શાબાશ, સવા છ કરોડોના હીરા લૂંટનારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી લીધા

આંગડીયા પેઢીએ બેગમાં મૂકેલું જીપીએસ ટ્રેકર કામમાં આવ્યું, પોલીસે જીપીએસની મદદથી બેગ અને લૂંટારાઓનું લાઈવ લોકેશન મેળવ્યું હતું

The police nabbed the diamond looters worth six and a quarter crores in a matter of hours
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામધામ ચાર રસ્તા પરથી ગઈ તા. 3 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે સાડા છ કરોડના હીરાની લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. આંગડિયા પેઢીના કર્મચારીને ચપ્પુ અને બંદૂકની બતાવી પાર્સલ લૂંટી લેવાની ઘટનામાં જીપીએસ ટ્રેકર થકી આરોપીઓનું જીવંત લોકેશન મળી ગયું હતું જેના પગલે મુંબઈ હાઈવે તરફ ભાગી ઈકો વાનમાં ભાગી રહેલા આરોપીઓનું લોકેશન વલસાડ પાસે મળતાં વલસાડ પોલીસને જાણ કરવામાં આવી હતી. અને વાપી ટોલનાકા પાસે હાઈવે પરથી જ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરત અને વલસાડ પોલીસની આ કામગીરીની ગૃહમંત્રીએ સરાહના કરી હતી.

આ મામલે જગદીશભાઇ રાયચંદદાસ પટેલ (ઉ. વર્ષ 54 , શુકન બિલ્ડીંગ, ગુજરાત આંગડીયા પેઢી, રત્નેશ્વર મહાદેવ મંદિર સામે, ઘીયાશેરી નાકે, મહિધરપુરા મૂળ તાલુકો ચાણસમા, જિલ્લો પાટણ) દ્વારા જે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે મુજબ પાંચ લોકોએ જાહેર માર્ગ પર જ લૂંટને અંજામ આપ્યો હતો. તે પૈકી 35થી 40 વર્ષની આસપાસ ઉંમરના એક ઈસમે કે જેને મરૂન ટી શર્ટ પહેરેલું હતું, તેના હાથમાં રિવૉલ્વર હતી. જ્યારે 3 લોકોએ મોઢે કાળા રંગના કપડા બાંધેલા હતા. તેઓ પાસ કોયદા હતા. અન્ય ઇસમ સામે પણ રિવૉલ્વર જેવું હથિયાર હતું. અને તેઓ દ્વારા બંદૂકના નાળચે 6.41 કરોડ રૂપિયાના ડાયમંડ ભરેલા પેકેટની લૂંટ ચલાવવામાં આવી હતી. પાર્સલના થેલાઓ કુલ નંગ 06 હતા. જેમાં ભાવનગરના થેલામાં હીરાના પાર્સલ નંગ 56 તથા પાલીતાણનાના થેલામાં હીરાના પાર્સલ નંગ 40 , જૂનાગઢના થેલામાં પાર્સલ નંગ 50 તથા બીજા થેલામાં હીરાના પાર્સલ નંગ 110 હતા. તથા બે લૂઝ પ્લાસ્ટીકના બોક્સ મળી આશરે કરોડોના હીરાની લૂંટ થઇ હતી. આ ઉપરાંત વિનુજી દરબાર પાસેના આર. જગદીશ આંગડિયા પેઢીના અમરેલોની થેલામાં સણોસરા તથા ઢસા તથા ગઢડા તથા બોટાદ વગેરેના હીરાના પાર્સલ નંગ 141 જેની કિંમત 65 લાખ જેટલી થાય છે. દરમિયાન આરોપીઓ ઇકો ગાડીમાં આવીને લૂંટ કરીને પલાયન થઇ ગયા હતા. તેઓ મુંબઈ હાઈવે તરફ ભાગી રહ્યાં હતા. ગુજરાત આંગડિયા પેઢીની વાનમાં જીપીએસ હોવાથી પોલીસ માટે આ સિસ્ટમ વરદાન સમાન સાબિત થઈ હતી. તુરંત જ વાનને ટ્રેક કરવામાં આવી હતી. અને વલસાડ-વાપી હાઈવે પર જઈ રહેલી વાન અંગે વલસાડ પોલીસને જાણ કરવામાં આવી હતી. ગણતરીના સમયમાં જ તમામને ઝડપી પાડવામાં સુરત અને વલસાડ પોલીસને સફળતા મળી હતી.

Courtesy : Nirnay Kapoor @Twitter

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા પોલીસ અને શહેર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને પકડી પાડતા અભિનંદન પાઠવ્યા હતા.

વેબસિરિઝ મની હેસ્ટની સ્ટાઈલમાં લૂંટ ચલાવી હતી

શહેરમાં થયેલી આંગડિયાની સવા છ કરોડની લૂંટની ઓપરેન્ડી તે મની હીસ્ટ વેબ સીરીઝની કોપી કરીને કરવામાં આવી હોવાની વિગત પ્રકાશમાં આવી છે. તેમાં મુખ્ય સૂત્રધાર પ્રમોદે આ ધાડ કરવા માટે એવા લોકોને પસંદ કર્યા કે જેઓ એક બીજાને ઓળખતા જ ના હોય. પ્રમોદે તેની સાથે જેલમાં રહેલા મોહંમદ અલાદીન ખાન (ઉ. વર્ષ 42)ને પસંદ કર્યો હતો. આ ઉપરાંત તેના ગામમાં રહેતા અન્ય આરોપી રાહુલ ઉત્તમ વાઘમારે (ઉ. વર્ષ 30 ),રાજકુમાર ગીરધારી (ઉ. વર્ષ 40) તથા જિતેન્દ્ર ઉર્ફે બદ્રીનાથ તિવારી તેના નજદીકના મિત્રો હતા. આ ચારેય ઇસમ એક બીજાને ઓળખતા નહીં હતા. દરમિયાન લૂંટમાં કરોડોના હીરા મળવાના હોવાની વિગતોથી વાકેફ પ્રમોદ ઉર્ફે પમ્યા વાણિયા (ઉ. વર્ષ 40) તે અગાઉ પણ સંખ્યાબંધ લૂંટ અને ધાડમાં સંડોવાયેલો છે. સૂત્રધાર પ્રમોદે વેબસીરીઝ મની હેઈસ્ટમાં જે ઓપરેન્ડી લૂંટમાં વાપરવામાં આવે છે તે ઓપરેન્ડીથી લૂંટ કરી હતી. તેમાં લૂંટ કરનારા એક બીજાને ઓળખતા નહીં હતા. આ કિસ્સામાં પણ તમામ લોકોને એક જ લોકેશન પર બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ આ તમામ લોકો જેઓ એક બીજાને ઓળખતા ન હતા તેઓએ પ્રમોદના કહેવા પર લૂંટને અંજામ આપ્યો હતો.

આંગડિયાના પેકેટમાં રાખેલા જીપીએસ ટ્રેકરથી આરોપીઓ પકડાયા

આંગડિયા પેઢીના કરોડોના હીરાના પાર્સલમાં જીપીએસ સીમ રાખવામાં આવ્યા હતા. તેથી લૂંટારૂઓ કયા રૂટ પર છે તે તરત જ ખબર પડી ગઈ હતી. ગુજરાત આંગડિયાના સંચાલકોની આ આગોતરી સજાગતા પોલીસને કામે લાગી ગઇ હતી. આ પાર્સલોને પોલીસે ટ્રેક કરતા મુંબઇ હાઈવે મારફત આરોપીઓ ભાગી રહ્યા હોવાનું ટ્રેસ થયું હતું. તેથી વલસાડ પોલીસને જાણ કરતા, વલસાડ એલસીબીએ આરોપીઓને પકડી પાડયા હતા. ગણતરીની મિનિટોમાં ગુજરાત પોલીસે મુંબઈ હાઈવેને કોર્ડન કરી નાંખ્યો હતો. આ જીપીએસ ટ્રેકની માહિતી આંગડિયાઓ મારફત આપવામાં આવતા પોલીસે દોઢ કલાકમાં જ આરોપીઓ પકડાઈ ગયા હતા.

વલસાડ એલસીબીએ સજાગ રહીને લૂંટારૂઓને હાઈવે પર વાપી ટોલનાકા પરથી પકડી પાડી સુરત પોલીસને સોંપ્યા

સુરતના સરથાણા વિસ્તારમાંથી આંગડિયાની એક પેઢીને લૂંટી નીકળેલા લૂંટારૂઓ વલસાડ તરફ ભાગતા સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસને હાઈ એલર્ટ પર મુકી દેવાઈ હતી. ત્યારે આ લૂંટારૂઓને વલસાડ એલસીબીએ હાઈવે પરથી આંતરીને વાપી ટોલ નાકા પરથી પકડી પાડ્યા હતા.

રેન્જ આઇજી હરકતમાં આવ્યા અને પોલીસ દોડતી થઇ ગઇ

વાપી ટોલનાકા પાસેથી આરોપીઓ પકડાયા હતા. દરમિયાન સુરત પોલીસે રેન્જ આઇજીને જાણ કરતા આખા હાઈવે પર પોલીસ ઊભી રહી ગઇ હતી. ઇકો કારના લાઇવ ફૂટેજ મેળવીને આરોપીઓનું લોકેશન ટ્રેસ કરીને વલસાડ એલસીબીએ આરોપીઓને પકડી પાડયા હતા. દરમિયાન લૂંટ થાય ત્યારે ત્વરિત ટોલનાકા સીલ કરવાની જે સિસ્ટમ છે તેનો અમલ કરવામાં આવતા આરોપીઓ સવા છ કરોડના મુદામાલ સાથે પકડાઇ ગયા હતા.

પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર

દરમિયાન આંગડિયા પેઢીના કર્મીઓને લૂંટી લેનાર આરોપી પૈકી ચાર મુંબઈના છે. અને એક નાગપુરનો હોવાનું બહાર આવ્યું છે. આ લોકોએ ભૂતકાળમાં લૂંટ અને ધાડ જેવી સંખ્યાબંધ ઘટનાઓને અંજામ આપ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને પકડીને કબ્જો લેવાયો હોવાની વિગત જાણવા મળી છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS