વૈશ્વિક લેવલે જાણીતા સુરત ડાયમંડ ઉદ્યોગના એવા બે ભાઈઓની ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં વાત કરવી છે. આ બે ભાઈઓએ તેમની મહેનત અને કોઠાસૂઝથી એક ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટથી શરૂઆત કરીને સુરતમાં જ 6 શાખાઓ ઊભી કરી છે અને હવે દેશ વિદેશમાં પગપેસારો કરવાની મહત્ત્વની યોજનાઓ છે. માત્ર એક ઓફિસ એક વિદ્યાર્થી, એક કોર્સ અને બે ફેકલ્ટીથી શરૂઆત કરવામાં આવી હતી. આજે 7 શાખા, 40 ફૅકલ્ટી અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તૈયાર થયા છે.
સુરતના રફ યુવાનોને પોલિશ્ડ કરીને ડાયમંડ ઉદ્યોગને વધુ ઉજળો અને વધુ ચમકતો બનાવવાનું કામ કરતા અલ્પેશ સંઘવી અને કૃણાલ સંઘવી વિશે વાત કરીશું…
12 વર્ષની ઉંમરે ડાયમંડ ઉદ્યોગમાં શિખવા માટે પગલું મુક્યું હતું, તે વખતે જે અનુભવ થયો તેને કારણે અરિહંત ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટનો જન્મ થયો…
એવું કહેવાય છે કે સફળતાનું કોઇ સિક્રેટ નથી, માત્ર તૈયારી અને હાર્ડવર્કનું પરિણામ એટલે સફળતા. કેટલાંક લોકો એવા હોય છે, જે માત્ર સુંદર અને વૈભવી સપનાઓમાં રાચતા હોય છે, પરંતુ કેટલાંક અનોખા વીરલા એવા હોય છે, જે સપના તો જુએ જ છે, પરંતુ તેને મેળવવા માટે એટલી મહેનત પણ કરે છે કે પાછું વળીને જોતા નથી. એમ કહીએ તો પણ ચાલે એવા લોકોમાં એવું ઝુનુન હોય છે કે જે રસ્તા પર ચાલવાનું નક્કી કર્યા પછી મંઝીલ સુધી પહોંચીને જ રહે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા સ્કીલ ડેવલપમેન્ટ એટલે કૌશલ્યનાં વિકાસ પર ભાર આપતા રહે છે. પરંતુ સુરતના બે ભાઈઓએ 25 વર્ષ પહેલાં ડાયમંડ ઉદ્યોગમાં સ્કીલ ડેવલપમેન્ટનું કામ શરૂ કરેલું અને આટલા વર્ષોમાં તેમણે હજારો વિદ્યાર્થીઓને કૌશલ્ય પ્રદાન કર્યું છે.
સુરતની હીરાની વાર્તા ખરેખર 1900માં શરૂ થઈ જ્યારે બે ઉદ્યોગસાહસિક ભાઈઓએ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા પછી સુરતમાં હીરા કાપવા અને પોલિશ કરવાનું શરૂ કર્યું અને એ પછી સુરતનો હીરાઉદ્યોગ આજે દુનિયાનું સૌથી મોટું સેન્ટર બની ગયું છે. આવા જ બે ભાઈઓ છે જેમણે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરીને મોટી ક્રાંતિ કરી છે.
વૈશ્વિક લેવલે જાણીતા સુરત ડાયમંડ ઉદ્યોગના એવા બે ભાઈઓની ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં વાત કરવી છે. આ બે ભાઈઓએ તેમની મહેનત અને કોઠાસૂઝથી એક ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટથી શરૂઆત કરીને સુરતમાં જ 6 શાખાઓ ઊભી કરી છે અને હવે દેશ વિદેશમાં પગપેસારો કરવાની મહત્ત્વની યોજનાઓ છે. માત્ર એક ઓફિસ એક વિદ્યાર્થી, એક કોર્સ અને બે ફેકલ્ટીથી શરૂઆત કરવામાં આવી હતી. આજે 7 શાખા, 40 ફેકલ્ટી અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તૈયાર થયા છે.
સુરતના રફ યુવાનોને પોલિશ્ડ કરીને ડાયમંડ ઉદ્યોગને વધુ ઉજળો અને વધુ ચમકતો બનાવવાનું કામ કરતા અલ્પેશ સંઘવી અને કૃણાલ સંઘવી વિશે વાત કરીશું. અલ્પેશ સંઘવી અને કૃણાલ સંઘવી મૂળ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વતની છે, પરંતુ તેમનું બાળપણ અને અભ્યાસ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા હતા. એ સમય એવો હતો જ્યારે ડાયમંડના ચળકાટની જ ચારેકોર વાત થતી હતી. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જૈન સમાજના લોકો હીરાઉદ્યોગમાં વધારે જતા હતા. એટલે પિતાજીની એવી ઇચ્છા હતી કે તેમના સંતાનો પણ ડાયમંડ ઉદ્યોગમાં કૅરિયર બનાવે.
અલ્પેશ અને કૃણાલ સંઘવીના પિતા એ પછી સુરત આવીને સ્થાયી થયા હતા. સુરત આવ્યા પછી અલ્પેશનું મન ભણવામાં ઓછું લાગતું હતું અને માત્ર 12 વર્ષની ઉંમરે ભણવાનું છોડીને એક ડાયમંડ કંપનીમાં હીરાનું કામ શીખવા માટે લાગી ગયા હતા.
અલ્પેશ સંઘવીએ કહ્યુ કે, એ વખતે શીખવાની સાથે સાથે ઝાડુ મારવા, ચા લેવા જવું એ બધા કામ કરવા પડતા, એ સમય એવો હતો કે લોકો શિખવાડવા માટે જલ્દી તૈયાર નહોતા થતા. આખા દિવસમાં માંડ અડધો કલાક શીખવા મળતું હતું. એ વખત નાનકડા મનમાં ઘણો કચવાટ થતો હતો. શીખતા શીખતા મનમાં એ જ રઘવાટ ચાલતો હતો કે શીખવા માટે મને જે તકલીફો પડી છે તેવી તકલીફો બીજાને ન પડે એવું કઇંક કરવું છે.
અલ્પેશ સંઘવીએ 1998માં સુરતના મહિધપરા વિસ્તારમાં પહેલી ખાનગી ડાયમંડ ઇન્સ્ટિટયૂટ શરૂ કરી અને આજે 25 વર્ષ પછી તેમની 7 શાખાઓ, 40થી વધારે ફેકલ્ટી અને હજારો સ્ટુડન્ટસને તાલીમ આપી ચૂક્યા છે. તેમની સંસ્થા શરૂઆતથી 3 મજબુત પાયા પર શરૂ થઇ હતી. એક ક્વોલીટી ટ્રેનિંગ, બીજું પ્રેક્ટીકલ ટ્રેનિંગ અને ત્રીજું નવી ટેક્નોલૉજી સાથે તાલમેલ.
તેમની સફળતાનો ખ્યાલ તમને એના પરથી આવશે કે 25 વર્ષના ગાળામાં સુરત શહેરમાં તેમની 7 બ્રાન્ચ શરૂ થઇ છે અને હવે દિલ્હી, મુંબઈ અને વિદેશોમાં પણ શાખા ખોલવાની તેમની યોજના છે.
ઈન્સ્ટિટ્યૂટની અંદર ૨૭થી પણ વધારે કોર્સ ચલાવવા આવે છે. તેમાં ડાયમંડ ગ્રેડીંગ માંર્કિંગ, પોલશિંગ, ડાયમંડ કટિંગ, જ્વેલરી ડિઝાઈનિંગ સુધીના બધા જ કોર્ષ ચલાવવામાં આવે છે. આ કૌશલ્ય ટ્રેનિંગમાં ૯૫ ટકા પ્રેક્ટીકલ અને માત્ર ૫ ટકા થીયરિકલ નોલેજ હોય છે. સંપૂર્ણ ટ્રેનિંગ અને પ્રેક્ટિકલથી વિદ્યાર્થીને તૈયાર કરવામાં આવે છે. તે જ પ્રમાણે ચાલુ નોકરીવાળા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટિટ્યૂટ “રાત્રી બેચ” પણ શરૂ કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થી પોતાના ભવિષ્યમાં આગળ વધી શકે છે. ટુંકમાં તમે એમ કહી શકો કે અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે હીરાઉદ્યોગમાં અનેક સિતારાઓ તૈયાર કરીને ડાયમંડ ઉદ્યોગની પ્રતિષ્ઠામાં વધારો કરી રહી છે.
પૂર્વ CM વિજયભાઇ રૂપાણી અને પૂર્વ મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે એવોર્ડ મળ્યા
અરિહંત ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટને વર્ષ 2018માં તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે “યંગ અચિવર્સ એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ પછી ૨૦૨૨ના દ્રોણા એવોર્ડ સમારંભમાં તે વખતના એજ્યુકેશન મિનિસ્ટર જીતુભાઈ વાઘાણી તરફથી અરિહંત ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટને “બેસ્ટ જ્વેલરી ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ”થી સન્માનિત કરવામાં આવી હતી. અલ્પેશ સંઘવીએ કહ્યું કે, આ અમારી સાથે હીરાઉદ્યોગનું પણ સન્માન હતું અને આ એવોર્ડસને કારણે અમે વધારે પ્રોત્સાહિત થયા છે અને ડાયમંડ ઉદ્યોગ અને સ્ટુડન્ટસના ભવિષ્ય માટે હંમેશા કઇંક ને કઇંક નવું આપતા રહીશું.
25 વર્ષમાં સુરતમાં 6 અને દિલ્હીમાં 1 બ્રાન્ચ ચલાવી રહ્યા છે સંઘવી બંધુઓ
અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના અલ્પેશ સંઘવી અને નાના ભાઇ કૃણાલ સંઘવીએ 25 વર્ષમાં સુરતમાં 6 શાખા અને દિલ્હીમાં 1 સહિત કુલ 7 શાખઓ શરૂ કરી છે. અલ્પેશ સંઘવીએ કહ્યું કે વિદેશમાં જ્યાં ડાયમંડનો બિઝનેસ ચાલે છે તે બધા દેશોમાં અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની અમારી યોજના છે અને દેશમાં મેટ્રો શહેરોમાં પણ અમે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાના છે. આ વર્ષમાં દિવાળી સુધીમાં મુંબઈમાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થાય તેવું અમે વિચારી રહ્યા છે.
મોટા ભાગની લીડીંગ કંપનીઓની નવી પેઢીએ અમારી સંસ્થામાં તાલીમ મેળવી છે.
અલ્પેશ સંઘવીએ કહ્યું કે, સુરતની મોટાભાગની ડાયમંડ અગ્રણી કંપનીઓની જે નવી પેઢી છે તેમણે અરિહંત ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટમાં તાલીમ મેળવી છે અને આજે તેમની કંપનીને નવી ઊંચાઈએ પહોંચાડી રહ્યા છે, એ વાતનો અમને આનંદ અને ગર્વ થાય છે. અમે હીરા ઉદ્યોગમાં વધુ વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત સ્થાન મેળવીને દરેક મનુષ્યને વધુ સારું જીવન અને સામાજિક દરજ્જો મેળવવા માટે શિક્ષિત કરવા માંગીએ છીએ. કૃણાલ સંઘવીએ કહ્યું કે, અમારી સંસ્થામાં મેટ્રિક્સ સોફ્ટવેર દ્વારા જ્વેલરી ડિઝાઈનિંગ શીખવવામાં આવે છે તે જ પ્રમાણે મેન્યુઅલ ડિઝાઈનિંગ કોર્સ એક એવો કોર્સ છે જે માણસની અંદર રહેલી સર્જનાત્મક પ્રતિભાને બહાર લાવે છે. અને દેશ, વિદેશમાં પોતાની નવી ઓળખાણ ઊભી કરે છે. તેમજ અરિહંતમાં જ્વેલરી ડિઝાઈનિંગ કે મેન્યુઅલ ડિઝાઈનિંગ કોર્સ પૂર્ણ કરતા તેમને ૧૦૦ ટકા જોબ પ્લેસમેન્ટ સપોર્ટ ADI દ્વારા આપવામાં આવે છે. ઇન્સ્ટિટ્યૂટ શરૂઆત માત્ર એક ઓફિસ, એક વિદ્યાર્થી, એક કોર્સ અને બે ફેકલ્ટીથી કરવામાં આવી હતી. જ્વેલરી ડિઝાઈનિંગ ઉદ્યોગમાં અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ફેકલ્ટી ૫ વર્ષથી વધારે અલગ અલગ કંપનીમાં કાર્યરત તેમજ ઓનલાઇન ફ્રીલાન્સિંગ વર્કના અનુભવ ધરાવે છે. જેથી વિદ્યાર્થીને રોજગાર માટે ડિઝાઈનિંગમાં ફેસ વર્ક, 3D જ્વેલરી, લાઇવ માર્કેટ કોન્સેપ્ટને અનુરૂપ મહત્વનું નોલેજ પૂરું પાડવામાં આવે છે.
સફળતા માટે ધીરજ અને અપડેટ રાખવા ઉપરાંત મહેનત પણ જરૂરી છે.
અલ્પેશ અને કૃણાલ સંઘવીની સફળતાની જે સ્ટોરીની તમારી સાથે વાત કરી તેના પરથી તમને અંદાજ આવી ગયો હશે કે તેમણે 25 વર્ષથી સખત મહેનત કરીને સફળતાના સોપાનો સર કર્યા છે. અમે સંઘવી બંધુઓને પૂછ્યું કે, આજની યુવાન પેઢીને શું મેસેજ આપશો? તો તેમણે કહ્યું કે, આજની યુવા પેઢી સ્માર્ટ છે અને તેમને ટેક્નોલૉજીની પણ જાણકારી છે. અમારે એટલું જ કહેવું છે કે જે કામ કરો તેમાં ખૂબ મહેનત કરજો અને કન્સીસ્ટન્સી એટલે કે સુસંગતતા જાળવી રાખજો, રસ્તામાં અડચણો આવશે. પરંતુ તમે કંડારેલી કેડીને છોડતા નહી, વિશ્વાસ રાખીને આગળ વધશો તો સફળતા તમને સામેથી આવીને મળશે.
ડાયમંડ સિટીના ઈશ્યુ 392માં પ્રિન્ટેડ આર્ટીકલ અહીં વાંચી શકો છો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM