લાંબા સમયથી આતુરતાથી જેની રાહ જોવાઈ રહી છે તે વિશ્વનું સૌથી મોટા કમર્શિયલ કોમ્પલેક્સ સુરત ડાયમંડ બુર્સમાં પ્રકાશ પર્વ દિવાળી બાદ સુરત શહેર અને હીરા ઉદ્યોગના વિકાસનો નવો સુરજ ઉગવા જઈ રહ્યો છે. દશેરા પર કુંભઘડો મુક્યા બાદ સુરત-મુંબઈની 190 નાની મોટી ડાયમંડની કંપનીઓ સુરત ડાયમંડ બુર્સમાં તા. 21 નવેમ્બરના રોજ વેપાર શરૂ કરશે. આ સાથે જ અત્યાર સુધી માત્ર રફ ડાયમંડ કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં ઓળખાતા સુરત શહેરમાં હવે સાચા અર્થમાં ઈન્ટરનેશનલ લેવલે ડાયમંડનું ટ્રેડિંગ શરૂ થશે.
સુરત શહેર વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે પરંતુ એ હકીકત છે કે સુરતમાં હીરાનું લેબર વર્ક થાય છે. રફ અને પોલિશ્ડ હીરાના સોદા મુંબઈ, એન્ટવર્પ અને દુબઈ જેવા શહેરોમાં થાય છે. સુરતમાં ફેક્ટરીઓ ધરાવતા હીરાવાળાઓએ ફરજિયાતપણે મુંબઈ અને એન્ટવર્પમાં ડાયમંડ ટ્રેડિંગ માટે ઓફિસો રાખવી પડે છે, પરંતુ હવે ચિત્ર બદલાશે. મુંબઈ, એન્ટવર્પની મોનોપોલી તોડી મારો હીરો, મારી કિંમતે મારી ઓફિસમાં વેચવા માટે સુરતના હીરાવાળાઓએ કમર કસી છે. સુરતના ખજોદ વિસ્તારમાં મસમોટું સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ બુર્સમાં હીરાના વેપારીઓની 4600 ઓફિસ આવેલી છે, તે પૈકી 190 ઓફિસો દિવાળી બાદ શરૂ થશે.
સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક પત્રના માધ્યમથી એવી જાહેરાત કરવામાં આવી છે કે ડાયમંડની 190 કંપનીઓ એક સાથે સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસ શરૂ કરવા જઈ રહી છે. દિવાળી બાદ તા. 21 નવેમ્બરના રોજ આ ડાયમંડ કંપનીઓ પોતાનો બિઝનેસ સુરત ડાયમંડ બુર્સમાંથી ઓપરેટ કરશે. આ સાથે કમિટી દ્વારા આ 190 કંપનીઓની યાદી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં સુરત ડાયમંડ બુર્સ કમિટીના ચૅરમૅન વલ્લભ લાખાણીની કિરણ જેમ્સ પ્રાઇવેટ લિમિટેડનો પણ સમાવેશ થાય છે. સુરત ડાયમંડ બુર્સ કમિટીના સભ્યો પાસેથી જાણવા મળ્યા અનુસાર આ 190 કંપનીઓ સ્વૈચ્છાએ દિવાળી બાદ તા. 21મી નવેમ્બરથી સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસો શરૂ કરી ત્યાંથી વેપાર શરૂ કરવા તૈયાર થઈ છે. કમિટીના સિનિયર સભ્ય દિનેશ નાવડીયાએ કહ્યું કે 190 કંપનીઓ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.
SDBના સમિતિના સભ્ય દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી દ્વારા SDBના સત્તાવાર ઉદ્ઘાટનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પીએમ મોદી 21 નવેમ્બર પહેલા અથવા પછી SDBનું ઉદ્ઘાટન કરી શકે છે, પરંતુ એ નિશ્ચિત છે કે હીરા કંપનીઓ આપેલી તારીખે કામગીરી શરૂ કરશે. શહેરના ખજોદ સુરત ડ્રીમ સિટીનાં એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા બુર્સ, સુરત ડાયમંડ બુર્સમાં 21 નવેમ્બર 2023થી સુરત અને મુંબઈની 190 ડાયમંડ કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરશે. સુરત ડાયમંડ બુર્સ કમિટીના અગ્રણી દિનેશ નાવડીયાએ આજે બુર્સમાં ટ્રેડિંગ શરૂ કરવા મામલે સત્તાવાર જાહેરાત કરી હતી.
અગાઉ બુર્સ કમિટીના પ્રવક્તા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આગામી દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસમાં કુંભ ઘડો મુકશે અને 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે એવી જાહેરાત કરી ચુક્યા છે. ચર્ચા એવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 નવેમ્બરે ડાયમંડ બુર્સ ઉપરાંત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન ઉપરાંત અન્ય લોજીસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં પ્રોજેક્ટસના પણ લોકાર્પણ કરે એવી શક્યતા છે.
સુરત ડ્રિમ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. આજે સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક પત્રના માધ્યમથી ટ્રેડિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં કમિટીએ સુરત-મુંબઈની ટોચની 190 કંપનીઓની યાદી પણ જાહેર કરી દીધી છે, જે 21 નવેમ્બરથી સુરત ડાયમંડ બુર્સથી ટ્રેડિંગ શરૂ કરવા સહમતી આપી ચૂકી છે. જે કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરશે એમાં સુરત ડાયમંડ બુર્સ કમિટીના ચૅરમૅન વલ્લભ લાખાણીની કિરણ જેમ્સ, લાલજીભાઇ ટી.પટેલની ધર્મનંદન ડાયમંડનો પણ સમાવેશ થાય છે.
સુરત ડાયમંડ બુર્સ કમિટીના સિનિયર સભ્ય દિનેશ નાવડીયાએ કહ્યું કે 190 કંપનીઓ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે. અત્યારે 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પૂર્ણ થવાના આરે છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી છે. અત્યારે 190 ડાયમંડ કંપનીઓએ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.
સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ
રૂપિયા 3,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે. જો કે, આ ઓફિસોમાંથી માત્ર 190 ડાયમંડ કંપનીઓએ 21 નવેમ્બરથી કામગીરી શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. SDBનું સત્તાવાર ઉદઘાટન, શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તે અંગે હજુ સુધી પદાધિકારીઓ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
વડાપ્રધાન સમય ફાળવે ત્યાર બાદ ઉદ્દઘાટન તારીખ જાહેર કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદઘાટન માટે તારીખ ફાળવશે ત્યાર બાદ ઉદ્દઘાટન સમારોહની તારીખ જાહેર કરવામાં આવશે એવું બુર્સની કમિટી પહેલાં જ જણાવી ચૂકી છે. એ નક્કી છે કે બુર્સનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ઉદઘાટન કરશે. પેન્ટાગોનથી પણ મોટા વિશ્વના આ સૌથી મોટા ડાયમંડ બુર્સને લઈ સુરતીઓ અને હીરા ઉદ્યોગમાં ખૂબ ઉત્સાહ છે. વિશ્વના 175 દેશના બાયર્સ સુરત હીરા ખરીદવા આવશે. ડાયમંડ બુર્સમાં 4,600 ઓફિસો, બેન્ક, હોટેલ, રેસ્ટોરન્ટ, રિક્રીએશનને લગતી સુવિધાઓ રાખવામાં આવી છે. અત્યારે મોટા ભાગની ઓફિસોમાં ફર્નિચરનાં કામ પૂર્ણતાના આરે છે. બુર્સ ધમધમતું થયા પછી જેમ્સ એન્ડ જવેલરીનો 2 લાખ કરોડનો વેપાર વધીને 4 લાખ કરોડ થશે. બુર્સમાં વિશાળ કસ્ટમ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે.
6 મહિના થી 1 વર્ષ સુધી મેન્ટેનન્સમાંથી મુક્તિનો લાભ મળશે
SDB કમિટી દ્ધારા અગાઉ પત્ર લખી જણાવ્યા મુજબ જે મેમ્બર મુંબઇ સ્થિત ઓફીસ બંધ કરી, SDB માં બિઝનેસ શરૂ કરશે તે મેમ્બર મેન્ટેનન્સ ચાર્જીસમાં રાહત મેળવી શકશે. મુંબઈમાં ઓફીસ અને હીરાનો વેપાર બંધ કરી સુરત બુર્સમાં શરૂ કરનારને 6 મહિનાથી એક વર્ષ મેન્ટેનન્સ ફ્રીનાં લાભ આપવામાં આવશે.
જે મેમ્બર પહેલો ફેઝ એટલે કે તારીખ 21/5/2023 સુધીમાં મુંબઈ સ્થિત પોતાની ઓફિસ અને પોલિશ્ડ ડાયમંડના વેચાણ (સેલ)નો વ્યાપાર બંધ કરી સંપૂર્ણપણે 21 નવેમ્બરથી સુરત ડાયમંડ બુર્સમાંથી જ પોલિશ્ડ ડાયમંડનું વેચાણ (સેલ) શરૂ કરશે, તેવા જ મેમ્બરનું નામ સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડીંગ પ્રવૃત્તિ શરૂ કરનાર અગ્રણી સભાસદોની પહેલી યાદીમાં લખવામાં આવશે અને આ પહેલી યાદીનું બોર્ડ સુરત ડાયમંડ બુર્સના મુખ્ય રિસેપ્શન એરિયામાં આજીવન મુકવામાં આવશે. આ મેમ્બરો પાસેથી 1 વર્ષનો ઓફિસ મેન્ટેનન્સ ચાર્જીસ લેવામાં આવશે નહીં, એટલે કે 1 વર્ષ સુધી 100 % મેન્ટેનન્સમાં રાહત આપવામાં આવશે. બીજા ફેઝ એટલે કે તા. 21/11/2023 થી 21/05/2024 સુધીમાં મુંબઈ સ્થિત પોતાની ઓફિસ અને પોલિશ્ડ ડાયમંડના વેચાણ (સેલ)નો વ્યાપાર બંધ કરી સંપૂર્ણપણે સુરત ડાયમંડ બુર્સમાંથી જ પોલિશ્ડ ડાયમંડનું વેચાણ (સેલ) શરૂ કરશે, તેવા જ મેમ્બરનું નામ સુરત ડાયમંડ બુર્સમાં ડાયમંડ ટ્રેડીંગ પ્રવૃત્તિ શરૂ કરનાર અગ્રણી સભાસદોની બીજી યાદીમાં લખવામાં આવશે અને આ બીજી યાદીનું બોર્ડ સુરત ડાયમંડ બુર્સના મુખ્ય રીસેપ્શન એરિયામાં આજીવન માટે મુકવામાં આવશે. તેમજ આ મેમ્બરો પાસેથી 6 મહીનાના ઓફીસ મેન્ટેનન્સ ચાર્જીસ લેવામાં આવશે નહીં એટલે કે 6 મહીના સુધી 100% મેન્ટેનન્સમાં રાહત આપવામાં આવશે.
આ મામલે મુંબઈ અને સુરતના હીરાવાળા વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. મુંબઈની ઓફિસો બંધ કરી સુરતમાં ઓફિસો શરૂ કરવાની ઓફરથી મુંબઈના હીરાવાળા નારાજ થયા છે અને તેઓએ આ મામલે જાહેરમાં નારાજગી વ્યક્ત પણ કરી છે. ત્યારે હવે જ્યારે 190 કંપનીઓએ સુરતમાં 21 નવેમ્બરથી ઓફિસ શરૂ કરવાની જાહેરાત કરી છે ત્યારે મુંબઈના હીરાવાળા શું સ્ટેન્ડ લે છે તે જોવું રહ્યું!
સુરત ડાયમંડ બુર્સની ખાસિયતો જાણવા જેવી
અમેરિકાની સિક્યુરિટી સંસ્થા પેન્ટાગોન કરતાં પણ મોટા વિસ્તારમાં તૈયાર થઈ રહેલો ડાયમંડ બુર્સ 2020ની સુરત માટે સૌથી મોટી આશા છે. કુલ 66 લાખ ચો.ફૂટમાં 11 માળના કુલ 9 ટાવરમાં 4200 જેટલી હીરા ઉદ્યોગકારોની ઓફિસ કાર્યરત થશે. અંતિમ તબક્કામાં પહોંચેલા બુર્સના બાંધકામ પંચતત્વ થીમ પર કરવામાં આવ્યું છે. ડાયમંડ બુર્સના ગેટથી કોઈપણ વ્યક્તિ પોતાની ઓફિસમાં 3 થી 3.50 મિનિટમાં પહોંચી જાય તેવું ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર ડેવલોપ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સ સુધી પહોંચવા માટે સુરતમાં મેટ્રોનું કામ શરૂ કરાયું છે. વરાછાથી સરસાણા સુધી પહેલાં ફેઝમાં મેટ્રો દોડશે.
બુર્સનું નિર્માણ 2600 કરોડથી વધુના ખર્ચે થયું છે. અહીં15 માળના 9 બિલ્ડિંગમાં 4600 ઓફિસ બનાવવામાં આવી છે. દુબઈ એક્સ્પોમાં જે ઉદ્યોગકારોએ રસ દાખવ્યો છે તેને લઈને બુર્સ કમિટીની મીટિંગમાં નિર્ણય લેવાશે. ખજોદ ખાતે નવનિર્મિત હીરા બુર્સનું ઉદઘાટન થાય એ પહેલાં જ ઓફિસોના ભાવમાં 80 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.
સુરતનો 1.50 લાખ કરોડનો જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ વધીને સીધો 2.50 લાખ કરોડ પર પહોંચવાની સાથો-સાથ, 1 લાખ લોકોને સીધી રોજગારીનો લાભ મળશે. ટાવરના કેમ્પસની અંદર જ ફરવામાં આવે તો 22 કિમીનું અંતર થઇ જાય છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM