અમેરિકાએ ખાનગી સૈન્ય જૂથ ‘વેગનર’ સાથે જોડાયેલી ડાયમંડ અને ગોલ્ડ બિઝનેસ સાથે સંકળાયેલી ચાર કંપનીઓ અને એક વ્યક્તિ પર પ્રતિબંધો લગાવ્યા છે. ‘વેગનર’ જૂથના વડા યેવજેની પ્રિગોઝિનના નેતૃત્વમાં રશિયા વિરુદ્ધ બળવો કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. પ્રિગોઝિને તેના લડવૈયાઓને ગયા સપ્તાહના અંતે મોસ્કો (રશિયાની રાજધાની) તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો. જો કે, પ્રિગોઝિને અચાનક રશિયા સાથે કરાર કર્યો અને પીછેહઠ કરવાની અને બેલારુસ જવાની જાહેરાત કરી હતી.
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની ઑફિસ ઑફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા મંગળવારે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને રશિયામાં ‘વેગનર’ જૂથ અને તેના સ્થાપક યેવજેની પ્રિગોઝિન સાથે સંકળાયેલી સંસ્થાઓને ટાર્ગેટ કરવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધો જોડાયેલા છે.
જો કે, પ્રતિબંધોને ગયા સપ્તાહના બળવા સાથે સીધો સંબંધ નથી. અમેરિકાએ પ્રિગોઝિન અને ‘વેગનર’ જૂથ સામે ભૂતકાળમાં ઘણી વખત પ્રતિબંધો લાદ્યા છે. આ જૂથ પર 2016ની અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરવાનો પણ આરોપ છે.
પ્રિગોઝિન સાથે જોડાયેલી સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક સ્થિત બે ખાણ કંપનીઓ ‘Diemville SAU’ અને ‘Midas Resources SARLU’ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોનાના વેચાણ સંબંધિત રશિયા સ્થિત ‘લિમિટેડ લાયબિલિટી કંપની ડીએમ’ અને ડાઇમવિલેને સહાયતા આપતી દુબઈ સ્થિત ‘ઇન્ડસ્ટ્રિયલ રિસોર્સિસ જનરલ ટ્રેડિંગ’ પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
અમેરિકાએ ‘વેગનર’ જૂથના રશિયન અધિકારી આન્દ્રેઈ ઈવાનોવ પર પણ પ્રતિબંધો લગાવ્યા છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇવાનોવે માલીના સરકારી અધિકારીઓ સાથે શસ્ત્રોના સોદા, માઇનિંગ પ્રોજેક્ટ્સ અને માલીમાં ‘વેગનર’ જૂથની અન્ય પ્રવૃત્તિઓ હાથ ધરવા સાથે મળીને કામ કર્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે, પ્રતિબંધિત કંપનીઓ “વેગનર ગ્રુપ” ને ભંડોળ પૂરું પાડવા માટે ગેરકાયદેસર સોનાના સોદા કરે છે જેથી જૂથ યુક્રેન અને આફ્રિકામાં તેના સશસ્ત્ર દળોને જાળવી શકે અને તેનું વિસ્તરણ કરી શકે.
પ્રતિબંધો એ વેગનર જૂથ સામે નવો રાઉન્ડ છે, જેને અમેરિકાએ “નોંધપાત્ર આંતરરાષ્ટ્રીય ગુનાહિત સંગઠન” તરીકે લેબલ કર્યું છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, યુકે અને યુરોપિયન યુનિયને પણ પ્રતિબંધ મુક્યા છે.
દરમિયાન, અમેરિકાની અન્ય સરકારી એજન્સીઓએ મંગળવારે સબ-સહારન આફ્રિકામાં સોનાના વેપારને લગતી ઘણી સલાહ આપી હતી. રશિયન સત્તાવાળાઓએ મંગળવારે પ્રિગોઝિન અને ‘વેગનર’ જૂથ સામે સશસ્ત્ર બળવાના આરોપોને છોડી દેવાની અને ગુનાહિત તપાસ બંધ કરવાની જાહેરાત કરી હતી.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM