DIAMOND CITY NEWS, SURAT
ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના બિઝનેસ કનેકટ SBC 1.0 અને 2.0 બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ અને SBC 2.0ના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણી શનિવાર, તા. ૧૮ મે, ર૦ર૪ના રોજ લે મેરેડિયન (TGB), સુરત ખાતે મળી હતી. આ મિટીંગમાં એસબીસીના સભ્યો તથા અન્ય મુલાકાતીઓ મળીને ૧રપથી વધુ સભ્યોએ હાજરી આપી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેશકુમાર મોદી ઉપસ્થિત રહ્યા હતા.
ઝિમ્બાબ્વેના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજેશકુમાર મોદીએ SBCના સભ્યોએ સંબોધતા જણાવ્યું હતું કે, ‘વર્ષ ૧૯૯રમાં પ૦ યુએસ ડોલર લઈને ઝિમ્બાબ્વે ગયો હતો અને અત્યારે ૬૦૦ કર્મચારીઓનો સ્ટાફ મારી કંપનીમાં કામ કરે છે. કોઈ પણ બિઝનેસ માટે વિશ્વાસુ વર્ક ફોર્સ હોવું ખૂબ જ મહત્વનું હોય છે. ઝિમ્બાબ્વેમાં સ્કીલ્ડ પ્રોફેશનલ વર્ક ફોર્સ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે.
તેમણે જણાવ્યું હતું કે, ‘ઝિમ્બાબ્વેમાં ફાર્માસ્યુટિકલ, સોલાર, ફૂડ પ્રોસેસિંગ, માઈનિંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે વિપુલ તકો રહેલી છે. ઝિમ્બાબ્વેમાં દયાળું લોકો રહે છે, આથી વ્યવસાય ઉદ્યોગમાં વધારે સમસ્યા આવતી નથી. ગુજરાતી પ્રજા સાહસિક હોય છે. જેનું પ્રમાણ છે કે, ગુજરાતીઓ ૧૬મી સદીથી ઝિમ્બાબ્વે સાથે ઉદ્યોગ કરી રહ્યા છીએ.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ઝિમ્બાબ્વેમાં રોકાણકારોને તેમના રોકાણ અનુસાર ટેક્સમાં રાહત આપવામાં આવે છે. ઝિમ્બાબ્વેમાં જો સુરતના રોકાણકારો સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં રોકાણ કરે તો તેઓ સ્થાનિક નહીં પણ યુ.એસ. કરન્સીમાં ધંધો કરી શકે છે.’
આ મિટીંગમાં ધી સધર્ન ગુજરાત ચૅમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયા, તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી હિમાંશુ બોડાવાલા, હાલના માનદ્ મંત્રી તેમજ ચૂંટાયેલા ઉપ પ્રમુખ શ્રી નિખીલ મદ્રાસી, મિશન ૮૪ના કો–ઓર્ડિનેટર શ્રી સંજય પંજાબી, મિશન ૮૪ના સીઇઓ શ્રી પરેશ ભટ્ટે ખાસ હાજરી આપી હતી. ચૅમ્બર પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ ચૅમ્બર ઓફ કોમર્સ અને SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન ૮૪ વિશે માહિતી આપી હતી. તેમણે એસબીસીના મોર્નિંગ ચૅપ્ટરના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવા બદલ તમામ સભ્યોને શુભકામનાઓ પાઠવી હતી.
એસબીસીના ચેરમેન શ્રી ચિરાગ દેસાઈના અધ્યક્ષપદે મિટીંગ યોજાઈ હતી, જેમાં ચેરમેનશ્રીએ સર્વેને આવકારી મિટીંગની શરૂઆત કરી હતી. ચૅમ્બરના હાલના માનદ્ મંત્રી તેમજ વાઈસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી નિખિલ મદ્રાસી અને એસબીસીના એડવાઇઝર શ્રી તપન જરીવાલાએ એસબીસીની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. એસબીસીના કો–ચૅરમૅન સુશ્રી સ્નેહાબેન જરીવાલાએ કમિટીના સભ્યો તથા મુલાકાતીઓ માટે ૩૦ સેકન્ડ બિઝનેશ પ્રેઝન્ટેશન મિટીંગનું સંચાલન કર્યું હતું.
એસબીસીના એડવાઇઝર શ્રી પરેશ પારેખે કલોઝિંગ રીમાર્કસ આપી હતી. એસબીસીના કો–ચૅરમૅન શ્રી નીરવ બરફીવાલાએ મિટીંગમાં હાજર તમામ મહાનુભાવોનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું. મિટીંગના અંતે સૌ સભ્યો એકબીજાને વધુ બિઝનેસ આપવાની ખાત્રી સાથે છુટા પડ્યા હતા.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp