DIAMOND CITY NEWS, SURAT
સુરતને વિશ્વમાં ડાયમંડ સિટીની ઓળખ આપનાર સુરતનાં હીરા ઉદ્યોગની ચમક વૈશ્વિક મંદીમાં ગુમાવી છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદી વચ્ચે ચીન, હોંગકોંગ, અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટમાં ડાયમંડ જ્વેલરીની માંગ ઘટી જતાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ ગણાતા સુરતનો હીરા ઉદ્યોગ ગંભીર મંદીમાં સપડાયો છે.
હીરાના નાના કારખાનેદારો પાસે પોતાનું કામ તો નથી જ પરંતુ જોબવર્કનું કામ પણ નહીં રહેતા પ્રથમવાર નાના હીરાના કારખાનેદારોએ જન્માષ્ટમીથી 8 દિવસનું મીની વૅકેશન રાખ્યું હતું.
હવે આ કારખાનેદારો કારીગરોને અગાઉથી વિશ્વાસમાં લઈ રજા અને વૅકેશન અંગે જાણ કરી રહ્યાં છે. ત્યારે હીરા ઉદ્યોગમાંથી વધુ એક ડરાવનારી વાત સામે આવી છે. જન્માષ્ટમની જેમ દિવાળી વૅકેશન પણ વહેલું પડી શકે છે. કેટલાંક કારખાનેદારોએ અત્યારથી જ રત્નકલાકારોને કહી દીધું છે કે, જો ક્રિસમસની સિઝનના પૂરતા ઓર્ડર નહીં મળે તો દિવાળી વૅકેશન વહેલું પડી શકે છે.
સામાન્ય રીતે ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં અમેરિકા અને યુરોપથી ક્રિસમસનાં તહેવાર માટે ઍડ્વાન્સ ઓર્ડર મળતાં હોય છે. પણ આ વર્ષે પ્રતિસાદ પ્રમાણમાં ઓછો જણાઈ રહ્યો છે. જાણકારો કહે છે કે, ચીન, હોંગકોંગ, અમેરિકા અને યુરોપમાં મંદીને લીધે લક્ઝરી વસ્તુઓની માંગ ઘટી છે.
એની અસર સુરતનાં ડાયમંડ કટિંગ પોલિસીંગ ઉદ્યોગ પર પડ્યા વિના નહીં રહે, વિશ્વમાં હીરા ઉત્પાદક સૌથી મોટો દેશ ભારત હોવાથી મંદીની અસર વધારે થઈ રહી છે. એને લીધે હીરા ઉત્પાદકો સમય કાઢવા માગી રહ્યા છે. કેટલાક ફેક્ટરીના માલિકો અઠવાડિયામાં બે દિવસ રજા પાળી રહ્યા છે. કેટલાક કારખાનામાં કામનો સમય ઓછો કરી દેવામાં આવ્યો છે.
આ સ્થિતિ લંબાશે તો હીરા ઉત્પાદકો દિવાળી વૅકેશન પણ વહેલું પાડવાનું વિચારી રહ્યા છે. એવું હીરા ઉદ્યોગમાંથી જાણવા મળી રહ્યું છે. ગત દિવાળી પછી સતત મંદીમાંથી પસાર થઇ રહેલા હીરા ઉદ્યોગને આગામી ક્રિસમસના લીધે થોડી રાહત મળે તેવી આશા છે. સામાન્ય રીતે ક્રિસમસના ત્રણ મહીના પહેલાથી ક્રિસમસ માટે અમેરિકા અને યુરોપના દેશોમાંથી વેપારીઓને ઓર્ડર મળવાની શરુઆત થઇ જાય છે.
ભારતથી સૌથી વધુ જેમ એન્ડ જ્વેલરીનો એક્સપોર્ટ સ્વિટ્ઝર્લેન્ડ, બ્રિટન, અમેરિકા, હોંગકોંગ, ચીન, યુએઈ, સાઉથ આફ્રિકા, કેનેડા, જર્મની અને સિંગાપોરમાં થાય છે. આ દેશો અત્યારે મંદીમાં સપડાયા છે. તેમની પ્રાથમિકતા બદલાઈ છે. જેની અસર હાઈ વૅલ્યુ ગુડ્ઝ હીરા-ઝવેરાત ઉદ્યોગ પર પડી છે. સુરતમાં છેલ્લા 4 મહિનામાં 23 રત્નકલાકારો એ આર્થિક સંકટથી કંટાળી આપઘાત કરી લીધો હતો.
ભારતથી ક્યાં દેશમાં કેટલો એક્સપોર્ટ થાય છે?
સ્વિટ્ઝર્લેન્ડ | 14.23% |
બ્રિટન | 11.63% |
અમેરિકા | 10.93% |
હોંગકોંગ | 8.14% |
ચીન | 3.56% |
યુએઈ | 3.38% |
સાઉથ આફ્રિકા | 3.18% |
કેનેડા | 2.82% |
જર્મની | 2.75% |
સિંગાપોર | 2.68% |
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM