ડાયમંડ સિટી, સુરત.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સુરત દ્વારા ગતરોજ હોટેલ એમોર, પીપલોદ, સુરત ખાતે સ્પાર્કલ લોન્ચીંગ મિટીંગ મળી હતી. જેમાં ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા, ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ શાહ, માનદ્ ખજાનચી પરેશ લાઠીયા, ગૃપ ચેરમેન બિજલ જરીવાલા તથા સુરત જ્વેલર્સ એસોસીએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલા અને ભૂતપૂર્વ પ્રમુખ તુષાર ચોકસી, વરાછા કતારગામ જ્વેલરી એસોસીએશનના પ્રમુખ પ્રતાપ જીરાવાલા અને ઉપપ્રમુખ નિલેશ લંગારીયા તથા સ્નેહલ પચ્ચીગર વિગેરે સુરતના જાણીતા જ્વેલર્સ ઉપસ્થિત રહયા હતા.
ચેમ્બર દ્વારા સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશનના આયોજનમાં સુરત જ્વેલર્સ એસોસીએશન, વરાછા કતારગામ જ્વેલર્સ એસોસીએશન, જ્વેલર્સ એસોસીએશન અમદાવાદ, વડોદરા જ્વેલર્સ એસોસીએશન, નવસારી જ્વેલર્સ એસોસીએશન, જેમ એન્ડ જ્વેલરી એસોસીએશન રાજકોટ અને સુરત જ્વેલરી શો વિગેરે એસોસીએશનોનો સહકાર પ્રાપ્ત થયો છે.
ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા દરેક ઇન્ડસ્ટ્રીને સ્થાનિક તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સેકટર વાઇઝ એકઝીબીશનો યોજાય છે. થોડા દિવસ પહેલાં જ ચેમ્બર દ્વારા યુએસએ ખાતે ટેકસટાઇલ સેકટરને લઇને એકઝીબીશન યોજાયું હતું, જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. આથી ભવિષ્યમાં ટેકસટાઇલની સાથે સાથે ડાયમંડ અને જ્વેલરી સેકટર માટે પણ યુએસએમાં એકઝીબીશન કરી શકાશે. યુએસએ ખાતે જ્વેલરી શો પણ કરી શકાય છે.
જો કે, ચેમ્બર દ્વારા આગામી તા. ૧૦, ૧૧ અને ૧ર સપ્ટેમ્બર, ર૦રર ના રોજ સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ– જેમ્સ એન્ડ જ્વેલરી એકઝીબીશન– ર૦રર’ યોજાશે અને આ એકઝીબીશન સંપૂર્ણપણે બીટુસી રહેશે. સામાન્યપણે ડિસેમ્બર – જાન્યુઆરીમાં લગ્નો યોજાતા હોય છે ત્યારે જ્વેલરીના એકસકલુઝીવ વેડીંગ કલેકશન માટે સ્પાર્કલ ઇન્ટરનેશનલ મહત્વનું બની રહેશે. તેમણે સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન તરીકે તુષાર ચોકસી તથા કો–ચેરમેન તરીકે નિખિલ દેસાઇ અને સ્નેહલ પચ્ચીગરની પણ જાહેરાત કરી હતી.
ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલ શાહે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૦૮ માં ચેમ્બર દ્વારા સ્પાર્કલ એકઝીબીશનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ર૦૦૯ – ૧૦ થી વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે ગુજરાત સરકાર સાથે સ્પાર્કલ એકઝીબીશન યોજાતું હતું. જો કે, ચેમ્બર દ્વારા હવે સુરતની જ્વેલરી ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવા માટે ફરીથી બી ટુ સી ધોરણે સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, સુરત હવે જ્વેલરીનું હબ બનવા જઇ રહયું છે ત્યારે વૈશ્વિક કક્ષાએ સ્પર્ધાત્મક થવાનો સમય આવી ગયો છે. સ્પાર્કલ એકઝીબીશન થકી ગુજરાતના જ નહીં પણ ભારતભરના જ્વેલર્સને સુરત લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.
સ્પાર્કલ એકઝીબીશનના કો–ચેરમેન સ્નેહલ પચ્ચીગરે જણાવ્યું હતું કે, સુરતમાં ફિનીશ્ડ અને ઝીરો ડિફેકટ સાથે ડાયમંડ અને જ્વેલરી બને છે ત્યારે આ પ્રોડકટને વધુ સક્ષમ બનાવી વૈશ્વિક માર્કેટમાં મુકવા પ્રયાસ કરાશે. સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ એકઝીબીશન સુરતના જ્વેલર્સ માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે. ભવિષ્યમાં ચેમ્બરના નેજા હેઠળ આંતર રાષ્ટ્રીય કક્ષાએ જ્વેલરી શો કરી શકાય છે.
વરાછા કતારગામ જ્વેલરી એસોસીએશનના ઉપપ્રમુખ નિલેશ લંગારીયાએ જણાવ્યું હતું કે, બધા જ્વેલર્સ મિત્રોના સહકારથી સ્પાર્કલ એકઝીબીશનને સફળતાના શીખરે પહોંચાડીશું અને સુરતની બ્રાન્ડને દેશભરમાં ચમકાવીશું.
સ્પાર્કલની લોન્ચીંગ સેરેમનીનું સંચાલન ચેમ્બરના ગૃપ ચેરમેન બિજલ જરીવાલાએ કર્યું હતું. સેરેમનીના અંતે માનદ્ ખજાનચી પરેશ લાઠીયાએ સર્વેનો આભાર માની લોન્ચીંગ સેરેમનીનું સમાપન કર્યું હતું.