શારજાહથી સોનું સુરતમાં ઘૂસાડવાના કાંડ બાદ હવે સુરતથી દુબઈ રફ હીરાની દાણચોરીનું ભોપાળું બહાર આવ્યું

સુરતના યોગીચોક વિસ્તારનો એક યુવક રફ હીરા ચોરીછૂપીથી દુબઈ લઈ જતો સુરત એરપોર્ટ પરથી પકડાતા સમગ્ર હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો

After the scandal of smuggling gold from Sharjah to Surat, now the smuggling ring of rough diamonds from Surat to Dubai has come to light
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરો માટે સ્વર્ગ સમાન બની ગયું છે. શારજાહથી સુરત આવતી એક માત્ર આંતરરાષ્ટ્રીય વિમાનમાં અવારનવાર સોનું દાણચોરી કરી સુરતમાં ઘુસાડવામાં આવતું હોવાના કિસ્સા સામે આવ્યા છે. ગયા મહિને એક કેસમાં સુરત એરપોર્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓની સંડોવણી પણ ખુલી હતી અને તે કૌભાંડીઓની ધરપકડ પણ કરાઈ હતી. ત્યાર બાદ પણ અવારનવાર સોનાની દાણચોરીના કિસ્સા સાંભળવા મળે છે, પરંતુ તાજેતરમાં એક નવા પ્રકારનો બનાવ બન્યો છે. સામાન્યપણે રફ હીરા સુરતમાં આયાત થતા હોય છે પરંતુ જુલાઈના છેલ્લા અઠવાડિયે સુરતનો એક યુવક રફ હીરા ચોરીછુપીથી લઈ જતો હતો ત્યારે સુરત એરપોર્ટ પર પકડાયો હતો. કસ્ટમ ડ્યુટી ભરવી નહીં પડે તે માટે આ યુવક બેગમાં પ્લાસ્ટિકના પાઉચમાં રફ હીરા છુપાવીને લઈ જઈ રહ્યો હતો પરંતુ સુરત એરપોર્ટના સ્કેનિંગ મશીનમાં રફ હીરાનું ચિત્ર ઉપસી આવતા તે પકડાઈ ગયો હતો.

એક વર્ષ પહેલાં સુરત એરપોર્ટ પર નમકીનનાં પેકેટમાં 6.75 કરોડની કિંમતના હીરાની હેરફેરમાં બે આરોપીઓ પકડાયા હતા. એ પછી ગઈ તા. 27-7-2023નાં રોજ સુરત થી શારજાહ જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં શારજાહ જઈ રહેલા સુરતના પુણાના એક પેસેન્જરનો સામાન ચેક કરાતા તેની પાસેથી 4910.3 કેરેટ વજનના રૂપિયા 1,10,12,900ની કિંમતના હીરા મળી આવ્યા હતા.

સુરત એરપોર્ટ કસ્ટમ એર ઇન્ટેલિજન્સ યુનિટે 32 વર્ષની વયના મુસાફર જીગ્નેશ બટુકભાઈ મોરડિયા (રહે. A-127, પ્રમુખછાયા સોસાયટી, યોગી ચોક, બોમ્બે માર્કેટ પાસે, પુણા ગામ, સુરત)ની તા. 27.07.2023ના રોજ કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમ 108 હેઠળ નિવેદન નોંધી ધરપકડ કરી હતી. કસ્ટમ અધિકારીઓ દ્વારા જીગ્નેશ બટુકભાઈ મોરડિયાના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેમાં તેમણે વાદળી રંગની ટ્રોલી બેગના અંદરના ભાગમાં મેટલ ફિક્સરમાં છુપાવેલા રફ હીરાની ભારતમાંથી દાણચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ હીરાની દાણચોરીનો હેતુ સ્પષ્ટપણે વ્યાપારી હેતુ માટે હતો અને તેથી કસ્ટમ્સ અધિનિયમ, 1962ની કલમ 79 હેઠળ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પેસેન્જર દ્વારા આ માલ કસ્ટમ સત્તાવાળાઓ સમક્ષ જાહેર કરવામાં આવ્યો ન હતો. કસ્ટમ વિભાગે સરકાર માન્ય વૅલ્યુઅર વિકાસરાજ તિલકરાજ જુનેજાનાં રિપોર્ટ મુજબ રફ હીરાની કિંમત નક્કી કરી હતી. 4910.3 કેરેટના રફ હીરાની કિંમત રૂ. 1,10,12,900/- રૂપિયા જાહેર કરવામાં આવી હતી. જીજ્ઞેશ બટુકભાઈ મોરડિયા પાસેથી જપ્ત કરાયેલા હીરા વેરહાઉસ ઇન્ચાર્જને સોંપવામાં આવ્યા છે.

તા. 27.07.2023 તારીખની એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નં. IX-171 દ્વારા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ, સુરત થી શારજાહ જવાની પ્રક્રિયામાં હતી. ત્યારે ચેકિંગ માટે 23.15 કલાકે રોકવામાં આવી હતી. ડિપાર્ચર હોલ, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જીગ્નેશ મોરડીયા એક ટ્રૉલી બેગ અને એક સ્લિંગ બેગ લઈ રહ્યો હતો. ટ્રૉલી બેગ વાદળી રંગની હતી અને સ્લિંગ બેગ કાળા રંગની હતી. એરપોર્ટના ડિપાર્ચર હોલનાં એક્સ-રે મશીનમાં ઉક્ત પેક્સનો સામાન સ્કેન કરવામાં આવ્યો હતો અને એ નોંધવામાં આવ્યું હતું કે વાદળી રંગની ટ્રૉલી બેગના અંદરના ભાગમાં ધાતુના ફિક્સરમાં ચિત્રો જેવા કેટલાક પથ્થર દેખાય છે. ત્યારબાદ, પંચોની હાજરીમાં પંચનામા હેઠળના અધિકારીઓએ બ્લુ ટ્રૉલી બેગના અંદરના ભાગમાં ફિક્સ કરેલા મેટાલિક ફિક્સર ખોલ્યા અને જાણવા મળ્યું કે તેમાં 09 સીલબંધ પ્લાસ્ટિકના પાઉચ છે જેમાં નાની ક્રિસ્ટલ જેવી વસ્તુઓ છે જે વિવિધ કદ અને આકારની હતી અને તે રફ હીરા હોવાનું જણાયું હતું. ત્યાર પછી, કસ્ટમ્સ અધિકારીએ ટેલિફોનિક રીતે સરકાર માન્ય વેલ્યુઅર વિકાસરાજ તિલકરાજ જુનેજાને ફોન કરી પકડાયેલા માલની તપાસ કરતા એ રફ હીરા હોવાનું બહાર આવ્યું હતું.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant