ચાંદીના ભાવ એકથી દોઢ વર્ષમાં 1.25 લાખ સુધી પહોંચી શકે છે આવું અમે નથી કહેતા, પણ જાણીતા બ્રોકરેજ હાઉસની આ ધારણા છે. ચાંદીના ભાવ શા માટે વધી શકે તેના કારણો પણ આપવામાં આવ્યા છે.
બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસનું અનુમાન છે કે, આગામી 12-15 મહિનામાં સ્થાનિક બજારમાં ચાંદીની કિંમત રૂ. 1.25 લાખ સુધી પહોંચી શકે છે. જોકે, બ્રોકરેજ હાઉસનું એ પણ કહેવું છે કે તાજેતરના ચાંદીના ભાવ 30 ટકાથી વધારે વધવાને કારણે સમયાંતરે પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે. પરંતુ કોઈપણ મોટો ઘટાડો આવી ત્યારે ચાંદીમાં રોકાણ કરી શકાય છે.
અત્યારે ચાંદી માટે 86,000 થી 86,500 રૂપિયાના સ્તરે મજબૂત ટેકો છે. ભૌગોલિક-રાજકીય તણાવ, ચાંદીની માંગ અને પુરવઠો, કેન્દ્રીય બેંકોની કાર્યવાહી અને ચાંદી પર ચીનની અસર તેની કિંમત વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ચાલો જાણીએ આ ચાર કારણો વિશે.
જિયો પોલિટિકલ ટેન્શન
ગભરાટ અને ચિંતાના સમયમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળે છે. 2022 માં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ, 2023 માં ઇઝરાયલ-હમાસ યુદ્ધ અને તમામ ભૌગોલિક-રાજકીય તણાવ હજુ પણ સક્રિય છે. ઉપરાંત,ચીન અને તાઈવાન વચ્ચે સંભવિત તણાવને લઈને અપડેટ્સ પણ આવી રહ્યા છે. આ સાથે અમેરિકામાં ચૂંટણીના વર્ષને કારણે આર્થિક અનિશ્ચિતતા પણ ચાંદીના ભાવમાં વધારો કરી શકે છે.
ચાંદી ડિમાન્ડ અને સપ્લાય
ઔદ્યોગિક એપ્લિકેશનને કારણે ચાંદીની માંગમાં નજીવો વધારો થવાની ધારણા છે. જ્યારે માઈનીંગ પડકારને કારણે પુરવઠામાં સમસ્યા છે. 2024માં, ચાંદીની માંગ સતત ચોથા વર્ષે તેના પુરવઠા કરતાં વધી જવાની ધારણા છે. આ સૂચવે છે કે ચાંદી માટે બજાર સંતુલન ખાધમાં રહેશે, જે તેની કિંમતમાં વધારો કરવામાં ફાળો આપશે.
સેન્ટ્રલ બેંકોના પગલાં
યુએસ ફેડરલ રિઝર્વે એક વર્ષમાં વ્યાજ દરો 0 ટકા થી વધારીને 5 ટકા કર્યા અને હવે તે સ્થિર છે. ફેડ દ્વારા હજુ સુધી 2024માં વ્યાજ દરોમાં કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી. ફુગાવાના દબાણમાં ઘટાડા વચ્ચે સાવચેતીભર્યું વલણ રાખવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2024માં વ્યાજ દરમાં કાપ મૂકવાની બજારની અપેક્ષા લગભગ 70 ટકા છે, જે ફેડની વર્તમાન સ્થિતિ સાથે વિરોધાભાસી છે, જેના કારણે કિંમતી ધાતુઓમાં તેજી આવી છે.
ચાંદી પર ચીનની અસર
ઔદ્યોગિક સામગ્રીના મુખ્ય ઉપભોક્તા અને ઉત્પાદક તરીકે ચીનની ભૂમિકા વૈશ્વિક ચાંદીના બજારને પ્રભાવિત કરે છે. તે એકમાત્ર એવી અર્થવ્યવસ્થા છે કે જેમાં કોવિડ રોગચાળા દરમિયાન 3 વર્ષનું લોકડાઉન હતું. તેમ છતાં, પીપલ્સ બેંક ઓફ ચાઇના દ્વારા ઉત્તેજનાના પગલાંની સંભાવનાઓ અને મજબૂત આયાત બજારની સંભવિત સ્થિરતા દર્શાવે છે. અમેરિકી ચૂંટણી, મધ્ય પૂર્વના સંઘર્ષ અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે ચાંદીના ભાવમાં વધારો થશે.
1 જાન્યુઆરી 2024ના દિવસે ચાંદીનો ભાવ કિલો ગ્રામ દીઠ 73,395 રૂપિયા હતો જે 12 જુલાઇ 2024ના દિવસે 91,827 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
(નોંધ – માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. ચાંદીમાં રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.)
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube