સુરતના હીરાઉદ્યોગનો પાયો 122 વર્ષ પહેલાં નખાયો હતો…
લેઉઆ પાટીદારોએ શરૂઆત કરી હતી…

લેઉઆ પાટીદારોએ જયારે હીરાના ધંધાની શરૂઆત કરી ત્યારે વીજળી પણ નહોતી. તેઓએ હાથથી ચરખો ફેરવીને ઘંટીઓ ચલાવવી પડતી હતી. જો કે તે વખતે કારીગરોની વેલ્યૂ ખૂબ જ ઉંચી અંકાતી હતી...

The foundation of Surat's diamond industry was laid 122 years ago-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

સુરત આજે વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે જાણીતું છે, લગભગ વર્ષે દિવસે 2 લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે, દુનિયામાં વપરાતી આધુનિક ટેકનોલોજી આજે સુરતના હીરાઉદ્યોગ પાસે છે, ફાઇવ સ્ટાર હોટલો જેવી આધુનિક ફેકટરી બની છે અને સૌથી મહત્ત્વની વાત કે સુરતના આર્થિક વિકાસમાં આજે હીરાઉદ્યોગનું મોટું યોગદાન છે. પણ, શું તમને ખબર છે કે સુરતમાં હીરાઉદ્યોગની શરૂઆત ક્યારે અને કોણે કરી હતી?

આ લેખમાં અમે તમને સુરતના હીરાઉદ્યોગનો પાયો કોણે નાંખ્યા ત્યારથી અત્યાર સુધીની હીરાઉદ્યોગની સ્ટોરી જણાવીશું.

સુરતના હીરાઉદ્યોગે ઘણી લાંબી મજલ કાપી છે અને સતત પરિવર્તનો આ ઉદ્યોગમાં જોવા મળ્યા છે. આજે ડાયમંડ ઉદ્યોગ પર જૈન અને સૌરાષ્ટ્રના પટેલ સમાજની મોનોપોલી છે. નો ડાઉટ, આ બંને સમાજના લોકોએ તેમની દિર્ઘદ્રષ્ટિ અને અથાગ મહેનતથી હીરાઉદ્યોગને જે ઉંચાઇએ પહોંચાડ્યો તે કાબિલે તારીફ છે.પરંતુ આ ઉદ્યોગનો પાયો નાંખનારા સુરતના લેઉઆ પાટીદારો હતા.હીરાઉદ્યોગની ઓળખ અને કલા કારીગરીમાં તેમનું કૌશલ્ય અભૂતપૂર્વ હતું. ભણતરનો અભાવ અને મોજશોખની પ્રવૃતિને કારણે આ સમાજનો એકડો નિકળી ગયો છે. પરંતુ તેમનું યોગદાન ભુલી શકાય તેમ નથી.

સુરતના ઝળહળતા ઇતિહાસની વાતો જાણવા જેવી છે. લગભગ 1900ના અરસામાં લેઉઆ પાટીદાર સમાજના ગાંડાભાઇ કુબેરદાસ માવજીવનવાળા અને રંગીલદાસ કુબેરદાસ ફીજીથી સુરત આવ્યા હતા અને તેમણે સુરતમાં હીરાઉદ્યોગની શરૂઆત કરી હતી. પણ તેમનો આ ધંધો લેઉઆ પાટીદાર સમાજ સુધી સીમિત રહ્યો હતો. એ પછી પાંચમાં દશકાના મધ્યમાં એચ.વી. શાહે આ ઉદ્યોગમાં પગપેસારો કર્યો અને જૈન સમાજના પોતાની જ્ઞાતિના લોકોને આ ઉદ્યોગમાં લાવવા માટે પ્રેરક ભૂમિકા ભજવી હતી.

1938ની આજુબાજુ લેઉઆ પાટીદાર સમાજના નગીનભાઇ સત્તારગંધા, શાંતિલાલ પાનાચંદ, હીરાચંદ પાનાચંદ વગેરેના હીરાના કારખાના ચાલતા. તે વખતે મહીધરપરા નાગરશેરીમાં કારખાના ચાલતા. 1952માં માત્ર 15થી 17 ઘંટીઓ ચાલતી હતી. ધીમે ધીમે પાટીદારો હીરાના ધંધામાં આવતા ગયા તેમ તેમ રામપુરા, હરિપુરા,સગરામપુરા, મહિધરપરામાં હીરાના કારખાનોઓ શરૂ થવા માંડ્યા હતા.

1952માં બાબુભાઇ આત્મારામ ગાર્ડ,દયારામ બેચર, કુરજીભાઇ નાના, કુરજીભાઇ મોટા ભાઇચંદભાઇ વગેરેના કારખાનાના ખાતા મોટા ગણાતા. હીરાઉદ્યોગમાં ફેન્સી હીરા બનાવવાની માસ્ટરી લેઉઆ પાટીદારો પાસે હતી. પંડિતજી, ઇશ્વરભાઇ પટેલ, કાકુજી વગેરે ફેન્સીંમાં માહીર મનાતા. એન્ટવર્પથી હીરાના જુદા જુદા કટીંગોની તસ્વીરો મેળવીને લેઉઆ પાટીદારો હીરાના વિવિધ કટ બનાવતા શીખ્યા. પાટીદાર સમાજના કેટલાંક વીરલાઓ એવા પણ હતા કે જેમણે એન્ટવર્પમાં ઓફીસ શરૂ કરી હતી, જેમાં ઇશ્વરભાઇ ઠાકોરભાઇ ફેન્સી, મનહર ગાર્ડ, ઇશ્વરભાઇ ટીંબા, મગન દરબાર, કિકા મકન વગેરેનો સમાવેશ થતો હતો.

લેઉઆ પાટીદારોએ જયારે હીરાના ધંધાની શરૂઆત કરી ત્યારે વીજળી પણ નહોતી. તેઓએ હાથથી ચરખો ફેરવીને ઘંટીઓ ચલાવવી પડતી હતી. જો કે તે વખતે કારીગરોની વેલ્યૂ ખૂબ જ ઉંચી અંકાતી હતી. સાસ્કીનનો શૂટ પહેરીને કારીગરો કામ પર આવતા હતા. કેટલાંક કારીગરો એવા હતા કે જેમના ઉંચા કૌશલ્યને કારણે બજારમાં તેમના નામ બોલાતા. રમણ હિટલર, વસંતુ ઝૂડો, નટવર ગાર્ડ,કાંતિભાઇ ગાર્ડ, મહેશ ચપડીયા, ઇશ્વરભાઇ પટેલ, ભાઇચંદભાઇ ભૂજલી ખ્યાતનામ કારીગરો ગણાતા.નટવરભાઇ ગાર્ડ પાસે તો એવી પરખ હતી કે તેઓ હીરાને ચપટીમાં પકડીને તેનું માપ કહી દેતા હતા.

હીરા પર જે કટ બનાવાતા તેમાં માર્કિસ, ચોકી, પ્રિન્સેસ, ઓવલ, હાર્ટ, ટ્રાયેંગલ, ટ્રિલિયન, ગોસવાળા, પોલકી, ચક્રી,વિલ્ન્દી સ્ટાર, રોઝકટ ટોયઝ વગેરેનો સમાવેશ થતો હતો.
તે વખતે ડાયમંડ કટીંગ એન્ડ પોલિશીંગ માત્ર ભારતમાં સ્થાનિક માંગ પૂરતું જ મર્યાદિત થતું હતું.

The foundation of Surat's diamond industry was laid 122 years ago-2

પરંતુ 1962માં ચીન સાથેના યુદ્ધ પછી આર્થિક મંદીના સંજોગોમાં વિદેશના બજાર શોધવાની ફરજ પડી અને તેમાં કેટલાંક પાલનપુરી જૈન વેપારીઓને સફળતા મળી. આમ, આપત્તિ આશીર્વાદમાં પરિણમી હતી. આ સમયગાળામાં વિદેશોમાં સુરતમાં કટિંગ થયેલા પોલિશ્ડ ડાયમંડની નિકાસ માટેની તક પ્રાપ્ત થઇ.

પરંતુ રફ હીરા નિયમિત ધોરણે આયાત કરી શકાય તેવી કોઇ કાયદાકીય જોગવાઇ ન હતી. 1965-66માં તત્કાલીન વાણિજ્ય પ્રધાન મનુભાઇ શાહની દીર્ઘદ્રષ્ટિથી નિકાસને વેગ આપવાની ભારત સરકારની નીતિ અમલમાં આવી. જેના ભાગરૂપે રિપ્લેનિશમેન્ટ લાઇસન્સ પ્રથા દાખલ કરાઇ. સાવ નાની સાઇઝના હીરાઓને કટીંગ કરીને તેને ઝવેરાતમાં સ્થાન મળી શકે એવી જયારે દુનિયામાં કોઇએ કલ્પના પણ કરી ન હતી, તેવા સમયે ભારતે આ કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું અને પરવડી શકે તેવી સસ્તી મજૂરીને કારણે વેપારી ધોરણે તેનું ઉત્પાદન શક્ય બન્યું.

આજે સુરતમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, ગારીયાધાર જેવા અનેક જિલ્લાના નાના નાના ગામમાંથી આવેલા કારીગરો સુરત આવીને વસ્યા અને આ શહેરને જ કર્મભૂમિ બનાવી દીધી. લેઉઓ પટેલે જે વિસ્તારોમાં કારખાનાઓ શરૂ કર્યા હતા, તેમાંથી ખાસ બચ્યા નથી. આજે સુરતમાં હીરાના કારખાના વરાછા રોડ, એ.કે. રોડ, કતારગામ, વેડરોડ જેવા વિસ્તારોમાં છે.

ભારતમાં તે વખતે સુવર્ણયૂગનો પ્રારંભ થયો હતો. વૈશ્વિક બજારોમાં વધતી માંગને પહોંચી વળવા માટે મોટા પાયે કારીગરોની જરૂરિયાત ઉભી થઇ. તે વખતે રોજગારીની તકોના અભાવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો સુરત તરફ વળ્યા.

હીરાના નાના મોટા કારખાનોઓ શરૂ થયા અને ગણતરીના વર્ષોમાં સુરત દુનિયાભરમાં ડાયમંડ ઉદ્યોગનું કેન્દ્ર બની ગયું. આશરે 1970ની આસપાસના સમયગાળા દરમ્યાન સુરતના વેપારીઓ તથા કારખાનેદારો કાચા હીરાની ખરીદી માટે નિયમિત ધોરણે બેલ્જિયમના એન્ટવર્પ શહેરની મુલાકાત લેતા થયા.

સમજતા હીરાના કારખાનોઓ ગુજરાતના અન્ય શહેરો તથા ગામડાંઓમાં પણ ફેલાયા. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, અમદાવાદમાં હીરાના કારખાના શરૂ થયા અને અનેક લોકોને રોજગારી મળવા માંડી. હીરાઉદ્યોગ સમગ્ર ગુજરાત રાજ્યના અર્થંતંત્ર માટે કરોડરજ્જૂ સમાન ઉદ્યોગ બન્યો અને આજે પણ છે.

વીસમી સદીના અંતિમ દશકમાં ટેક્નોલોજીના વિકાસ સાથે હીરાઉદ્યોગમાં મોટી સાઇઝના હીરા કટીંગ એન્ડ પોલિશ્ડ થવા માંડ્યા અને તેને કારણે બેલ્જિયમ તથા ઇઝરાયલ જેવા દેશોની ઇજારાશાહી તૂટવા માંડી.

The foundation of Surat's diamond industry was laid 122 years ago-3

સુરતના હીરાઉદ્યોગમાં 122 વર્ષમાં આસમાની ચઢાવ ઉતાર આવ્યા. સાવ ગંદા ગોબરા હીરાના કારખાનાઓને બદલે આજે ફાઇવ સ્ટાર કક્ષાની ડાયમંડ ફેકટરીમાં ઉચ્ચ સુવિધા સાથે કારીગરો કામ કરતા થયા. પહેલાં હીરાનો ધંધો એવો હતો કે કોઇ તેના વિશે સામાન્ય લોકોને ખાસ જાણકારી નહોતી. પરંતુ ધીમે ધીમે તેમાં પણ ખાસ્સી પારદર્શિતા આવી છે અને આજે સર્ટિફાઇડ ડાયમંડ મળતા થયા છે.

હીરાઉદ્યોગની લેટેસ્ટ ક્રાંતિની વાત કરીએ તો હવે લેબગ્રોન ડાયમંડે પગપેસારો કર્યો છે અને તેમાં પણ દુનિયાભરમાં ડંકો તો સુરતના હીરાઉદ્યોગે જ વગાડ્યો છે. લેબગ્રોન ડાયમંડ આજે સુરત દુનિયાભરમાં નંબર વન છે.

સમજુ અને જાણીતા લોકો હંમેશા કહેતા કે આપણે અત્યારે જે ફળ ખાઇ રહ્યા છે, કે જે ફળની મજા માણી રહ્યા છે, તે કોઇકે કરેલી મહેનતના ફળ છે. એટલે આપણે અત્યારે બીજ રોપવાના છે જેના ફળ આવનારી પેઢી ખાય શકે. લેઉઆ પાટીદાર સમાજે હીરાઉદ્યોગના જે બીજ વાવ્યા હતા તો આજે લાખો, કરોડો લોકો તેના ફળ ખાઇ શકે છે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant