DIAMOND CITY NEWS, SURAT
છેલ્લાં કેટલાંક વર્ષોમાં સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો વિકાસ આંખે ઊડીને વળગ્યો છે, પરંતુ હજુ પણ આ ઇન્ડસ્ટ્રીના વિકાસની અપાર તકો રહેલી છે. સરકાર પણ આ ઇન્ડસ્ટ્રીનું પોટેન્શિયલ જાણે છે એટલે જ વર્ષ 2023-24ના બજેટમાં કેન્દ્રીય નાણામંત્રી દ્વારા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે સ્પેશ્યિલ જાહેરાતો કરવામાં આવી હતી.
હવે આ ઇન્ડસ્ટ્રીને નડતી આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે બેન્કો પણ આગળ આવી છે. તાજેતરમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા લેબગ્રોન ડાયમંડની મશીનરી ખરીદવા લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
સુરતમાં લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતા કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) ડાયમંડના ઉત્પાદકોને સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાએ મશીનરી માટે લોન આપવાનો આખરે નિર્ણય લીધો છે. સુરતના CVD ડાયમંડ ઉત્પાદકોને બેંકો વર્કિંગ કૅપિટલ લોન આપતી નહીં હોવાથી ચીનની લેબમાં બનતા HPHT સિન્થેટિક ડાયમંડનો વેપાર વધી રહ્યો છે. ભારતના CVD ડાયમંડની પણ વૈશ્વિક માર્કેટમાં ડિમાન્ડ છે. પણ વિદેશથી આયાત થતી મોંઘી મશીનરીને લીધે એમએસએમઈ હીરા ઉદ્યોગકારો પાછા પડી રહ્યાં છે.
જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ દ્વારા આ મુદ્દે વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ અને કોમર્સ સેક્રેટરીને રજૂઆત કરવામાં આવી હતી. એને પગલે હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ લેબગ્રોન એટલે કે, સિન્થેટીક ડાયમંડ ઉત્પાદકોને મશીનરી ધિરાણ આપવાનું શરૂ કર્યું છે. એ રીતે SBI આ ક્ષેત્ર માટે ઔપચારિક નીતિ બનાવનાર દેશની પ્રથમ ધિરાણકર્તા બૅન્ક બનશે.
SBIના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારની માલિકીની બેંક ગ્રોઇંગ મશીનો જેવા મોંઘા સાધનોની ખરીદી માટે ભંડોળ આપશે. પણ લેબમાં-બનાવવામાં આવેલી રફની પ્રાપ્તિ માટે નાણાં પૂરાં પાડશે નહીં. ધિરાણ મુખ્યત્વે ટર્મ લોન દ્વારા થશે. વર્કિંગ-કૅપિટલ લોનને બદલે કંપનીના વિસ્તરણ અને મૂડી સાધન સામગ્રી માટે નિશ્ચિત ચુકવણી શિડ્યુલ સાથે કરવામાં આવશે.
સ્ટેટ બેંકે મુંબઈની બ્રાન્ચ થકી ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) ઉત્પાદકોના વિસ્તરણ સમુદાયને લક્ષ્યમાં રાખી ધિરાણ નીતિ બનાવી છે. તાજેતરમાં બેંકે કેટલાક મેન્યુફેક્ચર્સને લોન આપી ધિરાણની સલામતીની ચકાસણી કરી હતી. લોન માટે ડાયમંડ મેન્યુફેક્ચર્સ કંપનીઓ સિવિડી ડાયમંડનો લોટ અને મિલકતો કોલેટરલ સાથે મુકશે.
ચાલુ વર્ષે ભારતની જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) એ સરકારને પ્રયોગશાળા દ્વારા ઉગાડવામાં આવેલા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે હાકલ કરી હતી. ભારતમાં 150 મિલિયન પોલિશ્ડ કેરેટ સુધીનું લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે.
કુદરતી હીરાના વેપાર સામે યુરોપમાં અને ડોમેસ્ટિક માર્કેટમાં લેબગ્રોન ડાયમંડનો વેપાર વધી રહ્યો છે. સરકારે પણ એ માટે એચએસએન કોડ નંબર લેબગ્રોન ડાયમંડ અને લેબગ્રોન સ્ટડેડ જવેલરી માટે જુદો જાહેર કર્યો છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય કૃત બેંકો પહેલા સુરતની ત્રણ સહકારી બેંકોએ લેબગ્રોન ડાયમંડની મોંઘી મશીનરી સામે મોર્ગેજ લોન આપવાની શરૂઆત કરી છે. આ બેંકોએ 700 કરોડ સુધીનું ધિરાણ મોટી કંપનીઓને કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM