વેપારીની મૂંઝવણ ઓનલાઇન કે ઓફલાઈન

બિઝનેસ મોડેલ ઓનલાઇન રાખવું કે ઓફલાઈન! જેમ સિક્કાની બે બાજુ હોય તેમ આ બંનેના પણ ફાયદા અને ગેરફાયદા છે.

Traders dilemma online or offline sameer joshi Diamond City 414
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જ્યારથી ઓનલાઇન વેચાણ શરુ થયું છે ત્યારથી એક મૂંઝવણ હરેક વેપારીના મનમાં હોય છે કે વેપાર ઓનલાઇન કરવો કે ઓફલાઈન. આ મૂંઝવણ તેવી જ છે જ્યારે મોટી સુપર માર્કેટો ખુલવા લાગી અને લોકોને લાગતું કે સુપર માર્કેટમાં આપણો માલ મુકીએ તો! અથવા આપણી દુકાન પણ હવે સુપર માર્કેટ જેવી બનાવવી પડશે અને ઘણા વેપારીઓએ પોતાની લોકલ એરિયાની દુકાન પરંપરાગત ના ચલાવતાં સુપર માર્કેટની જેમ ચલાવવાનું શરુ કર્યું.

જવાદો આપણે આપણા મુદ્દા પર પાછા આવીએ. બિઝનેસ મોડેલ ઓનલાઇન રાખવું કે ઓફલાઈન! જેમ સિક્કાની બે બાજુ હોય તેમ આ બંનેના પણ ફાયદા અને ગેરફાયદા છે. આજે પણ ઘણા લોકો પરંપરાગત રીતે અર્થાત્ દુકાનોમાં જઈ માલ ખરીદવામાં માને છે તો ઘણા લોકો ઘેર બેઠા ઓર્ડર કરે છે. આવા સમયે મૂંઝવણ અનુભવવી સામાન્ય વાત છે.

કોઈપણ વ્યવસાયની સફળતા માટે મહત્વનું છે યોગ્ય બિઝનેસ મોડેલ પસંદ કરવું. બિઝનેસ મોડેલમાં ઘણી વાતો આવે છે પણ પાયાની વાતોમાં; તમે કેવી રીતે આવક ઉત્પન્ન કરશો, તમે તમારા ઉત્પાદનો અથવા સેવાઓ કેવી રીતે કન્ઝ્યુમર સુધી પહોંચાડશો અને તમે તમારા ગ્રાહકો સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરશોની સમજણ હોવી જરૂરી છે. અંતે તે લાંબા ગાળે નફાકારક હોવું જોઈએ.

ઓનલાઇન અને ઓફલાઇનના ફાયદાઓ આપણે જાણીએ છીએ; જેમ કે ઓનલાઇનનો વેપાર તમે ગમે ત્યાંથી,  ગમે તે સમયે અને વિશ્વમાં ક્યાંય પણ માલ વેંચી શકો છો. તમને તેના માટે કોઈ સ્થાઈ જગ્યાની જરૂર નથી. ફક્ત તમારું ઇન્ટરનેટ વ્યવસ્થિત ચાલતું હોવું જોઈએ.

તમને રોકાણની પણ મોકાણ ઓછી હશે કારણ જગ્યામાં, ભાડામાં, ઓપરેટિંગ કોસ્ટ, બીજા બધા બીલો ભરવાની મથામણ નથી. આ તમને તમારો વેપાર વધારવામાં પણ મદદ કરશે કારણ જે પૈસા તમે ઉપરની વાતોમાં બચાવશો તે તમે માર્કેટિંગ અને માલ બનાવવામાં વાપરી શકશો. સૌથી મહત્વનું, તમને કન્ઝ્યુમરનો જોઈતો ડેટા મળશે જેના થકી તમે તમારી આગળની વ્યૂહરચના બનાવી શકશો.

આની સામે ઓફલાઈન અર્થાત્ દુકાનમાં માલ વેચવોના ફાયદા જોઈએ તો; સૌથી મોટો ફાયદો એટલે ગ્રાહક સાથે સીધો સંબંધ બંધાય. ફેસ ટુ ફેસ વાતો થાય અને માલ વેચાય છે. આનાથી ગ્રાહક સાથે લાંબા ગાળાનો સંબંધ બંધાય છે, તમારા પર તેનો વિશ્વાસ વધે છે અને સૌથી મહત્વનું તે તમારી પાસેથી નિયમિત માલ ખરીદશે જેને આપણે રિપીટ પરચેઝ કહીએ છીએ.

તેઓનું વેપાર પર અને તેના ઓપરેશન પર નિયંત્રણ હશે. ઘરાકને કોઈપણ સમસ્યા હશે તેનું સમાધાન ત્યારે કરી આપશે જે ઓફલાઇનમાં થોડું મુશ્કેલ છે. ગ્રાહક ઉત્પાદનોને જોઈ શકે છે, અડી શકે છે તેથી તેની ખરીદવાની શક્યતા વધી જાય છે અને તેને વિશ્વાસ બેસે છે કે તે જે ખરીદે છે તે સમજી વિચારીને અને જોઈને ખરીદ્યું છે.   

આમ બંનેના ફાયદા અને ગેરફાયદા છે. ઓનલાઇનમાં ઓપરેટિંગ કોસ્ટ ઓછી છે તો ઓફલાઇનમાં તે વધુ છે. ઓફલાઇનમાં ઘરાક સાથે સીધો સંબંધ બંધાય છે જે ઓનલાઇનમાં મુશ્કેલ છે. ઓનલાઇનમાં ઉત્પાદનો ફક્ત જોઈ શકાય છે તો ઓફલાઇનમાં ઉત્પાદનો અનુભવી શકાય છે.

ઓનલાઇનમાં આખું વિશ્વ તમારી બજાર છે તો ઓફલાઇનમાં તમે જે વિસ્તારમાં છો ત્યાં પૂરતા સીમિત છો. આવી બીજી ઘણી વાતો આપણને બંને તરફ જોવા મળશે. હવે મુદ્દાની વાત, કયું બિઝનેસ મોડેલ અપનાવવું; આના માટે આ મુદ્દાઓનો વિચાર કરી તમે નિર્ણય કરી શકો:

પહેલી વાત, તમારા માર્કેટની માંગ શું છે અર્થાત્ તમારા ગ્રાહકો કોણ હશે અને તેઓ શું પસંદ કરે છે; ઓનલાઇન શોપિંગ કે ઓફલાઈન શોપિંગ.

બીજી વાત, તમારી પાસે ભંડોળ કેટલું છે? આના આધારે તમે નક્કી કરો કે કયું મોડેલ અપનાવવું. શરૂઆતમાં કદાચ ભંડોળ જો ઓછું હોય તો ઓનલાઇન અપનાવી શકાય જેથી બીજા ખર્ચાઓ બચાવી શકાય.

ત્રીજી વાત, તમે કયા વિસ્તારમાં તમારો વેપાર કરવા માંગો છો. આને બીજા અર્થમાં જોવા જઈએ તો, તમે પોતાને સીમિત રાખી અમુક લોકો સુધી જ પહોંચવા માંગો છો કે તમે એક જગ્યાએ બેસી વિશ્વમાં પહોંચવા માંગો છો. આ મહત્વનું છે કે તમારી તાસીર, ગમા-અણગમા, શક્તિઓ, આવડત વગેરે જાણી નિર્ણય લો.

ચોથી વાત, તમે જે વેપાર કરવા માંગો છો તેના પ્રતિસ્પર્ધીઓનો અભ્યાસ. તેઓએ કઈ વ્યૂહરચના અપનાવી છે અને તેઓને શેનાથી વધુ લાભ થયો છે. તેઓનો બારીકાઇથી અભ્યાસ કરી તમે નિર્ણય લઇ શકો.

પાંચમી અને અગત્યની વાત એટલે, તમારે તમારા ગ્રાહકોને કેવા અનુભવો આપવા છે. તમે માણસિલા છો અને ફેસ ટુ ફેસમાં માનો છો કે પછી નવા જમાનાના ઓનલાઇન અનુભવો આપવામાં માનો છો.   

આવા બીજા ઘણા મુદ્દાઓને ધ્યાનમાં લઇ નિર્ણય લઇ શકાય. એક વાત ધ્યાનમાં રાખો કે ઓનલાઇન આવ્યા પછી ઓફલાઈન વેપાર બંધ નથી થયો. આજે પણ દુકાનો બંધાય છે અને વેચાય છે, હરેક શહેરમાં મોલોની સંખ્યા વધી રહી છે.

આપણે નામી બ્રાન્ડો અને સુપર માર્કેટો જોશું તો સમજાશે કે તેઓ ઓનલાઇન અને ઓફલાઈન બંને જગ્યાએ વેપાર કરે છે. આના મુખ્યત્વે બે કારણ છે; એક ઓનલાઇન, ઓફલાઈનની જેમ એક ડીસ્ટ્રીબ્યુશન પ્લેટફોર્મ છે તેથી મારી હાજરી ત્યાં હોવી જોઈએ અને બીજું, બંને જગ્યાએ મારા ગ્રાહકો છે તેથી હું તેઓને અવગણી ના શકું અને મારા વેપારના વિસ્તાર માટે પણ તે જરૂરી છે.

તમારી શક્તિઓ, ઉદેશ્યો, ગ્રાહકો અને ઉત્પાદનોને ધ્યાનમાં રાખી કોઈપણ એક મોડેલથી શરૂઆત કરી શકો છો. આગળ જતા તમે બંનેનો સમન્વય સાધી એક હાઈબ્રીડ અથવા ઓમ્નીચેનલ વ્યૂહરચના બનાવી શકો.

તમે લીડ્સ જનરેટ કરવા, જાગરૂકતા વધારવા અને માહિતી પ્રદાન કરવા માટે ઓનલાઈન ચેનલોનો ઉપયોગ કરી શકો છો, અને ઓફલાઈન ચેનલોનો ઉપયોગ માલ વેચવા, આફ્ટર સેલ્સ સપોર્ટ માટે, સંબંધ બાંધવા માટે કરી શકો છો. મુદ્દો તે છે કે સમય સાથે ચાલી ઓનલાઈન અને ઓફલાઈનના સહારે ગ્રાહકને જોઈતો અનુભવ આપી લાંબા ગાળાની રમત રમવા પોતાને તૈયાર કરો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS