વિપુલ HVAC સોલ્યુશન્સ પ્રા. લિ.ના વિપુલભાઇ કાછડીયા સાથે મુલાકાત – એક જમાનામાં ગામના લોકો બોઘો કહેતા આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે…

2029 સુધીમાં 29 નવા શોરૂમ શરૂ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. 5 વર્ષ પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વિપુલ AC સોલ્યુશન્સ પ્રા. લિ. પહોંચી જશે.

Vipul Kachhdiya Vipul HVAC Solutions Vyakti Vishes Rajesh Shah Diamond City 410-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આજે એક એવા જ વ્યક્તિની વાત કરવી છે, જેમને એક જમાનામાં ગામના લોકો બોઘો માનતા હતા, મતલબ કે કશી ગતાગમ નથી, કશી સમજ પડતી નથી, આ છોકરો જિંદગીમાં કશું કરી શકશે નહીં એવું માનતા. પણ આજે કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે.

હજુ સફળતાની ટોચે પહોંચવાના તેમના ઊંચા ઊંચા લક્ષ્યાંકો છે. આજે સમાજમાં તેમનું સન્માન છે. 100થી વધારે લોકોને રોજગારી આપે છે. આજે તેમની સફળતાની લોકો પ્રશંસા કરે છે. તેમની સફળતાની જર્નીમાં નાના ભાઇનો પણ સહકાર મળ્યો અને આજે બંને ભાઇઓ એક પછી એક સફળતાની સીડી ચઢી રહ્યા છે.

ઘણા એવા કિસ્સા છે જેમાં સફળ વ્યક્તિ કે ઇનોવેશન કરનારને પહેલાં લોકોએ બોઘા કહ્યા છે, ડફોળ કહ્યા છે, આ જિંદગીમાં કશું નહીં કરી શકે એવા મહેણાં ટોણાં પણ માર્યા છે, પરંતુ એવું કહેવાય છે કે દરેક સફળ વ્યક્તિ એક વખત નિષ્ફળ હતી જેણે હાર માનવાનો ઇન્કાર કર્યો હતો. આવા વ્યક્તિઓ સફળ થયા પછી દુનિયા તેમની પૂજા કરે છે, તેમને સન્માન આપ છે, તેમની વાહવાહી કરે છે. આમ પણ ઉગતા સૂર્યને નમન કરનારી દુનિયા છે.

અમે વાત કરી રહ્યા છીએ વિપુલ HVAC સોલ્યુશન્સ પ્રા. લિ.ના વિપુલભાઇ વલ્લભભાઇ કાછડીયા અને તેમના નાના ભાઇ બિપીન કાછડીયાની. વિપુલભાઇએ જિંદગીમાં એટલા બધા સંઘર્ષ જોયા છે કે વાત ન પૂછો. સફળ બિઝનેસમેન બન્યા પહેલાં તે પહેલાં તેમણે સુરત-મુંબઈમાં ઘણો સંઘર્ષ કર્યો, મુંબઈમાં ભાડા વધારે હોવાને કારણે ચણા અને પાઉં-વડા પર આખો દિવસ પસાર કરતા.

મુંબઈ જેવા શહેરમાં 15-15 કિમી ચાલતા જઇને કામ પતાવતા. સુરતમાં પણ તેમણે 1500-1600 રૂપિયામાં નોકરી કરી, ઘરનું પુરું કરવા માટે રાત્રે હીરા ઘસવાનું પણ કામ કર્યું, સખત મહેનત કરી અને નિયતિએ તેમના માટે સફળતાના દ્વાર ખોલી આપ્યા.

અમે એમની ઓફિસમાં ઇન્ટરવ્યૂ કરવા ગયા તો ઇમ્પ્રેસ થઇ ગયા, કારણ કે તેમની વોલ પર મોટા મોટા અક્ષરોમાં વિઝન અને વિઝડમના વાક્યો લખેલા હતા. તો બીજી દિવાલ પર આખો ગુજરાતનો નકશો લગાવેલો હતો, જેમાં અત્યાર સુધી પોતે કયાં પહોંચ્યા અને ક્યાં પહોંચવા માંગે છે તેનો ચિતાર આપેલો છે.

તેમની ઓફિસમાં આ સુવાક્ય પણ લેખેલું છે. I AM Responsible For Everything Is Happening In My Life. I Have The Power To Change Everything. મતલબ કે મારી જિંદગીમાં જે કંઇ બની રહ્યું છે તેના માટે હું જવાબદાર છે. મારામાં દરેક વસ્તુને બદલવાની ક્ષમતા છે.

વિપુલભાઇ કાછડીયાની જિંદગીની માંડીને વાત કરીએ તો તેમનો જન્મ આમ તો સોમનાથમાં થયો છે પરંતુ તેમનું મૂળ ગામ કેસર કેરી માટે જાણીતું ગીરમાં આવેલું આંકોલવાડી છે. તેમના જન્મ સમયે પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પિતા ખેતી કરતા અને ગામમાં ફ્રિજ રીપેરીંગનું કામ કરતાં, માતા ગૃહિણી અને ખેતી કરતા.

પરંતુ તેમના પિતાના ભાઇઓ અને તેમના પરિવાર સહિત કુલ 30 લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા એટલે બધું નભી ગયું. અમે વિપુલભાઇને તેમના અભ્યાસ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, સવા 10 પાસ. મતલબ કે 10મા ધોરણ પછી 11મા ધોરણમાં બે મહિના ભણીને અભ્યાસ છોડી દીધો.

અભ્યાસ ગામમાં જ કર્યો, પરંતુ ભણવામાં તેમને જરાયે રસ નહોતો. તેમણે કહ્યું કે નાનપણથી જ મોટા માણસ બનવાના સપના હતા, કારણ કે શાળાએથી આવીને બપોરે ખેતરે જવું પડતું અને તે વખતે તો કોઇ સાધનો નહોતા એટલે 5 કિ.મી. ચાલતા જવાનું અને સાથે ઘણો બધો સામાન રહેતો. ત્યારે જ મનમાં થતું હતું કે આમાંથી છુટકારો મેળવવા કઇંક તો કરવું જ છે.

એ પછી પિતા સાથે ફ્રિજ રિપેરનું શિખવા જતાં હતા. તે સમયે 15 કિમી દૂર પિતા સાથે રાત્રે ફ્રિજ રિપેરીંગ માટે જવું પડતું હતું. એ સમયે સુરતમાં રહેતા એક સંબંધીનો ફોન આવ્યો કે સુરત આવી જા અહીં એસી રિપેરીંગનું કામ છે. 1999માં સુરત આવ્યા અને સૌથી પહેલા દોઢ મહિનો સરણ માંજવાનું કામ શીખ્યા.

કાછડીયાએ કહ્યું કે, એ પછી એસી રિપેરીંગ માટે મહિને 2000ની નોકરી મળી હતી, પરંતુ મોટાભાગનો પગાર તો લોજિંગ અને કપડાં ધોવામાં ચાલ્યો જતો. આવી રીતે 4-5 જોબ બદલી. એ પછી મુંબઈ ગયો તો ત્યાં 1200 રૂપિયાનો જ પગાર મળ્યો. હવે આટલા પગારમાં તો ભાડું અને જમવાનો ખર્ચ કાઢવો મુશ્કેલ હતો, એટલે દરરોજ ચણાં પલાળીને ખાય લેતો અને વચ્ચે ભૂખ લાગે તો પાંઉં વડા ખાય લેતો.

બીજું કે મુંબઈમાં તો સામાન સાથે 14-15 કિ.મી. સુધી ચાલતા જવું પડતું. બહુ કપરા અને આકરા એ દિવસો હતો. મુંબઈથી પાછો સુરત આવ્યો. લગભગ 2 વર્ષ સુધી નોકરીમાં કુટાયાં અને થોડો સમય એક ઇલેક્ટ્રિકની દુકાનમાં સાથે ફ્રિજ-એસી રિપેરીંગનું કામ ચાલુ કર્યું. આખરે વર્ષ 2000માં વરાછા રોડ પર એક શોપ શરૂ કરી હતી.

એકબાજુ ખેતરમાં સિંહ ફરતા હોય અને બીજી બાજુ અમે કામ કરતાં હોય, નાનપણમાં કોઇ વાતનો ડર નહોતો જે જિંદગીમાં કામ લાગ્યો

આંકોલવાડી ગીર એ ગુજરાત રાજ્યના પશ્ચિમમાં આવેલા તાલાલા તાલુકા અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલું એક ગામ છે. 2015 સુધીમાં તેની વસ્તી લગભગ 15,000 હતી. ગામ એક ટેકરી પર આવેલું છે, અને તે કુદરતી વાતાવરણ ધરાવે છે. આંકોલવાડી ગીરના લોકો મોટાભાગે કેસર કેરીની ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આંકોલવાડી ગીરના જંગલની નજીક આવેલી છે, તેથી સિંહ અને દીપડા અવારનવાર શિકાર માટે ગામમાં આવે છે.

અમારું ખેતર જંગલમાં છે એટલે ઘણી વખત સિંહ આવે. બાળપણમાં કોઇ ડર નહોતો, હિંમત હતી અને તાકાત પણ હતી. ખેતરમાં સિંહ આવે તો પણ અમારું કામ ચાલુ જ રાખતા અને ઘણી વખત ખેતરમાંથી સિંહને પાછળ દોડીને અમે ભગાડેલા પણ છે. તેમણે કહ્યું કે, આજની તારીખે કદાચ કોઇને એ વાત સાચી ન લાગે, પરંતુ એ હકીકત છે. એ જમાનામાં હમાલ-હસન ડફેર લૂંટારાનો પણ ગામમાં ભય હતો. છતા મને ક્યારેય ડર લાગ્યો નથી. પરંતુ બાળપણની એ નિર્ભયતા આગળ જતા બિઝનેસમાં કામ લાગી કારણ કે મેં ઘણા સાહસો કર્યા અને તેમાં હું સફળ પણ થયો.

વર્ષ 2029 સુધીમાં 29 બ્રાન્ચ ખોલવાનો લક્ષ્યાંક રાખ્યો છે

વિપુલભાઇએ તેમના માતાવાડીના શો રૂમમાં એક મેપ રાખ્યો છે, જેમાં ગુજરાતના બધા શહેરોના નામ છે. અત્યારે જ્યાં શોરૂમ છે ત્યાં બધી જગ્યા ‘વિપુલ AC’ના સ્ટીકર લગાવેલા છે અને હવે 2029 સુધીમાં 29 નવા શોરૂમ શરૂ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. 5 વર્ષ પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વિપુલ AC સોલ્યુશન્સ પ્રા. લિ. પહોંચી જશે. બીજું કે તેમનું ઉધના વિસ્તારમાં 1200 વારની જગ્યામાં એક વિપુલ હાઉસ ગ્રીન બિલ્ડિંગ પણ બની રહ્યું છે.

અહીં 1 ટન થી 1000 ટન સુધીના મોટા એસી ઉપલબ્ધ રહેશે. તેમની એ પણ યોજના છે કે, તેઓ આખું એવું બિલ્ડિંગ બનાવીને આપશે જેમાં ફાયર સેફ્ટી, સેન્ટ્રલી એસી., ઇલેક્ટ્રિક, પ્લંમ્બિંગ, CCTV જેવી સુરક્ષાની બધી સુવિધા હશે.

Vipul Kachhdiya Vipul HVAC Solutions Vyakti Vishes Rajesh Shah Diamond City 410-2

નાના ભાઇએ પણ કંપનીમાં જોડાઇને સર્વિસ સાઇડ સંભાળી લીધી

નાના ભાઇના બિઝનેસમાં આવવાને કારણે સરળતા રહી. મારો નાનો ભાઇ બિપીન 12 ધોરણ ભણેલો છે. એ સુરતમાં ડાયમંડ કટિંગનું કામ કરતો હતો. એ પછી મેં એને મારા બિઝનેસમાં બોલાવી લીધો. એ આજે સર્વિસ સાઇડનું બધું સંભાળી છે અને હું સેલ્સમાં ધ્યાન આપું છું. ગામના સંયુક્ત કુટંબના સંસ્કાર હજુ જાળવી રાખ્યા છે અમે ભાઇઓ સાથે જ રહીએ છીએ.

અત્યારે ગુજરાતમાં 7 શોરૂમ ચાલે છે અને 100થી વધારે કર્મચારી કામ કરે છે.

વિપુલ HVAC સોલ્યુશન્સ પ્રા. લિ.ના અત્યારે ગુજરાતમાં 7 શો રૂમ્સ છે, જેમાં સુરતમાં માતાવાડી અને પાલમાં, અંકલેશ્વરમાં 1, ભરૂચમાં 1, અમદાવાદમાં 2 તાલાલામાં 1. અત્યારે કંપનીમાં 100થી વધારે કર્મચારી કામ કરે છે. વિપુલભાઇએ કહ્યું કે, મારી પોતાની શોપ 2000માં વરાછા રોડ પર કરી હતી અને એ પછી માતાવાડી ખાતે દુકાન કરી હતી અને એ દુકાન રિનોવેટ કરી ત્યારે 2013માં ભવ્ય ઉદઘાટન રાખવામાં આવ્યું હતું. તે વખતે ગુજરાતના પૂર્વ મંત્રી નાનુભાઇ વાનાણીએ શો-રૂમનું ઉદઘાટન કરેલું. બીજો શો-રૂમ અંકલેશ્વરમાં 2016માં, ભરૂચમાં 2019માં, અમદવાદમાં 2022માં અને બીજો 2023માં શરૂ કર્યો હતો. વર્ષ 2023માં સુરતના પાલ વિસ્તારમાં શો-રૂમ શરૂ કર્યો હતો.

વિપુલભાઇએ કહ્યું કે…

Vipul Kachhdiya Vipul HVAC Solutions Vyakti Vishes Rajesh Shah Diamond City 410-3

મારા 2004માં લગ્ન થયા અને પત્નીનું નામ મીરા છે. પત્નીના પગલાં પછી મારી સફળતા ઝડપથી શરૂ થઇ, એકદમ પ્રમાણિકતાથી કહું તો, લગ્ન પહેલાં મને ઘણી બધી બાબતોમાં ગતાગમ ઓછી પડતી, નેગેટીવ વિચારધારાઓ પણ મગજમાં હતી, પરંતુ મીરાએ મારું આખું વ્યક્તિત્વ બદલી નાખ્યું, મને આખો બદલી નાંખ્યો. કોની સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે બેસવું, કેવા સુઘડ કપડાં પહેરવા એ બધું પત્નીએ શિખાવાડ્યું.

આજે પણ મીરાં મને ઘણી સાચી સલાહ આપે છે. એની શિખામણને કારણે મગજમાં જે નકાત્મકતાનો કચરો હતો તે બધો કાઢી નાંખ્યો અને પોઝિટિવ વિચારો મગજમાં ભરી દીધા, જેનો મોટો ફાયદો થયો. તેમણે આગળ કહ્યું કે, મીરાંનું પોતાનું વ્યક્તિત્ત્વ એવું છે કે સામેવાળાને એવું જ લાગે કે આ મહિલા ખૂબ ભણેલાં હશે, શિક્ષિત હશે, પરંતુ મીરાં ઓછું ભણેલી છે, પરંતુ ગણેલી વધારે છે.

સંતાનનો જન્મ 29 તારીખે થયો ત્યારથી આ નંબરને લકી નંબર માનીએ છીએ

તેમણે કહ્યું કે, મારા સંતાનનો જન્મ 29 મે 2005માં થયો હતો અને મારા નાના ભાઇ બિપીનના સંતાનનો જન્મ પણ 29 તારીખે થયો હતો. એટલે અમારી જિંદગીમાં 29નો આંકડો ખૂબ લક્કી માનીએ છીએ. અમે 2029 સુધીમાં ગુજરાતમાં 29 શો રૂમ શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અમારા કસ્ટમરનો આંકડો પણ 2.90 લાખ પર પહોંચેલો છે. અમારી કારના નંબરમાં પણ 29 આવે છે.

રોજબરોજની નાનામાં નાની વાત ડાયરીમાં નોંધે છે

વિપુલભાઇની સફળતાનો કદાચ આ પણ એક રાઝ છે. તેઓ એક રોજનીશી લખે છે. આખા દિવસની નાનામાં નાની વાત ડાયરીમાં નોંધે છે. કોને મળવાનું છે, ફેમિલીના કયા કાર્યક્રમમાં જવાનું છે, કોની પાસે આજે પેમેન્ટ લેવાનું છે આવી તો અનેક લાંબી યાદી તેમની ડાયરીમાં નોંધેલી હોય છે. માણસે પરફેક્ટ બનવા માટે ડાયરી લખવી પણ એક મહત્ત્વની વાત છે. અને સાથે સ્ટાફને કોઈ પ્રોબ્લેમ હોય તો તેનું સરતળતાથી કામ થાય એ સૉલ્યુશન પોતે જાતે જ લાવે છે.

જમવા પણ સ્ટાફની સાથે બેસીને જમે છે તથા કોઈ સ્ટાફ ફિલ્ડ પર હોય તો એમને ફોન કરીને પૂછે કે કેટલીવાર લાગશે. કોઈપણ સ્ટાફ મોબાઈલનો ઉપયોગ વધારે કરતો હોય તો, એમને પણ સાચો રસ્તો બતાવે છે. દરરોજ સવારમાં ઓફિસ પર Sunrise Meetingમાં દરેક એમ્પ્લોય સાથે કંપનીનો ગોલ, વિઝન વિશે ચર્ચા કરે છે.

આ પુસ્તકનો પણ સફળતામો મોટો ફાળો છે

વિપુલભાઇએ કહ્યું કે, એક વખત જાણીતા મોટીવેશનલ કોચ ફોર લાઈફના કાર્યક્રમમાં ગયો હતો તે વખતે એક પુસ્તક વિશે જાણકારી મળી, જે Louise Hayએ લખેલું પુસ્તક You Can Heal Your Life. આ પુસ્તકે મારા જીવન પર ભારે પ્રભાવ પાડ્યો છે. આજે પણ હું દેશ-વિદેશમાં ક્યાં પણ જાઉં છું તો આ પુસ્તક મારી બેગમાં અવશ્ય મારી સાથે હોય છે.

જિંદગીમાં આગળ વધવું હોય તો વિઝન ક્લીયર રાખજો

Vipul Kachhdiya Vipul HVAC Solutions Vyakti Vishes Rajesh Shah Diamond City 410-5

વિપુલભાઇને અમને કહ્યું કે, નવી પેઢી અને યંગ એન્ટરપ્રિન્યોરને શું મેસેજ આપશો? તેમણે કહ્યું કે, સૌથી પહેલાં તો સારું વિચારવાનું શરૂ કરો. તમે જેવું વિચારશો તેવું યુનિવર્સ તમને આપશે. નેગેટીવ વિચારશો તો નેગેટીવ મળશે એટલે હમેંશા પોઝિટિવ વિચારધારા રાખો.

બીજું કે જો તમારે જીવનમાં આગળ વધવું છે તો તમારું વિઝન ક્લીયર રાખો. તમે બિઝનેસ કરવાનું વિચારો છો તો પૈસાનું મેનેજમેન્ટ પણ બરાબર શીખવું પડશે. તમારે માર્કેટથી અપડેટ રહેવું પડશે, બજારમાં શું નવું આવી રહ્યું છે, શું ટ્રેન્ડ છે, ગ્રાહકોની જરૂરિયાત શું છે એ બધી જાણકારી રાખવી પડશે.

AC ક્યું ખરીદશો અને કેવી રીતે વાપરવાનું તેની સાચી રીત જાણો

વિપુલભાઇને આ લાઇનમાં વર્ષોનો અનુભવ છે એટલે અમે પૂછ્યું કે અમારા વાચકોને એ જણાવો કે કઇ કંપનીનું એસી ખરીદવું જોઇએ અને તેને વાપરવાની સાચી રીત શું છે? તો એમણે કેટલીક ટિપ્સ આપી છે જે તમને કામ લાગી શકે.

(1) જો તમારો 120 સ્કેવર ફુટનો રૂમ હોય તો તમને 1 ટનનું એસી ચાલી શકે

(2) 150 સ્કવેર થી 200 સ્કવેર ફુટ સુધીનો રૂમ હોય તો 1.50 ટન એસી ચાલે અથવા 1.80 ટનનું એસી લઇ શકો

(3) એસી જ્યારે ખરીદો ત્યારે ઇન્વર્ટરવાળું એસી જ ખરીદવાનો આગ્રહ રાખજો, કારણ કે એને કારણે તમારા વીજળી બિલમાં 30 થી 35 ટકાનું બચત થશે. બીજું કે વીજળી બચાવવમાં તમે દેશની પણ મદદ કરી શકશો.

(4) રાત્રે જ્યારે તમે એસી ચલાવો ત્યારે 26-27ની વચ્ચે ચલાવજો. સરકાર પણ 24ની નીચે એસી ચલાવવાની ના પાડે છે

(5) એસી ચલાવો ત્યારે સાથે પંખો નહીં ચલાવતાં કારણે કે બે પંખા બરાબર એસીનું બિલ આવે છે. એટલે એસીનું બિલ આવશે સાથે પંખાનું પણ બિલ આવશે.

(6) જો તમારે એસીને સારી કન્ડીશનમાં રાખવું હોય તો દર 3 થી 4 મહિને સર્વિસ કરાવો.

(7) જો તમારે સ્ટાન્ડર્ડ કંપનીના એસી ખરીદવા હોય તો વિદેશની જે જાણીતી બ્રાન્ડ્સ છે તેમાં O General, Mitsubishi, TRANE. એ પછી બ્લુ સ્ટાર, પેનાસોનિક, ડાયકીન, તોશિબા, સેમસંગ, કેરીઅર, વોલ્ટાસ જેવી કંપનીઓ છે.

Vipul Kachhdiya Vipul HVAC Solutions Vyakti Vishes Rajesh Shah Diamond City 410-6

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS