DIAMOND CITY NEWS, SURAT
ડાયમંડ સિટી ન્યુઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ કોલમ’માં આજે એક એવા જ વ્યક્તિની વાત કરવી છે જેમણે પોતાની જિંદગીમાં તો ઝળહળાટ આણ્યો જ છે, પરંતુ સમાજને પણ સામાજિક સેવાથી ઝળહળતો કર્યો છે. અનેક લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું તેઓ કારણ બન્યા છે. છતાં સાવ સરળ, ડાઉન ટુ અર્થ અને સત્ય, નૈતિકતા, નીતિમત્તા, પ્રમાણિકતા જેમના જીવનમાં વણાયેલા છે. અમે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાંથી આવીને સફળતાના ઊંચા શિખરો પર પહોંચનારા અને શ્રેષ્ઠ સ્થાને પહોંચેલા ધર્મનંદન ડાયમંડના ચૅરમૅન લાલજીભાઇ પટેલની.
પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજનું એ પ્રેરક સૂત્ર છે કે, જિંદગીમાં “થાવું તો શ્રેષ્ઠ જ.” જીવનની શ્રેષ્ઠતાને જાતિ, ધર્મ, કુળ કે વંશના આધારે ગણાવી શકાય નહીં. જીવનની શ્રેષ્ઠતા અને મહાનતા તો વ્યક્તિની ભીતરમાં રહેલા ગુણોને આધારે જ મૂલવાય છે. વ્યક્તિમાં રહેલા ગુણ તેની મિલકત, મૂડી છે અને કરેલાં કાર્યો તેની શાખ, ગુડવીલ છે. કોઇકે કહ્યું છે કે, ફુલ ઉત્તમ સુવાસ આપી શકતું હોય, વૃક્ષ મીઠું ફળ આપી શકતું હોય, મેઘ અમૃત જળ વહાવી શકતું હોય, તો માનવી પણ ઉત્તમ કાર્યો કરીને જગતને ઝળહળાવી શકે છે.
દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગની નામના હાંસલ કરનાર સુરત ડાયમંડ બુર્સ (SDB)નું ઉદ્દઘાટન કરવા માટે 17 ડિસેમ્બર 2023ના દિવસે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત આવ્યા હતા ત્યારે તેમણે SDBની ટીમની તો સરાહના કરી હતી સાથે PM મોદીએ ધર્મનંદન ડાયમંડના ચૅરમૅન લાલજીભાઇ પટેલની સાથે હસ્તધૂનન કરીને જય સ્વામિનારાયણ કહીને અભિવાદન કર્યું હતું. તે વખતે ઉપસ્થિત મેદનીએ તાળીઓના ગડગડાટથી આ દ્રશ્યને વધાવી લીધું હતું.
સુરત ડાયમંડ બુર્સના નિર્માણમાં અનેક લોકોનું યોગદાન છે તેમાં એક મોટું યોગદાન લાલજીભાઇ પટેલનું પણ છે. એક અગ્રણી ડાયમંડ ઉદ્યોગકાર, અગ્રણી સમાજસેવક, દાનવીર અને હંમેશા એમ. એસ. ધોની જેવા કુલ દેખાતા લાલજીભાઇ પટેલને આખું ગુજરાત ઓળખે છે, પરંતુ તેમના સંઘર્ષ, તેમની ધગશ, તેમની સફળતાના સોપાન, તેમના સામાજિક યોગદાન વિશે ઓછા લોકો જાણતા હશે.
અમે લાલજીભાઇ પટેલના બાળપણથી માંડીને તેમની અત્યાર સુધીની સફર અને ભવિષ્યના પગલાં વિશે જાણકારી મેળવી હતી. તેમની લાઈફ સ્ટોરી જાણશો તો તમને થશે કે મોટાભાગના માત્ર સપનું જ જોઇ શકે છે, લાલજીભાઇએ સપનું તો જોયું, પરંતુ એ સપનાને સાકાર કરવા માટે કડી મહેનત કરીને પગલાં પણ પાડ્યા. તેમની જિંદગીમાંથી અનેક યુવાનો પ્રેરણા મેળવી શકે છે.
10મું ધોરણ પૂરું કરીને ભાવનગર, સુરતમાં હીરા ઘસવાનું કામ કર્યું, પોતાની 2 ઘંટીની શરૂઆત કરીને આ સાહસિકની આજે પોતાની ઇન્ટરનેશનલ કક્ષાની ડાયમંડ ફૅક્ટરી છે. તેમની ફેક્ટરીમાં આજે 25,000 માણસો કામ કરે છે, અબજો રૂપિયાનું ટર્નઓવર કરે છે અને દુનિયાના અનેક દેશોમાં તેમનો બિઝનેસ છે. બાળપણમાં માત્ર સાયકલ હતી, આજે વૈભવી કારો અને લખલૂંટ સમૃદ્ધિના સ્વામી છે.
આ બધું આકાશમાંથી તેમને આવીને મળ્યું નથી, આ મેળવવા માટે તેમણે નીતિ અને મહેનતથી મેળવ્યું છે. સત્યનિષ્ઠા, સખત પરિશ્રમ અને પ્રમાણિકતા એ ધર્મનંદન ડાયમંડ્સના લાલજીભાઈ પટેલના સમાનાર્થી શબ્દો છે. તો ચાલો, તેમના જીવવની બાળપણથી શરૂ થયેલી વાત જાણીએ.
ડાયમંડ બુર્સ બનાવવાનો વિચાર થયો ત્યારે લોકોએ કહ્યું કે આ ચોક્કસ બનશે…
સુરતમાં લગભગ 2014માં જ્યારે ડાયમંડના ઉદ્યોગકારોએ સુરતમાં જ આંતરારાષ્ટ્રીય કક્ષાના ડાયમંડ બુર્સ બનાવવાનો વિચાર કર્યો. તે વખતે જ્યારે લોકોને ખબર પડી કે આનું સંચાલન કોણ કરી રહ્યું છે તો ખબર પડી કે કિરણ જેમ્સના વલ્લભભાઈ લખાણી, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ, કિરણ હોસ્પિટલના ચૅરમૅન પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ગોંવિદભાઈ ધોળકીયા અને સેવંતીભાઈ શાહ છે, તો લોકોએ કહ્યું હતું કે આ સુરત ડાયમંડ બુર્સ ચોક્કસ બનશે. કારણ કે આ તમામ લોકો સત્યનિષ્ઠ, પાવર ફુલ અને બોલે તે કરીને બતાવે તેવા છે. તેમની પ્રમાણિકતા પર રતિ ભાર કોઈને સંદેહ નહોતો. લોકોને ખબર હતી કે જરૂર પડશે તો આ લોકો ગજવાના પૈસા કાઢશે, પરંતુ સંસ્થાના પૈસાનો જરાયે દુરુપયોગ નહીં કરે. લાલજીભાઈ પટેલે કહ્યું હતું કે, મને મારી નવી ફૅક્ટરી જોવાનો સમય નથી મળ્યો, પરંતુ ડાયમંડ બુર્સ માટે 900 વખત મીટીંગ થઇ છે, કારણ કે બુર્સ માટે એ અમારી જવાબદારી હતી.
લાલજીભાઇ પટેલનો જન્મ ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ઉગામેડીમાં 28 નવેમ્બર 1955માં થયો હતો. તે વખતે પરિવારની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નહોતી. પિતા ખેડૂત હતા. તેઓ 1 થી 8 ધોરણ ઉગામેડી ગામમાં જ ભણ્યા અને 9 અને 10 ધોરણ રાજકોટ ગુરુકુળમાં રહીને અભ્યાસ કર્યો. તેમનો અભ્યાસ 10 સુધીનો જ છે. પરિવારની આર્થિક સ્થિત બહુ સારી નહોતી એટલે બીજી કોઇ સુવિધાનો વિ ચાર પણ થઇ શકે તેમ નહોતો, પરંતુ બાળપણમાં જ તેમને કદાચ ઈશ્વરે એક ભેટ આપેલી અને એ ભેટ હતી ધગશ. લાલજીભાઇ પટેલને બાળપણમાં સપનેય ખ્યાલ નહોતો કે તેઓ એક દિવસ અબજોમાં આળોટતા હશે, પરંતુ તેમની અંદર રહેલી ધગશે તેમને ઊંચાઇએ પહોંચવામાં મદદ કરી. તેમની પાસે નાનપણમાં એક સાયકલ માત્ર હતી.
લાલજીભાઇ પટેલની જેટલી સફળતાની મજલ લાંબી છે એટલી જ તેમની સેવાની સુવાસ પણ લાંબી છે
ધર્મનંદન ડાયમંડ આજે દુનિયાની ટોચની કંપનીઓમાં સામેલ છે અને લાલજીભાઇ પટેલ પણ ટોચના ડાયમંડ ઉદ્યોગકારોમાં સામેલ છે, પરંતુ તેમના ચહેરા પર ક્યારે ઘમંડ કે તુમાખી જોવા નહિ મળે. હા, એટલું ખરું કે તેઓ ખપ પૂરતું જ બોલે. તેમના માટે કામ જ તેમની મહામૂલી મૂડી. આટલી ટોચ પર પહોંચ્યા પછી તેમણે કર્મભૂમિ સુરત માટે સેવાની એવી સરવાણી વહાવી છે કે, તમને સલામ કરવાનું મન થાય.
લાલજીભાઇ પટેલ સુરત સમસ્ત પાટીદાર સમાજના સ્થાપક પ્રમુખ બન્યા હતા અને 18 વર્ષ સુધી પ્રમુખ રહ્યા. હવે તમે વિચારો કે કોઇ વ્યક્તિ 18 વર્ષ સુધી પ્રમુખ ત્યારે જ રહી શકે જ્યારે સમાજના લોકોને તેમની પુરેપુરો વિશ્વાસ હોય. ટ્રસ્ટના નેજા હેઠળ તેમણે સમાજના લોકોને અનેક રીતે મદદ કરી. સમાજના લોકોને નાની નાની રકમની લોન આપીને તેમને જિંદગીમાં પગભર કર્યા. તેમનું સર્વશ્રેષ્ઠ કામ એ પણ હતું કે સમાજમાં સદીઓથી ચાલતા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટે તેમણે ટીમ સાથે મોટી જહેમત ઉઠાવી હતી. 1 જાન્યુઆરી 2006માં તેમણે મહાપ્રસાદનો ભવ્ય લાડુ બનાવીને 4 લાખથી વધારે પાટીદારોને ભેગા કરીને શપથ લેવડાવ્યા હતા કે અમે ક્યારે સ્ત્રીભૃણ હત્યા કરીશું નહીં. સમાજ માટે આ સૌથી મોટું કામ હતું. અલબત, ઘણા બધા લોકો આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા.
પોતાની જન્મભૂમ ઉગામેડીમાં તેમણે વર્ષ 2012માં 11 કરોડ રૂપિયાના ખર્ચે 3 તળાવો 30 થી 50 ફૂટ ઊંડા કરાવ્યા હતા. આ તળાવોને કારણે ગઢડા તાલુકાના આજુબાજુના 30થી વધારે ગામોનો પાણીનો પ્રશ્ન ઉકેલાયો હતો અને ગુજરાતમાં ઉગામેડીમાં 3 મોટા તળાવ બનવાથી અને ગુજરાતમાં સર્વપ્રથમ અમૃત સરોવર તરીકે પ્રધાન મંત્રીએ માન્યતા આપી અને PM મોદીએ વિડીયો ડ્રોન દ્વારા 22 ફેબ્રુઆરીના રોજ નિરીક્ષણ કરી અને ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી.
બીજું ભૂતપૂર્વ વડાપ્રધાન બાજપાઈનું સ્વપ્ન હતું કે ભારતમાં નદીઓનું લિકીંગ થવું જોઈએ. તો લાલજીભાઈ પટેલે ઉગામેડી ગામમાં ભારતમાં પ્રથમ વખત કેરી નદી અને સોનલ નદીનું લિકીંગ કર્યું, જેમાં 2.5 કિલોમીટર 3 ફૂટના ડાયામીટરવાળી પાઇપ નાખીને 2 નદીને જોડાણ કર્યું છે. સમાજ સેવાની સાથે તેમના ધાર્મિક કાર્યોની યાદી પણ એટલી જ લાંબી છે. ટૂંકમાં લાલજી પટેલ જેટલા વેપારી છે એના કરતા વધારે પરોપકારી છે અને તેમની સેવા કાર્યો કોઇ પણ હોહા કર્યા વગર ચૂપચાપ ચાલતા રહે છે. લાલજીભાઈ પટેલની દેખરેખ હેઠળ ગુજરાતમાં સૌપ્રથમ 2500 દીકરીઓ એક સાથે શિક્ષણ સાથે સંસ્કાર લઈ શકે તે માટે કન્યા ગુરુકુળ નિર્માણ નો પ્રોજેક્ટ સુરત અને રાજકોટ મુકામે શરૂ થઈ ગયો છે.
લાલજીભાઇ પટેલે PM નરેન્દ્ર મોદીનો પિન સ્ટ્રિપ શૂટ 4.31 કરોડમાં ખરીદ્યો ત્યારે દુનિયાભરમાં ચર્ચામાં આવ્યા હતા
ફેબ્રુઆરી 2015માં લાલજીભાઇ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પિન સ્ટ્રિપ શૂટ 4.31 કરોડ રૂપિયામાં હરાજીમાં ખરીદ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સ્વાગત વખતે પહેર્યો હતો. લાલજીભાઇ પટેલે કહ્યું કે, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમની સાથે ઓળખાણ હતી અને હું તેમની જીવનશૈલીથી પ્રભાવિત હતો. તેઓ રાજ્યના લોકો માટે દિવસ રાત જોયા વગર મહેનત કરતા. તેમણે ગુજરાતના વિકાસ માટે પણ અદભુત કામો કર્યા હતા. એ પછી તેઓ જ્યારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમનો શૂટ ખરીદવાનો અમને મોકો મળ્યો એ અમારા માટે ગૌરવની વાત હતી. લાલજી પટેલે આ શૂટની જાળવણી માટે એક ખાસ કાચની કેબિન બનાવી છે અને આજે પણ એ જાળવણી થઇ રહી છે.
10મા ધોરણ પછી ભાવનગર હીરા ઘસવાનું શિખવા ગયા
10મું ધોરણ પત્યા પછી પિતાએ કહ્યું કે હીરાના ધંધામાં તારે જવું જોઇએ. એટલે ભાવનગર હીરા ઘસવાનું શિખવા ગયો હતો. પરંતુ મારી ધગશ મને કામ લાગી, જે હીરા ઘસવામાં બીજા લોકોને 4 મહિના લાગતાં હતા તે હું એક જ મહિનામાં શિખી ગયો હતો. તે વખતે હું હીરાને ઘાટ આપવાનું શિખ્યો હતો અને કદાચ મારી જિંદગીનો ઘાટ પણ ઘડાઇ રહ્યો હતો. નવેક મહિના હું ભાવનગર રહ્યો અને એ પછી મારા ગામ ઉગામેડીમાં કારખાનામાં કામ કર્યું.
50 વર્ષ પહેલાં સુરતમાં પગ મૂક્યો અને આખી જિંદગી જ બદલાઈ ગઇ
1973માં હું સુરત આવ્યો અને સૈયદપરા વિસ્તારમાં આવેલી બોરડી શેરીમાં એક કારખાનામાં હીરા ઘસવા બેઠો. સુરતમાં એ જમાનામાં હીરાના ખાસ કારખાના નહોતા. માત્ર સૈયદપરા, હરીપરા, મહિધરપરા વિસ્તારમાં થોડા કારખાના હતા. તે વખતે વરાછા, કતારગામ કે અશ્વનીકુમાર વિસ્તારોમાં કારખાનાની શરૂઆત નહોતી થઇ. બોરડી શેરીના કારખાનામાં લગભગ 2 વર્ષ કામ શરૂ કર્યું અને એ પછી મહિધરપરા થોભાશેરીમાં 2 ઘંટીથી મારું પોતાનું કારખાનું શરૂ કર્યું. એ પછી કાછિયા શેરી અને એ બાદ પંડોળ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટમાં હીરાનું કારખાનું શરૂ કર્યું હતું.
30 વર્ષ સુરતમાં સખત મહેનત કરી અને બજારમાં ગુડવિલ ઊભી કરી
સુરતમાં આવીને રાતોરાત કરોડપતિ ન થઇ શકીએ એવું પુરું સભાન હતું. એટલે ધગશ, સખત મહેનત, પ્રમાણિકતા અને શિસ્ત સાથે 30 વર્ષ સુધી મહેનત કરી. ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ કહેલું છે કે તારું કામ કર્મ કરવાનું છે, ફળની આશા રાખવાનું નથી. સંતો, મહંતોના આશીર્વાદથી મહેનત કરવાનું ચાલુ રાખ્યું હતું અને 30 વર્ષમાં સુરતમાં એક સારી ગુડવિલ ઊભી થઇ હતી. 1985માં જ્યારે કારખાનું ચાલતું ત્યારે શ્રીજી જેમ્સ નામ રાખવામાં આવ્યું એ પછી 1992માં ધર્મનંદન ડાયમંડ નામ રાખ્યું. 2004માં અમે કતારગામ વિસ્તારમાં ડાયમંડની આધુનિક અને આંતરારાષ્ટ્રીય કક્ષાની ડાયમંડ ફૅક્ટરી ઊભી કરી.
આ મારી જિંદગીના સર્વેશ્રેષ્ઠ ખુશીના દિવસો હતા
અમે જ્યારે લાલજીભાઇ પટેલને પૂછ્યું કે તમારી જિંદગીના સર્વશ્રેષ્ઠ ખુશીના દિવસો કયા હતા? તો તેમણે કહ્યું કે, આમ તો મારી જિંદગીમાં ખુશીના અનેક દિવસો આવ્યા છે, પરંતુ 1990માં હું જે રાજકોટ ગુરુકુળમાં ભણ્યો હતો તે શાખા સુરતમાં ગુરુકુળ વેડરોડ પર શરૂ થવાની તૈયારી હતી અને તે વખતે અમે મારી સોનાની લગડી જેવી 35,000 વાર જમીન કોઇપણ ખચકાટ વગર સુરત, ગુરુકુળ માટે દાનમાં આપી દીધી હતી. એ દિવસ મારી જિંદગીનો સર્વશ્રેષ્ઠ ખુશીનો દિવસ હતો. આજે આ ગુરુકળમાં 10,000થી વધારે વિદ્યાર્થીઓ સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી રહ્યા છે, એનાથી વધારે ખુશીની વાત બીજી શું હોય શકે.
બીજી સર્વશ્રેષ્ઠ ખુશી ત્યારે મળી હતી જ્યારે અમારી કંપની ધર્મનંદન ડાયમંડ DTC સાઈટહોલ્ડર બન્યુ એ દિવસ અમારા માટે સર્વશ્રેષ્ઠ ખુશીનો દિવસ હતો, કારણ કે તે વખતે DTC સાઈટહોલ્ડર બનવું એ હીરાઉદ્યોગમાં સન્માનની વાત કહેવાતું હતું. સાઈટહોલ્ડર બનવા માટે આકરી પરીક્ષા પાસ કરવાની હતી અને એ પરીક્ષા પાસ કરીને અમે DTC સાઈટહોલ્ડર બન્યા અને હજુ પણ એ સન્માન અમારી પાસે છે. એ દિવસ અમારી કંપનીની શાખમાં મોરપિચ્છ ઉમેરનારો દિવસ હતો. PM નરેન્દ્ર મોદીનો પિન સ્ટ્રિપ શૂટ 4.31 કરોડમાં ખરીદ્યો એ પણ મારા માટે શ્રેષ્ઠ ખુશીની વાત હતી.
લાલજીભાઇ પટેલની જિંદગીમાંથી આ વાતો શિખવા જેવી છે
અમે જ્યારે લાલજીભાઇને પુછ્યું કે તમારી સફળતામાં એવી કઇ વાતો છે જે બીજા માટે પ્રેરણારૂપ બની શકે. તેમણે કહ્યું કે મારી જિંદગીના અનુભવ પરથી એટલું કહી શકું કે મહેનતનો કોઇ વિકલ્પ નથી. દિલથી અને સાચી મહેનત કરશો તો સફળતા મળીને જ રહેશે.
મારી જિંદગીમાં મને સાધુ-સંતોના આશીર્વાદ મળ્યા. ગુરુ કે સંતોના આશીર્વાદ પણ જિંદગીમાં જરૂરી છે જે તમને આગળ વધવામાં મદદ કરશે. બીજું કે તમે જે કંઇ પણ કરો તે પુરા આત્મવિશ્વાસ સાથે કરો અને આત્મવિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે તમે લગનથી કામ કરશો.
આપણા વડવાઓએ આપણને કહેલું છે કે સવારે વહેલા ઊઠવું અને રાત્રે વહેલા સુઈ જવું. સાદો ખોરાક ખાવો. આ નિયમનું હું આજે પણ પાલન કરું છું. સવારે વહેલા ઊઠી જ જવાનો મારો નિત્યક્રમ છે. આજે પણ મોટાભાગે હું ઘરના રોટલા, છાશ અને ઘરનું જ શાકભાજી ભોજનમાં લઉં છું. ઘરનો સાદો ખોરાક તમને સ્વસ્થ રાખશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM