DIAMOND CITY NEWS, SURAT
લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીએ પાછલા પાંચ વર્ષમાં અભૂતપૂર્વ ઐતિહાસિક તેજી અનુભવી છે. કોરોના બાદ પશ્ચિમી દેશોના યુવાનોએ મોંઘા કુદરતી હીરાના બદલે સસ્તાં કૃત્રિમ હીરા પહેરવાનું વલણ અપનાવ્યું હતું. કૃત્રિમ હીરા સસ્તાં હોવા ઉપરાંત તે પર્યાવરણને કોઈ નુકસાન નહીં પહોંચાડતા હોવાના માર્કેટિંગ સ્ટ્રેટજીએ પણ આ ઈન્ડસ્ટ્રીના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
પશ્ચિમી દેશોમાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરીની ડિમાન્ડ વધતાં સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન મોટા પાયે શરૂ થયું હતું. પાછલા પાંચ-છ વર્ષમાં અહીંના ઉત્પાદકોએ એટલી મોટી માત્રામાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કર્યું કે હવે આ ઈન્ડસ્ટ્રીનો પરપોટો ફૂટવા લાગ્યો છે. ડિમાન્ડ કરતા વધુ ઉત્પાદન હંમેશા આત્મઘાતી નીવડતું હોય છે અને તેવું જ લેબગ્રોન ઇન્ડસ્ટ્રી સાથે થયું.
વર્ષ 2022થી જ લેબગ્રોન ઇન્ડસ્ટ્રી ભીંસનો અનુભવ કરવા લાગી હતી. હવે આ ભીંસ વધી છે. છેલ્લાં ચાર પાંચ મહિનાથી મોટા ઉત્પાદકોએ બજારમાં ટકી રહેવા માટે અંડર કોસ્ટ એટલે કે પડતર કરતાં નીચા ભાવે લેબગ્રોન રફ લોકલ માર્કેટમાં વેચવાની સ્ટ્રેટજી અપનાવતા નાના ઉત્પાદકો, જોબવર્કર્સ, સરીનવાળાથી માંડી આખીય સાઈકલ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
મોટા હાથીઓ મોટા ખર્ચાને પહોંચી વળવા અંડર કોસ્ટમાં રફ લેબગ્રોન વેંચી રહ્યાં છે, તેના લીધે ઉદ્યોગની આખીય સાંકળ ભીંસમાં મુકાઈ છે. લેબર ઘટાડવાની સ્થિતિ ઊભી થઈ. લેબર ઓછી મળતા રત્નકલાકારો ભીંસમાં મુકાયા છે. સમગ્ર ઇન્ડસ્ટ્રી ભીંસ અનુભવી રહી હોય હવે એવો ગણગણાટ શરૂ થયો છે કે લેબગ્રોન ઈન્ડસ્ટ્રીમાં ધારો નક્કી થવો જોઈએ. એટલે કે અમુક રકમથી નીચે માલ વેચવો ન જોઈએ. જેથી તમામને વેપાર કરવાની સમાન તક મળે.
ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ભાવેશ રાદડિયાએ કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં સૌ કોઈને વેપારની સમાન તક મળવી જોઈએ. તે માટે ચોક્કસ ધારા હોવા આવશ્યક છે. અત્યારે કોઈ નિયમો નહીં હોવાથી નીચા ભાવે રફ વેચાતી હોય છે, જેની અસર સમગ્ર ઇન્ડસ્ટ્રી પર પડે છે. નાના-મોટા વેપારી, ઉત્પાદકોએ ભેગા થઈ ચોક્કસ નિયમો બને તે સમયની જરૂરિયાત છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp