DIAMOND CITY NEWS, SURAT
કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહક જાહેરાતો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ સમક્ષ લેબગ્રોન ડાયમંડનો પ્રચાર છતાં એ વાત સ્વીકારવી પડે કે અત્યારે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી મંદીનો સામનો કરી રહી છે. વીતેલા પાંચ વર્ષમાં લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીએ સુરતના હીરા ઉદ્યોગને સાચવ્યું છે. નેચરલ ડાયમંડના ઉતાર ચઢાવ વચ્ચે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીએ સુરતના હીરા ઉત્પાદકોને બળ પુરું પાડ્યું છે.
વિશ્વને કોરોના જેવી મહાભયંકર મહામારીએ ઝપેટમાં લીધું તેવા કપરાં દિવસો હોય કે રશિયાએ યુક્રેન સામે યુદ્ધ છેડ્યું તેના મુશ્કેલીભર્યા દિવસો હોય લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને ઊની આંચ આવી નહોતી, પરંતુ વર્ષ 2022 બાદ જાણે આ ઈન્ડસ્ટ્રીને કોઈની નજર લાગી હોય તેમ ડિમાન્ડ તળિયે પહોંચી છે. પહેલાં તો 2022માં લેબગ્રોનની કિંમતોમાં 35 ટકા જેટલો કડાકો બોલી ગયો હતો, ત્યાર બાદથી લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રી ફરી બેઠી થઈ નથી.
કેન્દ્ર સરકારે બજેટમાં લેબગ્રોન ડાયમંડ માટે પ્રોત્સાહક જાહેરાતો કરી તેમ છતાં આ ઈન્ડસ્ટ્રીને ખાસ લાભ થયો હોય તેવું દેખાતું નથી. આ ઈન્ડસ્ટ્રી મંદીનો સામનો કરી રહી હોવાનો બોલતો પુરાવો તાજેતરમાં વીડિયો સ્વરૂપે સામે આવ્યો હતો. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો અમેરિકાનો હતો, જેમાં જોઈ શકાતું હતું કે ફૂટપાથ પર લેબગ્રોન ડાયમંડ વેચાઈ રહ્યાં છે.
સુરતને ડાયમંડ સિટી કહેવામાં આવે છે. તો બીજી તરફ સુરત શહેરમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન પણ પાછલા છ-સાત વર્ષમાં વધ્યું છે. આ લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં 2022થી ઘટાડો થવા માંડ્યો હતો. 2022માં લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં 35 ટકા ભાવ તુટવાના કારણે લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોની ચિંતામાં મુકાયા હતા.
અમેરિકા-યુરોપના દેશોની મંદી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન સુરતમાં નેચરલ હીરાની રફની શોર્ટસપ્લાય રહેતાં રફના ભાવ આસમાને પહોંચ્યા હતાં. ત્યારબાદ માર્કેટ ધીમે ધીમે ડાઉન થયું હતું ત્યારે લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં મોટો કડાકો થતાં સુરતના લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોની ચિંતામાં વધારો થઈ ગયો હતો.
લેબગ્રોન ડાયમંડની રફના ભાવમાં ઘટાડો થવા પાછળનું કારણ જાણવા મળી રહ્યું છે કે, લેબગ્રોન ડાયમંડના ભાવ અને ઉત્પાદન પર કોઈનો કન્ટ્રોલ નથી. જે લોકો લેબગ્રોન ડાયમંડની રફનું ઉત્પાદન કરે છે તેઓ પોતાના ભાવે રફનું વેચાણ કરી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડની રફના ઓવર પ્રોડક્શન અને અમેરિકામાં હીરાની માંગ ઘટી છે ત્યારે આ બંને કારણોને લીધે લેબગ્રોન ડાયમંડના ભાવમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. લેબગ્રોન ડાયમંડમાં અમુક પ્રકારની રફના ભાવમાં તો 50 ટકા સુઘીનો ઘટાડો થયો છે.
તેનું જ કારણ છે કે અમેરિકામાં ફૂટપાથ પર લેબગ્રોન વેચાવા લાગ્યા છે. તાજેતરમાં અમેરિકાના ન્યુયોર્ક સિટીનાં લોઅર મેનહટન એરિયાની વિખ્યાત કેનાલ સ્ટ્રીટનાં રોડ પર લેબગ્રોન ડાયમંડ (LGD) 20 ડોલરમાં વેચાઈ રહ્યાં હોવાનો વીડિયો શોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં રમૂજ ફેલાવા સાથે LGD ઇન્ડસ્ટ્રીની હાલત કેટલી ખરાબ ચાલી રહી છે, એ દર્શાવે છે.
અહીં કેનાલ સ્ટ્રીટની ફૂટપાથ પર એક ફેરિયો એક-એક કેરેટના લેબગ્રોન ડાયમંડ જડિત વીંટી વેચી રહ્યો છે. ગ્રાહક ભાવ પૂછે છે,ત્યારે ફેરિયો કહે છે કે આમ તો એક કેરેટ લેબગ્રોન ડાયમંડનો ભાવ 100 ડોલર નંગ દીઠ છે પણ તે 20 ડોલરમાં વેચી રહ્યો છે.
ગ્રાહક ફેરિયા સાથે ભાવતાલ કરી 20 ડોલરમાં ત્રણ પછી બે ડાયમંડ રિંગ માંગે છે પણ છેવટે 20 ડોલરમાં એક લેબગ્રોન જડિત ડાયમંડ રીંગની ખરીદી કરે છે. નવાઈની વાત એ છે કે વીડિયોમાં જાણીતી લેબ કંપનીનું સર્ટિફિકેટ પણ સાથે હોવાનું દેખાય છે. ન્યુયોર્ક સિટીમાં 1.6 કિમી લાંબી મેનહટનની કેનાલ સ્ટ્રીટ સુરતનાં રવિવારીય બજારની જેમ પાથરણાનાં વેપાર માટે જાણીતી છે.
આ મુખ્ય પૂર્વ-પશ્ચિમ સ્ટ્રીટ છે. જે પૂર્વમાં એસેક્સ અને જેફરસન સ્ટ્રીટ્સ વચ્ચે ઇસ્ટ બ્રોડવેથી, વોટ્સ અને સ્પ્રિંગ સ્ટ્રીટ્સ વચ્ચેની વેસ્ટ સ્ટ્રીટ સુધી ચાલે છે. જે પશ્ચિમમાં ચાઇનાટાઉનના પડોશમાંથી પસાર થાય છે.
ભારતનો લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ સતત ઘટી રહ્યો છે. લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ એપ્રિલમાં 34%, મેમાં, 21%,જુનમાં 34%, જુલાઈમાં 28% અને ઓગસ્ટમાં 17 % ઘટ્યો છે. એપ્રિલ અને જુનની તુલના એ ઓગસ્ટમાં લેબગ્રોન ડાયમંડના વેપારમાં રિકવરી આવી છે. પણ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક માર્કેટમાં બાયરો લેબગ્રોનની ખરીદી ટાળી રહ્યાં છે.
સુરત અને મુંબઈમાં લેબગ્રોન ડાયમંડનો ભરાવો થયો છે. તાજેતરમાં ચેમ્બરના સ્પાર્કલ એક્ઝીબિશનમાં ચેમ્બરના માજી પ્રમુખે એક લેબગ્રોન વેપારી 90% ડાઉન ભાવે હીરા આપવા તૈયાર થઈ ગયો હોવાનો કિસ્સો વર્ણવ્યો હતો. સિલ્વર અને ગોલ્ડ જવેલરીની શાન બનેલા લેબગ્રોન ડાયમંડ અમેરિકાની ફૂટપાથ પર વેચાઈ રહ્યાંનાં આ વિડીયોથી હીરા ઉદ્યોગમાં રમૂજ ફેલાઈ છે.
અમેરિકાની ફૂટપાથ પર માત્ર 20 ડોલર જેવી નજીવી કિંમતે લેબગ્રોન ડાયમંડ વેચાવા માંડતા હીરા ઉદ્યોગમાં તરેહ તરેહની રમજૂ થવા સાથે ચર્ચાઓ ઉઠી છે. શું લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટી ગયો છે તેવા પ્રશ્નો પણ ઉઠવા માંડ્યા છે.
હાલમાં નેચરલ અને લેબગ્રોન ડાયમંડ બંને સેક્ટરમાં મંદી છે ત્યારે હાલ કશું કહી શકાય નહીં, પરંતુ ફૂટપાથ પર લેબગ્રોન ડાયમંડ વેચાવા માંડતા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે.
ખરેખર તો અમેરિકાની ફૂટપાથ પર લેબગ્રોન ડાયમંડનું વેચાણ થવું એ સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન કરનારા ઉત્પાદકો માટે ચિંતાનો વિષય છે. કારણ કે સુરતમાં ખૂબ મોટા પાયે લેબગ્રોનનું ઉત્પાદન થઈ રહ્યું છે.
છેલ્લાં પાંચેક વર્ષમાં જાણે હીરાની ખાણ જ સુરતમાં શરૂ થઈ ગઈ હોય તેમ જથ્થાબંધમાં લેબગ્રોન ડાયમંડનું સુરતની લેબોરેટરીઓમાં ઉત્પાદન થઈ રહ્યું છે. આ ડાયમંડ કૃત્રિમ છે. તેના માટે જમીન, પર્યાવરણ કે વાતાવરણ પર આધાર રાખવો પડતો નથી. આ કૃત્રિમ હીરા નાનકડા રૂમમાં ઊંચા તાપમાન પર જાતે બનાવી શકાતા હોવાથી સુરતના ઉત્પાદકોએ ખૂબ મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન કર્યું છે.
વળી, આ હીરા માટે કોઈ માઈનીંગ કંપની સાથે કરાર કરવા પડતા નથી. કોઈના નિયમો પાળવા પડતા નથી. તેથી ઉત્પાદકો તેની વેચાણ કિંમતે પણ સ્વતંત્ર હતા, તેથી પાછલા કેટલાંક સમયમાં લેબગ્રોન ડાયમંડનું બજાર અનિયંત્રિત રહ્યું હતું. ડિમાન્ડ કરતા વધુ સપ્લાય બજારમાં ઠલવાયો હતો.
અમેરિકા અને યુરોપના બજારોમાં સસ્તી જ્વેલરી પહેરવા માંગતા યુવાનો લેબગ્રોન ડાયમંડ પસંદ કરતા થયા હતા. પશ્ચિમી દેશોમાં એન્ગેજમેન્ટ માટે પ્રપોઝ કરતી વેળા સ્ત્રી પાત્રને ડાયમંડની રિંગ આપવાની પરંપરા છે, તેમાં પણ મોંઘા નેચરલ ડાયમંડના બદલે લેબગ્રોન ડાયમંડનું ચલમ વધ્યું હતું.
તેથી ઉત્પાદકોએ માની લીધું હતું કે, હવે લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીએ અમેરિકા અને યુરોપમાં બજારમાં પગ જમાવી દીધો છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિનું સર્જન થયું છે તે જોતાં એવું લાગે છે કે લેબગ્રોન ડાયમંડનું ભવિષ્ય ભાખવામાં ઉતાવળ કરી દેવામાં આવી છે. અમેરિકાની ફૂટપાથ પર રિઅલ ડાયમંડ વેચાયા હોય તેવું ક્યારેય જોવા મળ્યું નથી, પરંતુ લેબગ્રોન ડાયમંડ વેચાયા તે હકીકત છે.
એ વાતમાં કોઈ બેમત નથી કે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઉજ્જવળ છે. લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં ખરેખર પોટેન્શિયલ છે, પરંતુ જેમ રસ્તા પર કાર ઓવરસ્પીડ દોડાવવામાં આવે તો અકસ્માત થવાનો ભય રહે છે તેમ કોઈ પણ ઈન્ડસ્ટ્રીમાં વધારે ઝડપ નુકસાન પહોંચાડી શકે છે.
તેજીના સમયે નેચરલ ડાયમંડનું ઓવરપ્રોડક્શન અનેકો વખત હીરા ઉત્પાદકોને મુશ્કેલીમાં મુકી ચૂક્યા છે, એવું જ લેબગ્રોન ઈન્ડસ્ટ્રીમાં પણ બની રહ્યું હોવાનું લાગી રહ્યું છે ત્યારે તાજેતરના કડવા અનુભવોને એક એલર્ટ સમજી લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોએ સ્થિતિ પારખીને સંતુલન જાળવી લેવાની જરૂર છે. તમામ લેબગ્રોન ઉત્પાદકો, રિટેલર્સે ભેગા મળીને ક્યાં ભૂલ થઈ છે તે શોધી તેના ઉકેલ લાવવાની જરૂર છે.
સુરતમાં મોટી ડાયમંડ કંપનીઓ હવે લેબ્રગ્રોનનું ઉત્પાદન કરે છે. 1000થી વધુ નાના કારખાનેદારો હવે લેબગ્રોનનું જોબવર્ક કરે છે અને હજારો રત્નકલાકારોને લેબગ્રોન ઈન્ડસ્ટ્રીએ સાચવી લીધા છે. આ તમામના વર્તમાન અને ભવિષ્ય જ્યારે લેબગ્રોન ઈન્ડસ્ટ્રી પર નિર્ભર હોય ત્યારે ઈન્ડસ્ટ્રીની કમાન સંભાળી રહેલાં ઉદ્યોગકારોએ સર્વના હિતમાં સાચવીને કદમ માંડવા જોઈએ.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM