DIAMOND CITY NEWS, SURAT
સુરત ડાયમંડ બુર્સમાં એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરવા માટેની સિસ્ટમ દિલ્હીની મુખ્ય સિસ્ટમથી કનેક્ટ કરાઈ.
સુરતના હીરા ઉદ્યોગ માટે શુક્રવાર તા. 2 ઓગસ્ટનો દિવસ સૌથી મોટો બની રહ્યો હતો. સમગ્ર ભારતમાં સૌથી મોટું કસ્ટમ હાઉસ ધરાવતા સુરત ડાયમંડ બુર્સમાં 2 ઓગસ્ટના દિવસે પહેલું શિપિંગ બિલ બન્યું હતું.
દિવસના અંતે કૂલ બે શિપિંગ બિલ બનાવીને અધિકારીઓએ સમગ્ર સિસ્ટમની ચકાસણી કરી હતી. હવે એક નાના ઉદઘાટન સમારોહ બાદ શિપિંગ બિલ બનાવવાની કામગીરી રેગ્યુલર કરાશે.
પાર્સલ માટેની સફળ ટ્રાયલ બાદ ગઈ તા. 2 ઓગસ્ટના દિવસે 2 શિપિંગ બિલ બનાવાયા હતા. સિસ્ટમમાં કોઈ એરર પણ ન આવી હોય હવે સુરતથી યોગ્ય રીતે શિપિંગ બિલ બનવાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. કસ્ટમ અનુસાર બે બિલ બન્યા છે અને હવે ઉદઘાટન બાદ રેગ્યુલર શિપિંગ બિલ બનાવવાની શરૂઆત થઈ જશે.
આ અગાઉ સુરતની અનેક ડાયમંડ કંપનીઓના હીરાના પાર્સલ સુરત હીરા બુર્સ પર ચેક થતા હતા અને ત્યાંથી પાર્સલ મુંબઈ જઈ એક્સપોર્ટ થતા હતા. કતારગામના સુરત હીરા બુર્સથી તમામ સ્ટાફને સુરત ડાયમંડ બુર્સમાં શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને અહીંથી જ 3 અધિકારીઓને તો સુરત ડાયમંડ બુર્સ મોકલી અપાયા છે અને બાકીનાને સ્ટેન્ડ બાય રખાયા છે.
એટલે આવનારા સમયમાં સુરત હીરા બુર્સને તાળા મારવા પડે એવી સ્થિતિ પણ નિર્માણ પામી શકે છે. નોંધનીય છે કે સુરતથી આવતા રફ અને પોલિશ્ડ થઈને જતા હીરાનું કૂલ એક્સપોર્ટ રૂપિયા દોઢથી બે લાખ કરોડ છે.
વેપારમાં સુરતનો ભવ્ય ઇતિહાસ રહ્યો છે. એક સમય હતો જ્યારે સુરતમાં 84 દેશોના વાવટા સુંવાલી બંદરે ફરકતા હતા. જહાજોની અવરજવર સહિતની જાહોજલાલી હતી. બાદમાં કાપડ અને હીરા ઉદ્યોગે સિંહફાળો આપ્યો ને હવે સુરત ડાયમંડ બુર્સનો વારો છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube