છત્તીસગઢમાં ચાલુ વર્ષમાં ત્રણ ગોલ્ડ માઈન્સના બ્લોકની હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. છત્તીસગઢ સરકાર દ્વારા ઓનલાઈન હરાજી માટે ઈ-ટેન્ડરો આમંત્રિત કરવામાં આવ્યા છે. જીઓલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા અનુસાર આ ખાણોમાં સોના અને હીરા મળી આવવાની સંભાવના રહેલી છે. ગઈ તા. 6 જુલાઈના રોજ એમએસટીસી પોર્ટલ પર ઈ-ઓક્શન દ્વારા ઈ ટેન્ડરની ફાળવણી માટેની નોટિસ ઈશ્યુ કરાઈ હતી.
છત્તીસગઢના મિનરલ એડમિનિસ્ટ્રેશનના જોઈન્ટ કમિશનર અનુરાગ દીવાને કહ્યું કે, ટેન્ડરની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ છે અને બિડ સબમિટ કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે.
દીવાને વધુમાં કહ્યું હતું કે, વિશ્વભરમાં કિંમતી ખનિજોની માંગ વધી રહી છે. તેથી છત્તીસગઢ સરકારે હરાજી દ્વારા ત્રણ કિંમત માઈન્સના બ્લોક્સ ફાળવવાનું નક્કી કર્યું છે. ત્રણ પૈકી મહાસમુંદ જિલ્લામાં બાસના-2 ડાયમંડ બ્લોક છે. તે 2500 હેક્ટરમાં ફેલાયેલી છે. જ્યારે ચણાટ જોગીદાદર ખાણના બ્લોક પણ મહાસમુંદમાં આવેલા છે, તેમાં સોનું તથા અન્ય કિંમતી ખનિજો મળી આવે તેવી સંભાવના છે. આ ખાણ 176 હેક્ટરમાં ફેલાયેલી છે, જ્યારે ત્રીજી તુમરીસુર ગારદામાં બે ગોલ્ડ બ્લોક આવેલા છે. કાનકેરમાં આ ખાણ 240 હેક્ટરમાં ફેલાયેલી છે. આ ત્રણેય ખાણની ઈ ટેન્ડર ના માધ્યમથી હરાજી કરાશે.
હરાજીમાં વિજેતા થનાર આ ત્રણેય બ્લોકમાં વિસ્તારપૂર્વક કામ કરી શકશે. ખાણની અંદર કયા ખનિજ છે તે વિગતો બહાર આવ્યા બાદ ખાણકામની લિઝ મેળવ્યા પછી જ માઈનીંગની કામગીરી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર ખનિજ સંપદા માટે આવક રળવા કટિબદ્ધ છે. ખનન અધિનિયમમાં સુધારા પછી 2015 માં હરાજી દ્વારા ખનિજ બ્લોક્સની ફાળવણી શરૂ થઈ હતી. 2021-22ના નાણાકીય વર્ષમાં દેશમાં 45 મિનરલ બ્લોક્સ વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. ગયા વર્ષે સરકારે આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં 13 સોનાની ખાણોની હરાજી કરી હતી. કેન્દ્રએ કહ્યું હતું કે ખાણોની હરાજીમાંથી રાજ્ય સરકારોને આવકનો યોગ્ય હિસ્સો મળી રહ્યો છે. ખાણ મંત્રાલયે અગાઉ કહ્યું હતું કે ખનિજ હરાજીના નિયમોમાં સુધારો સ્પર્ધાને પ્રોત્સાહન આપશે, જે બ્લોકના વેચાણમાં વધુ ભાગીદારીની ખાતરી કરશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM