DIAMOND CITY NEWS, SURAT
અમેરિકા, યુરોપના બજારોમાં પોલિશ્ડ ડાયમંડમાં ડિમાન્ડ નહીં હોવાના કારણે ભારતીય હીરા ઉદ્યોગ છેલ્લાં એક વર્ષ જેટલાં લાંબા સમયથી કટોકટીનો સામનો કરી રહ્યો છે. પોલિશ્ડનું વેચાણ નહીં થતું હોવાના લીધે ઉત્પાદકોના કારખાનામાં ઈન્વેન્ટરી વધી છે, તો બીજી તરફ રફની ખરીદી આર્થિક બોજો વધારી રહી હતી.
ઉદ્યોગને વિકટ સ્થિતિમાંથી બહાર ખેંચી લાવવાના હેતુથી ભારતીય હીરા ઉદ્યોગના પાંચ અગ્રણી સંગઠનોએ બે મહિના માટે રફ હીરાની આયાત બંધ રાખવાનો મોટો નિર્ણય લીધો હતો, જેમાં વિશ્વની મોટી માઈનીંગ કંપનીઓએ પણ સહકારની ખાતરી આપી હતી. જોકે, પ્રતિબંધના લીધે રફની આયાત ઘટવાના બદલે ઓક્ટોબરમાં વધતાં આશ્ચર્ય સર્જાયું છે.
ઓક્ટોબરના પ્રારંભમાં ભારતીય હીરા ઉદ્યોગના અગ્રણી સંગઠનો અને ટોચના હીરા ઉદ્યોગકારોએ ભેગા મળી 15 ઓક્ટોબર થી 15 ડિસેમ્બર સુધી એમ બે મહિના માટે રફની આયાત પર પ્રતિબંધનો સામુહિક નિર્ણય લીધો હતો. આ નિર્ણયના પગલે ભારતમાં રફની આયાત ઘટવાના બદલે ઓક્ટોબરના પહેલાં પંદર દિવસમાં વધી હતી. રફની ખરીદી બંધ થાય તે પહેલાં હીરા ઉત્પાદકોએ મોટી માત્રામાં રફની ખરીદી કરી લીધી હતી, જેના પગલે ઓક્ટોબર 2023માં રફની આયાતનો આંકડો વધ્યો હતો.
ભારતમાં પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં ઘટાડા વચ્ચે ઓક્ટોબરમાં રફ આયાતમાં વધારો થયો હતો. કારણ કે વૈશ્વિક માંગ ધીમી હતી અને ઉત્પાદકો બે મહિનાના શિપમેન્ટ ફ્રીઝ પહેલાં રફ ખરીદી કરી લેવા માંગતા હતા. એક રીતે ઉત્પાદકોએ રફનો સ્ટોક કરી લેવાનું વલણ અપનાવ્યું હતું.
જીજેઈપીસી (જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના રિપોર્ટ અનુસાર ઓક્ટોબરમાં પોલિશ્ડ નિકાસ વાર્ષિક ધોરણે 33 ટકા ઘટીને 1.26 બિલિયન ડોલર રહી હતી. બીજી તરફ ઈન્વેટરી ઘટાડવાના હેતુથી આયાત પર બે મહિનાના સ્વૈચ્છિક વિરામ છતાં ઈનબાઉન્ટ રફ શિપમેન્ટ 9 ટકા વધીને 1.02 બિલિયન ડોલર થયું હતું. તેનો અર્થ કે ભારતીય હીરા ઉત્પાદકોએ 1 થી 15 ઓક્ટોબર દરમિયાન મોટા પ્રમાણમાં રફની ખરીદી કરી હતી.
જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે કહ્યું હતું કે, “વૈકલ્પિક પ્રતિબંધ અને દિવાળીની રજા પહેલાં રફની કિંમતોમાં થયેલા ઘટાડાના પગલે ભારતીય ડાયમંડ કંપનીઓએ રફની ખરીદી કરવાની તક ઝડપી લીધી હતી, તેના પરિણામે રફની આયાતમાં વૃદ્ધિ નોંધાઈ હતી.”
જીજેઈપીસીના ડેટા અનુસાર
ઓક્ટોબર 2023માં પોલિશ્ડની નિકાસ 33 ટકા ઘટી 1.26 બિલિયન ડોલર, પોલિશની આયાત 98 ટકા વધી 197 મિલિયન ડોલર, નેટ પોલિશ્ડની નિકાસ 1.06 બિલિયન ડોલર રહી હતી, જે 41 ટકા ઘટાડો દર્શાવે છે. બીજી તરફ કુલ રફની આયાત 992 મિલિયન ડોલર 12 ટકા વધારો સૂચવે છે.
સ્ત્રોતો : જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, રેપાપોર્ટ આર્કાઇવ્સ
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM