DIAMOND CITY NEWS, SURAT
ઉદ્યોગ નગરી સુરતના શિરે વધુ એક છોગું ઉમેરાયું છે. ડ્યૂટી ફ્રી સોનું વેચવાના મામલે સુરત ગુજરાતનું પહેલું શહેર બન્યું છે. સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પહેલીવાર ડાયમંડ સિટી સુરતમાં ડ્યૂટી ફ્રી સોનું વેચવાનું શરૂ કરાયું છે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર એસોસિએશનની માંગણીના પગલે સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયાના પ્રયાસોથી ગોલ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.
ગુજરાતનું આ પહેલું ડ્યૂટી ફ્રી ગોલ્ડ સેલિંગ સેન્ટર હશે. હાલમાં સુરત શહેરમાં ૪૫૦ જ્વેલરી મેન્યુફેક્ચરીંગ ધમધમે છે. આ યુનિટમાં ગોલ્ડનો મોટા પ્રમાણમાં વપરાશ થાય છે. તેથી આ ઉત્પાદકો દ્વારા છેલ્લાં ઘણા સમયથી ડ્યૂટી ફ્રી ગોલ્ડ સેલિંગ સેન્ટર સુરતમાં શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી હતી. જે આખરે ફળીભૂત થઈ છે.
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર એસોસિએશનના પ્રમુખ જયંતિ સાવલિયાએ કહ્યું કે, મોટા ભાગના જ્વેલરી ઉત્પાદકોએ મુંબઈથી ડ્યૂટી ફ્રી સોનું ખરીદવું પડતું હતું. તેથી જ અમે સુરતમાં ડ્યુટી ફ્રી ગોલ્ડ સેલિંગ સેન્ટરની માંગણી કરી રહ્યાં હતાં. આ કાર્યમાં એસબીઆઈની મદદ મળી અને પરિણામે સુરતમાં ડ્યૂટી ફ્રી ગોલ્ડ સેલિંગ સેન્ટર શરૂ થઈ શક્યું છે.
સ્ટેટ બૅન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તેની સુરતના ચોક બજાર ખાતે આવેલી મુખ્ય શાખામાં આ ગોલ્ડ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. જેથી જ્વેલરી ઉત્પાદકો અહીંથી સોનું ખરીદી શકે.
જયંતિ સાવલિયાએ વધુમાં જણાવ્યું હતં કે, વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા માટે જ્વેલરીના નિકાસકારોને ડ્યૂટી ફ્રી સોનાની જરૂરિયાત હોય છે. દુબઈ જેવા દેશો વેપારને પ્રોત્સાહન આપવા માટે નિકાસ માટે સોના પર ડ્યૂટી વસૂલાત નથી. શહેરને અન્ય દેશોનાના નિકાસકારો સાથે સમાન સ્પર્ધા પૂરી પાડવાની તક મળે તે માટે આ ડ્યૂટી ફ્રી ગોલ્ડ સેન્ટર ખૂબ જરૂરી હતું. હવે સુરતના જ્વેલરી ઉત્પાદકો દુબઈના ગોલ્ડ નિકાસકારોને પણ સ્પર્ધા આપી શકશે. જણાવી દઈએ કે એસબીઆઈમાં શરૂ થયેલા સેન્ટરની વર્તમાન ક્ષમતા ૫૦ કિલો ગોલ્ડ જેટલી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM