ગોવિંદભાઇ ધોળકિયા શાશ્વત બિઝનેસ અને મૂલ્યોનું જતન કરનારા શહેરના અમૂલ્ય રતન છે…

ગોવિંદભાઇની અથાગ મહેનત, કોઠાસૂઝ અને દિર્ઘદ્રષ્ટિને કારણે SRKએ અનેક માઇલસ્ટોન સર કર્યા, પરંતુ તેમણે ક્યારેય આદર્શ કે નીતિમત્તા સાથે બાંધછોડ કરી નથી.

Vyakti Vishesh-Govindbhai Dholakia-SRK-1
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

ડાયમંડ સિટીના વ્યકિત વિશેષમાં એક એવા મુઠ્ઠી ઉંચેરા વ્યક્તિત્વ વિશે વાત કરવી છે જેમણે માત્ર ધોરણ સાત સુધી અભ્યાસ કર્યો, પણ આજે દુનિયાના ટોચના હીરા-ઉદ્યોગકારોમાં તેમનું સ્થાન છે.

આ વ્યકિત એટલા માટે સવિશેષ છે કારણ કે મૂલ્યોનું જતન કરીને બિઝનેસ કરવા માટે જાણીતા છે, અઢળક ધનસંચયના સ્વામી છે, છતાં કયારેય ચહેરાં પર અભિમાન છલકે નહીં, સાવ સરળ, નિખાલસ અને એમ કહી શકાય કે ડાઉન ટુ અર્થ વ્યકિત્વ ધરાવે છે.

આ વ્યકિત એવું માને છે કે ઇશ્વરે જે આપ્યું છે, સમાજે જે આપ્યું છે, શહેરે જે આપ્યું છે તેને વ્યાજ સાથે પાછું આપવું જોઇએ અને પોતે આપે પણ છે. 60 વર્ષની બિઝનેસ જર્નીમાં કમાયા પણ ખરા, પણ કર્મભૂમિ અને જન્મભૂમિમાં કરોડો રૂપિયાના દાન પણ કર્યા.

સૌરાષ્ટ્રના નાનકડાં ગામડામાં ૭ ધોરણ ભણેલાં એક કિશોરે ૧૨ વર્ષની ઉંમરે સુરતની ધરતી પર પગ મુક્યો ત્યારે ખબર નહોતી કે આ શહેરમાં એક દિવસ તેમનું જાયન્ટ એમ્પાયર ઉભું થશે, કરોડોનું ટર્નઓવર હશે અને દાનની સરવાણીમાં મોટું નામ હશે.

Vyakti Vishesh-Govindbhai Dholakia-SRK-2

૧૨ વર્ષની ઉંમરે જ્યારે બાળકનું મન રમવામાં અને ભણવામાં ભટકતું હોય એ ઉંમરે આ બાળકે ઉંચા સપનાઓના શિખર સર કરવા માટેના પગલાં પાડવા માંડેલા. ૬૦ વર્ષ પહેલાં માત્ર ૧૦૩ રૂપિયાના કામથી શરૂઆત કરનાર આ બાળકની આજે સુરત સહિત વિશ્વભરમાં ડાયમંડની મોટી મોટી ફેકટરી છે અને આજે વર્ષે દિવસે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

સૌરાષ્ટ્રથી સુરત આવેલા નાની વયના લોકોની આમ તો અનેક એવી સ્ટોરી છે જેઓ સુરતમાં હીરાના ધંધામાં આવીને લખલૂંટ કમાયા. પણ આજે અમે જેમની વાત કરવા જઇ રહ્યાં છીએ તે વ્યક્તિની સ્ટોરી બધાથી અનોખી છે.

Vyakti Vishesh-Govindbhai Dholakia-SRK-4

હીરાઉદ્યોગના ઝગમગતા આકાશમાં ઝળકેલા આ તારલાંએ બિઝનેસમાં ઉંચાઇઓ હાસલ કરવાની સાથે કર્મભૂમિ સુરત અને પોતાની જન્મભૂમિમાં કરોડો રૂપિયાના દાન આપ્યા છે. છતા સાવ સાદા, નિખાલસ અને મુઠ્ઠી ઉંચેરા માનવી, જીવન કેમ જીવાય, નિતીમતા જાળવીને બિઝનેસ કેવી રીતે થાય, મુશ્કેલીના સમયમાં સંજોગોને કેવી રીતે ટેકલ કરી શકાય, પરિવારને કેવી રીતે સચવાય, સમાજમાંથી મેળવેલું સમાજને કેવી રીતે પાછું અપાઇ, કર્મચારીઓના જીવન ધોરણ કેવી રીતે ઉંચા લાવી શકાય, બિઝનેસના ઝાકમઝોળ વચ્ચે આદ્યાત્મિક કેવી રીતે રહી શકાય.

આવી અનેક બાબતો જે તમને દુનિયાની કોઇ પણ યુનિવર્સિટીમાંથી શીખવા ન મળે, તેટલી વાતો તમને સુરતના અમૂલ્ય હીરો પાસેથી શીખવા મળે. શ્રેષ્ઠતમ જીવનની યુનિવર્સિટી જેવા આ વ્યકિતનું નામ છે “ગોવિંદભાઇ ધોળકિયા’. લોકો તેમને ગોવિંદભગત કે ગોવિંદકાકાના નામે પણ ઓળખે છે.

Vyakti Vishesh-Govindbhai Dholakia-Young-SRK-3

વર્ષ ૧૯૪૯માં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં જન્મેલા ગોવિંદભાઇનો ૭ ભાઇઓ-બહેનોનો પરિવાર હતો. ૫ ભાઇઓમાં તેમનો નંબર ચોથો. તે વખતે તેમના પરિવારની આર્થિક હાલત સાવ નબળી હતી. 

ગોવિંદભાઇ ૭ ચોપડી ભણ્યા, પણ ભણતાની સાથે સાથે ગામમાં મેળો ભરાતો ત્યારે ફુગ્ગા, પિપૂડી અને એવી બધી વસ્તુઓ વેચીને પરિવારને મદદ કરતા. ૩ રૂપિયાની પિપૂડી લાવીને ૬ રૂપિયામાં વેચતા. રૂપિયા કમાવવા મળતા એમાં મજા આવતી.

બાળપણમાં તેમણે એક ભૂલ પણ કરી હતી. પૈસા કમાવવાની લ્હાયમાં મિત્રો સાથે જુગારમાં કમાણી કરીને ઘરે આવ્યા હતા. મોટાભાઇને આ વાતની ખબર પડી તો તેમણે ગોવિંદભાઇને લાફો મારી દીધો હતો.

બાળપણની ભૂલનો એ લાફો તેમને જિંદગીભર યાદ રહી ગયો અને નક્કી કર્યું કે જીવનમાં અનીતિના રૂપિયાની કમાણી કયારેય કરવી નહી. ગોવિંદભાઇએ આત્મકથામાં કહ્યું છે કે ૬૦ વર્ષના બિઝનેસમાં કયારેય અનીતિ કરી હોય કે કોઇની સાથે વિશ્વાસઘાત કર્યો હોય તેવું યાદ નથી.

વર્ષ ૧૯૬૪ના એપ્રિલ મહિનામાં ગોવિંદભાઇ તેમના મોટાભાઇની સાથે સુરત આવ્યા હતા અને હરિપરા વિસ્તારમાં એક હીરાના કારખાનામાં હીરા ઘસવાનું શરૂ કર્યું હતું. તે વખતે મહિને ૧૦૩ રૂપિયા મળતા હતા. ગોવિંદભાઇ નાનપણથી જ ધાર્મિક સ્વભાવ ધરાવતા હતા. માત્ર ૧૬ વર્ષની ઉંમરે તેમણે આખી ભગવદ્ ગીતા મોઢે કરી લીધી હતી. માતા-પિતાના સંસ્કાર અને ભગવદ્ ગીતાનો તેમના જીવન પર ભારે પ્રભાવ રહ્યો.

ગોવિંદભાઇ જયારે હીરા ઘસવાનું કામ શીખતા હતા ત્યારે સુરતમાં ડોંગરેજી મહારાજની કથા ચાલતી હતી. તેમને કથા સાંભળવા જવું હતું, પરંતુ શેઠે કહ્યું કે તું જઇશ તો હીરાના ઘાટનું કામ અટકી જશે. કથામાં જવા માટે ગોવિંદભાઇ મોડી રાત સુધી કામ પૂરું કરીને દિવસે ડોંગરેજી મહારાજની કથા સાંભળવા જતા.

ડોંગરેજી મહારાજ એવા કથાકાર હતા કે ભક્તિની વાત કરતા કરતા એટલા ભાવુક થઇ જતા કે તેમની આંખોમાંથી આંસૂ સરી પડતા. ગોવિદભાઇએ આત્મકથામાં કહ્યું છે કે ડોંગરેજી મહારાજની કથામાં સાંભળેલી મુખ્ય વાતો મેં મારા જીવનમાં ઉતારી છે.

Vyakti Vishesh-Govindbhai Dholakia-SRK-7

ડોંગરેજી મહારાજની એ અમૃતવાણી હતી કે સંતતિ અને સંપતિએ પ્રારબ્ધ અનુસાર મળે છે, તેના માટે પુરુષાર્થ કરવાની જરૂર છે, પાપ કરવાની નહી. બીજું તેમણે કહ્યું હતુ કે જે વ્યકિતને ભાઇમાં એટલે કોઇ પણ સ્વજનમાં જો ઇશ્વર દેખાતા નથી તે દેશસેવા કે દેવસેવા કયારેય કરી શકે નહી. ગોવિંદભાઇ ડોગરે મહારાજને પોતાના આધ્યાત્મિક ગુરુ માને છે.

વર્ષ ૧૯૭૦માં ગોવિંદભાઇએ પોતાની સાથે કામ કરતા બે મિત્રો ભગવાનભાઇ અને વિરજીભાઇ સાથે ભાગીદારીમાં બે કારીગરો સાથે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. એ પછી તેમણે ડાયમંડ ફેકટરી શરૂ કરી અને તેનું નામ આપ્યું શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટસ. જે પછી SRK EXPORTSથી જાણીતી બની.

ગોવિંદભાઇએ કહ્યું કે રામ અને કૃષ્ણ પહેલેથી જ પ્રિય હતા અને શ્રી એટલે લક્ષ્મી એટલે આ નામ રાખ્યું હતું. ડાયમંડનો મોટાભાગનો ધંધો વિદેશમાં હોવાથી ઘણા લોકોએ સલાહ આપી કે આવું ધાર્મિક નામ રાખો તો ધંધો નહીં ચાલશે.

પરંતુ ઇશ્વરમાં અપાર શ્રધ્ધા ધરાવતા ગોવિંદભાઇએ આ જ નામ ચાલું રાખ્યું અને આ કંપનીએ પછી પાછા વળીને જોયું નહી અને સફળતાના એક પછી એક શિખરો પાર કર્યા. આજે SRK EXPORTSનું વસ્તાદેવડી રોડ વિસ્તારમાં વૈશ્વિક કક્ષાનું આધુનિક એમ્પાયર ઉભું છે.

Vyakti Vishesh-Govindbhai Dholakia-SRK-DIamonds Book

APJ અબ્દુલ કલામના શિષ્ય અને કલામ વિશે  WINGS OF FIRE પુસ્તક લખનાર અરૂણ તિવારીએ ગોવિંદ ધોળકિયાની આત્મકથા પર અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું છે. જેનું નામ છે Diamonds are Forever, So are Morals.

અરૂણ તિવારીની સાથે સુરતના જાણીતા ટેકનોક્રેટ અને સાર્વજનિક એજ્યૂકેશન યુનિવસિર્ટીના પ્રમુખ કમલેશ યાજ્ઞિકે પણ પુસ્તકમાં અરૂણ તિવારી સાથે સહયોગ આપ્યો છે. આ પુસ્તકમાં ગોવિંદભાઇની જિંદગી સાથે સંકળાયેલી નાની નાની વાતોનું આલેખન કરવામાં આવ્યું છે. અમે કમલેશ યાજ્ઞિક પાસેથી પુસ્તકનો સારાંશ મેળવીને તમારી સાથે ગુજરાતી ભાષામાં શેર કર્યો છે.

ગોવિંદભાઇની અથાગ મહેનત, કોઠાસૂઝ અને દિર્ઘદ્રષ્ટિને કારણે SRKએ અનેક માઇલસ્ટોન સર કર્યા, પરંતુ તેમણે ક્યારેય આદર્શ કે નીતિમત્તા સાથે બાંધછોડ કરી નથી. ગોવિંદભાઇ પોતે પુર્નજનમમાં પણ દ્રઢ વિશ્વાસ રાખે છે. તેમનું કહેવું છે કે પૂર્વજન્મનું કોઇ ફળ હોવું જોઇએ નહીં તો મને આટલું બધું મળે નહી. ૬ દાયકાની સફરમાં મારું જીવન સાર્થક રહ્યું હોય તેવું મને લાગ્યું. ગોવિંદભાઇનું કહેવું છે કે સૃષ્ટિની અંદર અદ્રશ્ય શક્તિ કામ કરી રહી છે અને એ જ ભગવાન છે. તેને કોઇ પણ રીતે તમે પૂજી શકો.

ગોવિંદભાઇ પોતાની સફળતાનો  શ્રેય માતા-પિતાને આપતા કહે છે કે જ્યારે દુધાળા ગામમાં અમે ૭ ભાઇ-બહેન અને માતા-પિતાનો પરિવાર સાથે રહેતો હતો, તે વખત માતાને તનતોડ મહેનત અને નિ:સ્વાર્થ સેવા કરતા જોયા હતા. માતા સંતોકબા પરોઢિયે 3 વાગ્યે ઉઠીને ઘરનું કામકાજ કરતા, પડોશીઓને મદદ કરતા અને ગામ લોકોની પણ હસતાં-હસતાં મદદ કરતા. તેમનામાંથી મને પ્રેમ અને લાગણી જેવા સંસ્કાર મળ્યા, તો પિતા મજબુત કાઠીના હતા અને તેમની પાસેથી મેં સત્ય અને નિડરતાના પાઠ શીખ્યા. તેમણે કહ્યું છે કે મૂલ્યનિષ્ઠ વેપારના પાઠ માતા-પિતા પાસે શીખ્યો છું.

ગોવિંદભાઇની મહાનતાની વાત પણ જાણવા જેવી છે જે ભાગ્યે જ કોઇ ભાગીદારી પેઢીમાં જોવા મળે. ભાગીદાર વીરજીભાઇનું કેન્સરને કારણે અવસાન થયું, પંરતુ નીતિમત્તાને વરેલા ગોવિંદભાઇએ  જ્યાં સુધી વીરજીભાઈના દિકરાઓ પગભર ન થયા ત્યાં સુધી તેમની ભાગીદારી ચાલું રાખી  એક અવિરલ દાખલો સમાજને આપ્યો. વીરજીભાઇના નામ પર ગોવિંદભાઇએ કતારગામમાં વી. એન. ગોધાણી શાળા પણ શરૂ કરેલી છે.

ગોવિંદભાઇ શરૂઆતના દિવસોમાં મદદ કરનારા લોકોને પણ ભૂલ્યા નથી.બિઝનેસમાં મદદ કરનારા શાંતિલાલ મહેતા અને નવીન મહેતાને ગોવિંદભાઇ વ્યવસાયિક ગુરુ માને છે.

Vyakti Vishesh-Govindbhai Dholakia-SRK-8

ગોવિંદભાઇ દરરોજ ૨ થી ૩ લાખ રૂપિયાનું દાન પોતાના રીલીફ સેંટર મારફતે કરે છે…

ગોવિંદભાઇ ધોળકિયાનો એક નિયમ છે કે ફેકટરી જતા પહેલા કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી શાળામાં એકથી બે કલાકનો સમય રોજ ફાળવે. ત્યાં રીલીફ સેંટર જરૂરિયાતમંદ લોકોની અરજી આવી હોય. કોઇકને મેડિકલ હેલ્પની જરૂરિયાત હોય તો કોઇકને શૈક્ષણિક. ગોવિંદભાઇ દરરોજ આવી અરજીઓ પેટે ૨ થી ૩ લાખ રૂપિયાનું દાન આપતા રહે છે. આ દાન આપતી વખતે ચારીત્ર્ય ધડતર થાય તેને ધ્યાનમાં રાખી જે તે ધર્મના લોકો પાસેથી તેઓના ધાર્મિક ગ્રંથોનું પઠન કરાવે છે.

ભારતમાં કદાચ પહેલી એવી ડાયમંડ ફેકટરી હશે જયાં ૬,૦૦૦ કર્મચારી કામ કરતા હોય જેમને કોઇ વ્યસન ન હોય

ગોવિંદભાઇ ધોળકીયાની ડાયમંડ ફેકટરીમાં ૬,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે કદાચ દેશમાં પહેલી એવી ડાયમંડ ફેક્ટરી હશે જ્યાં વ્યસન કરતો એક પણ કર્મચારી ન હોય.

૨૦૦૮ની વૈશ્વિક મંદી અને કોરાના મહામારી જેવા કપરાં સમયમાં પણ કર્મચારીઓની છટણી ન કરી

વર્ષ ૨૦૦૮માં એટલી જબરદસ્ત વૈશ્વિક મંદી આવી હતી કે મોટા મોટા વેપારીઓ પણ હલી ગયા હતા. તે વખતે  SRKના કર્મચારીઓને ગોવિંદભાઇએ નોકરીમાંથી કાઢ્યા નહી, અને પોતાનું કામ ચાલુ રાખ્યું. ગોવિંદભાઇએ કપરો સમય સાચવી લીધો અને કોઇ કર્મચારીના પગાર કાપ્યા નહી કે છટણી પણ કરી નહી.

બીજી વખત તાજેતરમા કોરોના મહામારીમાં પણ એવું જ બન્યું. ફેકટરીઓ મહિના સુધી બંધ રાખવી પડી, પરંતુ આ સમયમાં પણ ગોવિંદભાઇએ કારીગરોને સાચવી લીધા. એ જ કારણ છે કે ગોવિંદભાઇ પર અતુટ વિશ્વાસ હોવાને કારણે SRKમાંથી નોકરી છોડવાનું પ્રમાણ નહીવત છે.

ગોવિંદભાઇ ધોળકિયાની આત્મકથા પર લખાયેલા પુસ્તકનું ૬મેના દિવસે વિમોચન

ગોવિંદભાઇની આત્મકથા પર લખાયેલા પુસ્તક Diamonds are Forever, So are Moralsનું ૬મેના  દિવસે સુરત અડાજણ સ્થિત પરફોર્મીંગ આર્ટ સેંટરમાં સુરત શહેર પોલીસ કમિશ્નર શ્રી અજય કુમાર તોમર, સંસ્કૃત યુનીવર્સીટીના ચાન્સેલર શ્રી ગોપાલાસ્વામી તથા ISROના શ્રી કિરણકુમારના હસ્તે વિમોચન થવાનું છે. ડૉ. અબ્દુલ કલામના શિષ્ય શ્રી અરુણ તિવારી અને સુરતની સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ કમલેશ યાજ્ઞિક આ પુસ્તકના સંયુક્ત લેખકો છે. કમલેશભાઇએ કહ્યું કે આ પુસ્તક અંગ્રેજી ભાષામાં છે.

જેનો ગુજરાતમાં અર્થ થાય છે, ‘હીરો જેમ શાશ્વત છે, તેમ મૂલ્યો પણ શાશ્વત છે’. આ પુસ્તકમાં ભગવદ્દ્ગીતા અને ઉપનિષદ જેવા શાસ્ત્રોના અવતરણો ટાંકીને સરળ શૈલીમાં રજૂઆત કરવામાં આવી છે. આ પુસ્તક લખવામાં લગભગ દોઢ વર્ષ જેટલો સમય લાગ્યો. કોરોના મહામારીના સમયમાં રૂબરૂ કે વીડિયો કોન્ફરન્સથી દરરોજ ૪ થી ૫ કલાક ફાળવવામાં આવતા હતા. વિશ્વવિખ્યાત publishing house Penguin Books દ્રારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ગોવિંદભાઇએ આપેલા દાનની યાદી બહુ લાંબી છે.

૧૯૭૦ના દાયકામાં ગુજરાતમાં દુકાળ પડ્યો હતો તે વખતે તેમણે પશુઓની જાળવણી માટે ૨ કરોડ રૂપિયાનું દાન વિદેશના મિત્રો થકી આપ્યું હતુ. તે વખતે અમરસિહ ચૌધરીની સરકાર હતી. ગોવિંદભાઇએ આ દાન થકી 100થી વધુ ગૌશાળાને એકએક લાખ રુપીયા આપ્યા હતા. વર્ષ ૨૦૦૬માં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ મોટા પાયે કર્યો હતો.

૧૦ લાખ લોકોને ભેગા કરીને પ્રતિજ્ઞા લેવડાવી હતી. અલબત્ત આ કાર્યક્રમમાં પદ્મશ્રી મથુર સવાણી સહિતના અગ્રણીઓ સાથે હતા. કિરણ હોસ્પિટલમાં કરોડો રૂપિયાનું દાન, શહેરના CCTV પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું દાન, સાર્વજનિક એજ્યૂકેશન સોસાયટીમાં SRK ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્પયૂટર સાયન્સ કોલેજની બિલ્ડીંગ માટે દાન, ઉપરાંત તાજેતરમાં ડાંગ જિલ્લામાં 300થી વધારે હનુમાન મંદિરો માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું છે. તેમણે આપેલા દાનની યાદી એટલી લાંબી છે કે એક પાનું ઓછું પડે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant