DIAMOND CITY NEWS, SURAT
ગયા મહિને તા. 17 ડિસેમ્બરના રોજ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું હતું તે બુર્સની વહીવટી કમિટીમાં એક જ મહિનાના ટૂંકા ગાળામાં ડખા શરૂ થઈ ગયા છે. બુર્સની કમિટિના પ્રમુખ નાગજી સાકરીયાએ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા બે ત્રણ દિવસથી જોરશોરથી ચાલી રહી છે. આ ચર્ચાના પગલે હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સૌ કોઈ આ સમાચારની હકીકત વિશે જાણવા ઉત્સુક છે.
સુરત ડાયમંડ બુસના પ્રમુખ પદેથી હીરા ઉદ્યોગપતિ નાગજી સાકરિયાએ તા. 9મી જાન્યુઆરી 2024ના રોજ રાજીનામું આપી દીધું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ સમાચાર વહેતા થતાં જ હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો. નાગજીભાઈના રાજીનામાની વાત મુંબઈ સુધી પહોંચી ચૂકી છે. સુરત હીરા બુર્સનું ઉદઘાટન થયાને હજુ એક મહિનો પણ પૂરો થયો નથી. ત્યારે જ બુર્સના વહીવટમાં ડખા શરૂ થતા હલચલ મચી જવા પામી છે.
હજુ બુર્સમાં 25 ટકા ઓફિસો પણ ખુલી નથી તે પહેલાં જ પ્રમુખના રાજીનામાના લીધે અનેક ચર્ચાઓ ઊઠી છે. નાગજી સાકરિયા એચ.વી.કે. નામથી હીરાની પેઢી ચલાવી રહ્યા છે અને તેઓ સુરત હીરા બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલના નજીકના સંબંધી પણ થાય છે. નાગજીભાઈ સાકરીયાને ગઈ તા. 28મી ઓક્ટોબરના રોજ મળેલી મિટીંગમાં પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નાગજીભાઈ સાકરિયાએ કેમ રાજીનામું આપી દીધું તે અંગે સુરતના મીડીયા કમર્મીઓએ ખુદ નાગજીભાઈને અનેક ફોન કોલ્સ કર્યા. હતા, તેમને ઓડિયો મેસેજ કરીને રાજીનામાં અંગે કન્ફર્મેશન આપવા પણ સંદેશા પાઠવ્યા હતા પરંતુ, મોડી સાંજ સુધી તેમણે એકેય મેસેજ કે ફોન કોલનો જવાબ આપ્યો ન હતો. જ્યારે સુરત હીરા બુર્સના અનેક ટ્રસ્ટીઓ, મેનેજિંગ કમિટીના સભ્યો દરેક આ બાબત જાણતા હોવા છતાં તેમણે અજાણ હોવાનો ડોળ કર્યો હતો.
જણાવી દઈએ કે સુરત હીરા બુર્સમાં પ્રમુખ પદેથી ટૂંકાગાળામાં જ રાજીનામું ધરી દેવા મામલે અગ્રણી હીરા ઉદ્યોગપતિ નાગજીભાઈ સાકરીયાએ કેમ રાજીનામું આપ્યું તે અંગે સુરતના હીરા ઉદ્યોગમાં જેટલા મોઢા તેટલી વાતો સંભળાઇ રહી છે. રનકલાકારોથી લઈને હીરા ઉદ્યોગપતિઓ, દલાલો વગેરેમાં આજે આખો દિવસ આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ રહ્યો હતો. એચ.વી.કે. ડાયમંડ પેઢીના માલિક નાગજીભાઈ સાકરિયા સુરત હીરા બુર્સના પ્રમુખ પણ હોઈ તેમણે ખુદે સુરત હીરા બુર્સમાં ઓફિસ શરૂ નહીં કરતા હીરા ઉદ્યોગમાં ખુદ વલ્લભ લાખાણી પર આંગળીઓ ઉઠવાની શરૂ થઈ ગઈ હતી. નાગજી સાકરીયાની કંપની સુરત હીરા બુર્સમાં તાત્કાલિક ઓફિસ શરૂ કરવાના મતમાં ન હતા. આજ કારણથી નાગજીભાઈ સાકરિયાએ સુરત હીરા બુર્સના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું હોવાની ચર્ચા ઊઠી હતી.
નાગજીભાઈ સાકરિયાએ રાજીનામુ આપ્યું છે એવા વાઇરલ થયેલા સમાચાર અંગે બુર્સના ચૅરમૅન વલ્લભ લાખાણીને પૂછતાં તેમણે કહ્યું કે મને ખબર નથી. દરમિયાન મોડી સાંજ સુધી પત્રકારોનાં કોલ રીસિવ નહીં કરનાર નાગજી સાકરિયાએ રાત્રે સામે ચાલીને પત્રકારોને કોલ કરી પોતે ડાયમંડ બુર્સનાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું નહીં હોવાની સ્પષ્ટતા કરી હતી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM