી હોલનો પ્રોજેકટ પણ વિચારાધીન છે તેમ જણાવતા સ્વામીજીએ આ કૉમ્યુનિટી હોલના માધ્યમથી ગામના યુવાનો માટે વાંચનાલય, કોમ્પુટર શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસ જેવી બહુઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવા તરફ આગળ વધી રહ્યા છે તેમ ઉમેર્યું હતુ. સને ૨૦૧૮મા યોજાયેલા ૬ મંદિરોના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ.મોરારી બાપુ, સને ૨૦૧૯ના ૧૧ મંદિરોના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ.શ્રી દેવપ્રસાદજી મહારાજ તથા ૪ મંદિરોના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ. શ્રી રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બે વર્ષ કોરોના કાળ અને હવે સને ૨૦૨૨માં ૧૪ મંદિરોનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
યોજાયો હતો.