ભારતીય હીરા ઉદ્યોગની અગ્રણી કંપની હરિ કૃષ્ણ એક્સપોર્ટની ચેરિટેબલ સંસ્થા ધ ધોળકીયા ફાઉન્ડેશનને ખૂબ મોટું સન્માન પ્રાપ્ત થયું છે. ગઈ તા. ૧૯મી માર્ચ ૨૦૨૩ના રોજ ન્યૂયોર્ક ખાતે યોજાઈ ગયેલા યુનાઈટેડ નેશન્સ ૨૦૨૩ની વોટર કોન્ફરન્સમાં ગાલા હોસ્ટ કરવાનું બહુમાન મળ્યું છે.
સુરતની હરિ કૃષ્ણ એક્સપોર્ટ ડાયમંડ કંપનીના ફાઉન્ડર સવજી ધોળકીયા દ્વારા બિનનફાકારક ધર્માદા સંસ્થા ધ ધોળકીયા ફાઉન્ડેશનની શરૂઆત કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા ભારતમાં ૧૧૧ તળાવોને નવજીવન કરાવવા સાથે ૨.૫ મિલિયન છોડની રોપણીનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. પર્યાવરણના ક્ષેત્રે ધોળકીયા ફાઉન્ડેશનનું કાર્ય પ્રશંસાને પાત્ર રહ્યું છે.
ન્યૂયોર્ક ખાતે યોજાયેલી યુએનની વોટર કોન્ફરન્સના આ ગાલા પ્રોગ્રામમાં સિગ્નેટ જ્વેલર્સના સીઈઓ વર્જિનિયા સી. ડ્રોસોસ, હેલ્ઝબર્ગ ડાયમંડ્સના સીઈઓ બ્રાડ હેમ્પટન અને જીઆઈએના સીઈઓ સુસાન જેક્સ સહિત ઉદ્યોગના ઉચ્ચ દરજ્જાના બિઝનેસ લીડરોએ ભાગ લીધો હતો.
એવરલેઝર કંપનીના સીઈઓ લીએન કેમ્પ દ્વારા યુએનની વોટર કોન્ફરન્સમાં સસ્ટેનિબિલીટી પર પેનલનું આયોજન કરાયું હતું. જેમાં ડ્રોસોસ, હેમ્પટન અને જેક્સ તેમજ ડી બિયર્સ ગ્રુપના સેલ્સ વાઈસ પ્રેસિડેન્ટ પોલ રાઉલી તેમજ હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર ઘનશ્યામ ધોળકીયાએ ભાગ લીધો હતો.
આ પેનલને સંબોધતા હેમ્પટને કહ્યું હતું કે, હું સસ્ટેનિબિલિટી અને જવાબદારીને એક સમાન દ્રષ્ટિએ જોઉં છં. આપણે આપણા કુદરતી સ્ત્રોતોને જાળવી રાખવા માટે એક સમાન રીતે જવાબદાર છીએ. તેની જાળવણી કરવી એ આપણી ફરજ છે. આ મુદ્દાને આગળ ધપાવતા ડ્રોસોસે ઉમેર્યું કે, પર્યાવરણની જાળવણી, કુદરતી સંપત્તિને બચાવી રાખવી એ આવશ્યક છે અને તે અમે એ માટે કહી શકીએ છીએ કે અમે ગ્રાહકો સાધે સીધા સંકળાયેલા છે. અમે હીરા ઉદ્યોગની સાંકળની છેલ્લી કડી છે. અમે રોજ ગ્રાહકોને મળીએ છીએ. અને તમારે એ વાતનો વિશ્વાસ કરવો જોઈએ કે ગ્રાહકો પર્યાવરણ અને કુદરતી સંપત્તિની જાળવણીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માને છે. જેક્સે કહ્યું કે ગ્રાહકો હવે સભાન થયા છે. તેઓનું નોલેજ વધવા સાથે તેઓ હવે વધુ સચેત થયા છે. આપણે પણ હવે ગ્રાહકોની ડિમાન્ડને સમજવી જોઈએ. ગ્રાહકો શું ઈચ્છે છે તે જાણવા પ્રયાસ કરવો જોઈએ.
યુવાન પેઢી જ્વેલરીને માત્ર શ્રૃંગારની દ્રષ્ટિએ જોતા નથી. તેઓ જ્વેલરીમાં ઉપયોગમાં લેવાયેલી ધાતુ, રત્નો કઈ કુદરતી સંપદામાંથી પ્રાપ્ત કરાયા છે, તે જાણવા માંગે છે. તેથી હવે જ્વેલર્સે પણ એ નોલેજ યુવાન ગ્રાહકોને આપવું પડશે કે તેમનું ઉત્પાદન ક્યાંથી આવ્યું છે, કેવી રીતે બન્યું છે? એક રીતે સમગ્ર ઉદ્યોગે આ જવાબદારી ઉપાડવી પડશે.
અહીં રાઉલીએ પોતાની દીકરી સાથેનો એક પ્રસંગ યાદ કર્યો હતો. રાઉલીએ પેનલને કહ્યું હતું કે, તેની દીકરી કાર્બન ફૂટપ્રિન્ટ વિશે પ્રશ્નો કરે છે. તે જાણવા માંગે છે કે તેના પિતાએ જે ઉત્પાદન મેળવ્યું છે તેની પર્યાવરણ પર કેવી અસર પડી છે? મારી દીકરી વ્યક્તિગત તેમજ વ્યવસાયીક રીતે કોઈ પણ ચીજવસ્તુની પસંદગી કે ખરીદી કરતી વખતે પર્યાવરણ પર તે ચીજવસ્તુની પડેલી અસરોને ધ્યાનમાં લે છે, જે દર્શાવે છે કે યુવાન પેઢી પર્યાવરણ પ્રત્યે ખૂબ જ સભાન છે.
આ પેનલે સર્વાનુમત્તે એ વાત સ્વીકારી હતી કે ટકાઉપણા સાથે સંકળાયેલા આ ખર્ચને નકારી શકાય નહીં. તે દરેક ઉત્પાદક અને રોકાણકાર માટે આવશ્યક રોકાણ બની ચૂક્યું છે.
આ તબક્કે જેક્સે કહ્યું કે, જો તમે આ કરશો નહીં તો તમારો વેપાર તમે ગુમાવી બેસશો. તમારી પાસે કોઈ વેપાર-ધંધો રહેશે નહીં. ચોક્કસપણે આ ખર્ચ કોઈને પસંદ પડશે નહીં. પરંતુ તે કરવો જ પડશે. એ વાત યાદ રાખજો કે તમે ગ્રાહકોની માન્યતા અને લાગણી માટે જે ખર્ચ કરી રહ્યો છે તેનું ૧૦ ગણું વળતર પાછું મળશે.
ડ્રોસોસે કહ્યું કે, આપણે એવી વસ્તુઓમાં રોકાણ કરીએ છીએ જે ગ્રાહકો માટે અત્યંત મહત્ત્વની છે. અને તે ગ્રાહકો પ્રત્યેની આપણી જવાબદારીના લીધે કરીએ છીએ. આપણે સૌ આ જવાબદારી નિભાવીએ છીએ. અને આ સંયુક્ત ભાગીદારી છે જે આપણે અસરકારક રીતે ગ્રાહકો સુધી પહોંચાડી શકીએ છીએ. ડ્રોસોસે નોંધ્યું હતું કે, ગ્રાહકો માટે જે મહત્ત્વનું નથી તેવા ખર્ચા ઘટાડવાનો અમે પ્રયાસ કરીએ છીએ. મને નથી લાગતું કે સસ્ટેનિબિલિટીનો કોઈ સ્પર્ધાત્મક લાભ લેવો જોઈએ. મને લાગે છે કે તે ઈન્ડસ્ટ્રી માટે ફરજિયાત હોવું જોઈએ.
ઘનશ્યામ ધોળકીયાએ કહ્યું કે, પ્રમાણિકતા અને સખ્ત મહેનતના સિદ્ધાંતો ફાઉન્ડેશનના સસ્ટેનેબલ પ્રયાસોને પ્રેરણા આપે છે.
આ કાર્યક્રમમાં સ્પેશિયલ પ્રેઝેન્ટેશન સેરેમની યોજાઈ હતી જેમાં તળાવોના નામ જાહેર કરાયા હતા. જેમાં ડી બિયર્સ લેક, સિગ્નેટ લેક, હેલ્ઝબર્ગ લેક, વોચીસ એન્ડ જ્વેલરી ઈનિશિયેટીવ ૨૦૩૦ લેક અને યુએન ૨૦૨૩ વોટર કોન્ફરન્સ લેકનો સમાવેશ થાય છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM