સુરતને કર્મભૂમિ બનાવનાર દિનેશ નાવડીયાએ ડાયમંડ સિટીને આપેલા
ખાસ ઇન્ટરવ્યૂ આપ્યો હતો જે અનેક લોકોને પ્રેરણાનો પથ પૂરો પાડી શકશે…
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના અને ગારિયાધાર તાલુકામાં આવેલા મોટી વાવડી ગામમાં જન્મેલા દિનેશ નાવડીયાએ વંડા ગામ અને ગારિયાધારમાં શાળાનું શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા સરકારી નોકરીમાં હતા એટલે તેમનો ઉછેર સારી રીતે થયો, પરંતુ તે વખતે ઉચ્ચ શિક્ષણ મેળવવું અઘરું હતુ. શાળાનું ભણતર પુરું થયા પછી તેમણે અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાં માસ્ટર ઇન સોશિયલ વર્ક (MSW)નો અભ્યાસ પુરો કર્યો હતો. લગભગ 1984ની વાત છે કે, દિનેશભાઇ નોકરીની શોધમાં સુરત આવ્યા હતા, તે વખતે એંમના એક સબંધીએ કહ્યું કે બોલ, મેડીકલ સ્ટોર સંભાળી શકશે? દિનેશ નાવડીયાએ તરત હા પાડી દીધી કારણ કે તેમને કામ કરવું હતુ.
ત્યારથી સુરતમાં કામની શરૂઆત થઇ અને લાલગેટ વિસ્તારમાં આવેલા સુરત મેડીકલ સ્ટોરમાં તેમણે 5 વર્ષ કામ કર્યું. આ દરમ્યાન તેમનો નાનો ભાઇ સુરત આવ્યો હતો અને તેણે ડાયમંડ ઉદ્યોગમાં કામ કર્યા પછી પોતાની ડાયમંડની ઓિફસ શરૂ કરી હતી. નાના ભાઇને એક એવા વ્યકિતની જરૂર હતી જેણે ઉચ્ચ અભ્યાસ કરેલો હોય. નાના ભાઇના કહેવાથી દિનેશભાઇએ મેડીકલ સ્ટોર છોડીને નાના ભાઇ સાથે ડાયમંડ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. એ વર્ષ હતું 1994, બસ, ત્યારથી દિનેશભાઇએ પાછા વળીને જોયું નથી અને ટીકુ જેમ્સની ડાયમંડ પેઢીમાં ભાઇ સાથે હજુ પણ બિઝનેસ કરી રહ્યા છે.
હીરાઉદ્યોગમાં તેમણે સારું એવું નામ કમાયા પછી વિચાર્યું કે જે સમાજ અને જે શહેરમાંથી કમાણી કરી છે તેને પરત આપવું એ પણ આપણી ફરજ છે. તેઓ હીરાઉદ્યોગની સંસ્થા સુરત ડાયમંડ એસોસિયેશનમાં સેક્રેટરી તરીકે જોડાયા હતા અને તે પછી આ જ સંસ્થામાં પ્રમુખ બન્યા છે. સુરત ડાયમંડ એસોસિયેશનમાં દિનેશભાઇ 7 વર્ષ સુધી પ્રમુખ તરીકે રહ્યા જે પણ તેમના નામે એક રેકર્ડ છે.
સુરત ડાયમંડ એસોસિયેશનામાં આટલા વર્ષ સુધી પ્રમુખ તરીકે કોઇ પણ વ્યકિતએ સેવા આપી નથી. આ સિવાય દિનેશ નાવડીયા સમસ્ત પાટીદાર સમાજ, સૌરાષ્ટ્ર સેવા સમાજ, જેવી સામાજિક સંસ્થાઓ અને આકાર એજ્યૂકેશન ટ્ર્સ્ટ, તાપી બ્રહ્માચાર્ય સભા જેવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલાં છે. ઉપરાંત કેન્દ્ર સરકારના વેપાર અને વાણિજ્ય મંત્રાલય હસ્તકની અને દુનિયાભરના જેમ એન્ડ જવેલરી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી GJEPCમાં ગુજરાતના રિજિયોનલ ચેરમેન તરીકે છેલ્લી ટર્મથી સેવા આપી રહ્યા છે.
વર્ષ 2020-21માં દિનેશ નાવડીયા દેશની પ્રતિષ્ઠીત સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI)ના પ્રમુખ તરીકે પણ રહ્યા હતા. કોઇ સૌરાષ્ટ્ર સમાજના વ્યકિતને SGGCIમાં પ્રતિનિધિત્વ આપવાની એ પહેલી ઘટના હતી. તો આ તો થઇ તેમની જિંદગીની સફરની અને સફળતાની વાત, પરંતુ સફળતા મેળવવી અને તેને જાળવવી એ પણ એટલું જ મુશ્કેલ કામ હોય છે.
સફળતા માટે સૌથી જરૂરી શું છે?
તો તેમણે કહ્યું કે સૌથી મહત્ત્વની વાત એ છે કે જે ધંધા કે નોકરીમાં તમે લાંબુ વિચારીને જોડાવો, પછી તેનો બેઝ કયારેય છોડવો નહી. ધારો કે તમે વર્ષોથી આઇટીના ક્ષેત્રમાં હો કે હોટલ કે અન્ય કોઇ પણ ક્ષેત્રમાં જો લાંબા સમયથી કામ કરતા હો, તો ગમે તેટલી અડચણ આવે તો તેનો સાથ છોડવો નહી. બીજું કે કોઇ પણ કામને કયારેય નાનું સમજવું નહી. દિનેશભાઇ કહ્યું કે, આપણે ઘણાં યુવાનોને જોઇએ છીએ કે તેમને રાતોરાત લખપતિ, કે કરોડપતિ બનવું છે અને થોડી નિષ્ફળતા મળે એટલે બીજે કુદાકા મારી દેતા હોય છે. મારું માનવું છે કે સફળતાનો કોઇ શોર્ટ કટ હોય જ ન શકે. તમારે સફળતા મેળવવી હોય તો વર્ષો સુધી મહેનત કરવી જ પડે અને રોજબરોજ નવુ નવું શીખતા રહેવું પડે. તેમણે કહ્યું કે જો તમારે સફળ થવું હોય તે જે ક્ષેત્રમાં તમે કામ કરતો હો, તેમા તમારું 100 ટકા ડેડીકેશન જરૂરી છે અને તેની સાથે સમયનું મહત્ત્વ પણ એટલું જ જરૂરી છે. જો તમે ડાયમંડના ક્ષેત્રમાં કામ કરતા હો તો તમારી સવાર 7 વાગ્યાથી શરૂ થઇ જવી જોઇએ. મતલબ કે તમારા બિઝનેસ કે કામના ક્ષેત્રને અનુરૂપ તમારે સમય જાળવવો પડે. તમે જયારે કોઇ ક્ષેત્રમાં હો તો સ્વાભાવિક રીતે જ પડતી-ચઢતી તો આવશે જ, પરંતુ એવા સમયે તમારે સૂઝબૂઝ દાખવીને સમય પસાર કરવો પડે.
હીરાઉદ્યોગમાં વર્ષ 2008નો વૈશ્વિક મંદીનો સમય ખૂબ કપરો હતો. આ ઉદ્યોગમાં ટકવું નાના- મોટા બધા માટે મુશ્કેલ હતુ, પરંતુ જે લોકો આ પરિસ્થિતિમાં ઝઝૂમ્યા એ ટકી ગયા.
તમે આટલી ઉંચાઇએ પહોંચ્યા પછી પણ સાદગી અને વિનમ્રતા જાળવી રાખી છે તેનું કારણ શું?
તો દિનેશભાઇએ કહ્યું કે આમાં મને મારું MSWનું શિક્ષણ ઘણું કામ લાગ્યું. ઉપરાંત જેમ જેમ જિંદગીમાં આગળ વધતો ગયો તેમ તેમ અનુભવોએ પણ ઘણું બધું શિખવાડયું. તેમણે કહ્યું કે બધા સાથે વિનમ્રતા રાખવી જરૂરી છે, કારણ કે બધા માણસો સંજોગો પ્રમાણે સરખા જ છે. કોઇ નાનું મોટું નથી.
તમારા જીવનમાં કોઇ મહાપુરષ કે નેતા તમારા માટે પ્રેરણારૂપ બન્યા હતા?
તો દિનેશભાઇએ કહ્યું કે હું કયારેય કોઇનામાંથી પ્રેરણા લેતો નથી, હું મારી કેડી જાતે જ કંડારું છુ. કારણ કે બધી સફળ વ્યકિતઓના જુદા જુદા સંજોગો હોય. તેમના વિસ્તારની વાત જુદી હોય તેવા સંજોગોમાં એમને પ્રેરણા માનીને ચાલવું મને યોગ્ય લાગતું નથી. હુ મારી જાત પર જ સંપૂર્ણ વિશ્વાસ રાખીને આગળ વધું છું.
આગામી 10 વર્ષમાં ડાયમંડ ઉદ્યોગની સ્થિત શું હશે?
સુરત ડાયમંડ બૂર્સ બની રહ્યું છે તેની શું અસર પડશે?
જેના જવાબમા નાવડીયાએ કહ્યું હતું કે સુરતના ડાયમંડ ઉદ્યોગની વાત કરીએ તો વર્ષ 1960થી 1980 સુધીમાં ડાયમંડ ઉદ્યોગમાં કામકાજ સારા ચાલતા હતા, પરંતુ 1980 પછી જબરદસ્ત પરિવર્તન આવ્યા હતા. આજે ડાયમંડ ઉદ્યોગ એ સ્તરે પહોંચ્યો છે કે જયારે એક ગંદા ગોબારા કારખાનામાં કટીંગ એન્ડ પોલીશીંગનું કામ ચાલતું હતુ, પરંતુ આજે ફાઇવ સ્ટાર કક્ષાની ડાયમંડ ફેકટરીઓ કામ કરે છે. તેમાં પણ ટેકનોલોજીનું યોગદાન મોટા પ્રમાણમાં રહ્યું. ડાયમંડ ઉદ્યોગે અનેક પરિવર્તન જોયા. મને લાગે છે કે હજુ આગામી 10 વર્ષ સુધી ડાયમંડ ઉદ્યોગમાં કોઇ વાંધો આવે તેવું લાગતું. નથી. કોવિડ મહામારીમાં શરૂઆતમાં ડાયમંડ ઉદ્યોગને મુશ્કેલી પડી હતી., પરંતુ તે પછી ખાસ્સો ગ્રોથ પણ થયો. વિદેશના લોકો માટે ડાયમંડ જવેલરીએ લકઝરી આઇટમ નથી.
હવે વાત કરીએ તો સુરતમાં બની રહેલું સુરત ડાયમંડ બુર્સએ ડાયમંડ ઉદ્યોગના પરિવર્તનનું પીક છે. દુનિયામાં કોઇ પણ એવી કો.ઓ. સંસ્થા નથી જયાં 4500 માણસો ભેગાં થઇને 3,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ કરે. સુરત ડાયમંડ બુર્સ એક સીમા ચિહ્ન બનવાનું છે એ વાત નક્કી છે. ડાયમંડ બૂર્સને કારણે સુરતની આર્થિક ઉન્નતિ તો થવાની જ છે સાથે હજારો લોકોને સીધી કે આડકતરી રોજગારી મળવાની છે. સાથે જ દુનિયાના નકશામાં સુરતનું નામ પણ ચમકવાનું છે.