DIAMOND CITY NEWS, SURAT
આ વિષય પર વાત એટલે કરવાનું યોગ્ય લાગ્યું કારણ હાલમાં આવેલી ફિલ્મ એનિમલ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી કારણ તેમાં એક સારો કલાકાર છે. જે રીતે આ ફિલ્મના વિષે લોકો પોતાનો મત આપી રહ્યા છે તે બ્રાન્ડ અને માર્કેટિંગના લોકો માટે જાણવું જરૂરી છે. નકારાત્મક સમીક્ષા આ ફિલ્મની વધુ છે. આલ્ફા મેલને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે, મારધાડ વધુ બતાવવામાં આવ્યું છે જે ખોટી રીતે યુવાનોને પ્રભાવિત કરી શકે છે. તમે જો શ્રીમંત છો તો તમે મન ફાવે તેમ સમાજમાં વર્તી શકો છો.
માર્કેટિંગના વિવિધ પાસાઓમાં એક મહત્વનું પાસુ એટલે તમે તમારા ગ્રાહકને કેટલો જાણો છો. કન્ઝ્યુમર બિહેવિયર અર્થાત ઉપભોક્તાની વર્તણૂકનો આપણો અભ્યાસ કેટલો છે. કન્ઝ્યુમરના અભ્યાસ માટે બ્રાન્ડ, રિસર્ચ પર આધાર રાખે છે. આપણા દેશમાં જ્યાં વિવિધ પ્રાંત, જાતિ અને ભાષાના લોકો છે ત્યારે કોઈપણ બ્રાન્ડ માટે કન્ઝ્યુમરનો અભ્યાસ જરૂરી છે. આનો અર્થ તે નથી કે બધાને ધ્યાનમાં લઈને પ્રોડક્ટ અથવા તેનું કૉમ્યૂનિકેશન બનાવવું પણ મારે કોને ટાર્ગેટ કરવાનો છે તેની સ્પષ્ટતા આવા અભ્યાસ દ્વારા મળી શકે છે. કન્ઝ્યુમરની વર્તણૂકના અભ્યાસ માટે જેમ રિસર્ચ એક રસ્તો છે તેમ સિનેમા પણ તેમાં મહત્વનો ભાગ ભજવે છે. આને બે રીતે જોઈ શકાય; એક જે બની રહ્યું છે તે સિનેમા બતાવે અને બીજું સિનેમામાં જે બતાવવામાં આવે તે રીતે સમાજ વર્તે.
લોકો કહે છે સિનેમા તે સમાજનો પડઘો છે, સમાજમાં જે ચાલી રહ્યું છે તે બતાવે છે. વિવિધ વાર્તાઓ વિવિધ પ્રાંતના આધારે બતાવવામાં આવે ત્યારે બ્રાન્ડ માટે તે પ્રાંતની, ત્યાંની રહેણી-કરણી, રીતભાત, ભાષા જાણવા મળી શકે. ઉદાહરણ તરીકે; શહેર અને ગેંગ્સ ઓફ વસેપુર આપણને ઉત્તર પ્રદેશ વિષે જણાવશે. હાલમાં આવેલી પુષ્પા સાઉથથી માહિતગાર કરે છે તો દિલ્હી સિક્સ દિલ્હી વિષે, ટુ સ્ટેટ્સ બે પ્રાંતની વિચારધારા છતી કરે છે, ઉડતા પંજાબ, લાઇફ ઈન એ મેટ્રો તેઓના પ્રાંત વિષેની રિયાલિટી બતાવે છે, મિર્ચ મસાલા અને રુદાલી રાજસ્થાન દર્શાવે છે વગેરે.
આ વિષય પર વાત એટલે કરવાનું યોગ્ય લાગ્યું કારણ હાલમાં આવેલી ફિલ્મ એનિમલ. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી કારણ તેમાં એક સારો કલાકાર છે. જે રીતે આ ફિલ્મના વિષે લોકો પોતાનો મત આપી રહ્યા છે તે બ્રાન્ડ અને માર્કેટિંગના લોકો માટે જાણવું જરૂરી છે. નકારાત્મક સમીક્ષા આ ફિલ્મની વધુ છે. આલ્ફા મેલને ખોટી રીતે દર્શાવવામાં આવ્યો છે, મારધાડ વધુ બતાવવામાં આવ્યું છે જે ખોટી રીતે યુવાનોને પ્રભાવિત કરી શકે છે. તમે જો શ્રીમંત છો તો તમે મન ફાવે તેમ સમાજમાં વર્તી શકો છો. બદલો લેવો તેમાં કઈ ખોટુ નથી અને મૂળ વાત આમાં ક્યાંય કાનૂન વ્યવસ્થા બતાવવામાં નથી આવી. આવી ઘણી વાતો હશે જેના પર ચર્ચા થઇ શકે પણ તે કરીશું તો વિષયાંતર થશે. આના દ્વારા પ્રશ્ન એક જ છે શું આલ્ફા મેલને તમે તમારી બ્રાન્ડ માટે આ રીતે બતાવશો?
આપણા મુદ્દા પર પાછા આવીએ, જેમ ઉપર જોયું કે સિનેમા વિવિધ કલ્ચરની વાત કરે છે જે સમાજમાં જોઈ શકાય છે તો બીજી તરફ સિનેમામાં બતાવવામાં આવતી વાતો સમાજ અપનાવે છે. એક જે વર્તણુક છે તેની જાણ કરે છે તો બીજી તરફ સમાજમાં વર્તણુક સિનેમા દ્વારા બદલાય પણ છે. ઉદાહરણ તરીકે; કરણ જોહરની ફિલ્મોએ ગુજરાતીઓને પણ કરવા ચોથ કરતા કર્યા અને લગ્નોને જાજરમાન રીતે ઉજવો તે બતાવ્યું. આજે હરેક લગ્નમાં સંગીત, બેચલર પાર્ટી, ડિઝાઈનર કપડા હોવા જ જોઈએ. દિલ ચાહતા હે થી લોકો ગોવા જતા થયા અને બીજી વાત બદલાઈ કે મિત્રોએ ક્યારે પણ ફરવા જવાનો પ્લાન બનાવી લેવો. આ એક મોટો બદલાવ હતો જે આજે નોર્મલ થઇ ગયો છે. થ્રી ઈડિયટ્સ દ્વારા તમારે શું કરવું છે ની વાત આવી તો મુન્ના ભાઈએ ગાંધી ગીરીને અલગ સ્વરૂપ આપ્યું. તુમ્હારી સુલલુ, પિન્ક, થપ્પડ જેવી ફિલ્મોએ સ્ત્રીઓને કઈ રીતે માન આપો અને તેમને સમાન સ્તરે લાવવાની વાતો કરી. આજે યુવાન મુક્તપણે પોતાનો મત લોકો સમક્ષ રાખે છે તેનું એક મોટું કારણ સિનેમા છે જેના થકી તે પોતાના જીવનમાં બદલાવ લાવે છે. રંગ દે બસંતીએ યુવાનોને જાગૃત કર્યા પોતાનો મત સ્થાપિત કરવા. આજે લોકો LGBTQ ની વાતો ખુલ્લામાં કરે છે તેનું શ્રેય સિનેમાને જાય છે. આના થકી ઘણી બ્રાન્ડની એડ તેઓને મધ્યમાં રાખી બનાવવામાં આવી છે. આવી ઘણી ફિલ્મો તમે વિચારી શકો જેણે સમાજમાં બદલાવ લાવ્યો હોય અને બદલાવ તમારી વર્તણુક પણ બદલે. આનાથી આગળ આજે લોકોને વિવિધ દેશોની સંસ્કૃતિનું ભાન પણ વૈશ્વિક સિનેમા દ્વારા મળે છે અને તે આજે આપણને આજની યુવા પેઢીની વિચારધારામાં જોવા મળે છે. આ મોટો બદલાવ છે અને તે તમે તેમના પહેરવેશમાં, બોલીચાલીમાં અને રહેણીકરણીમાં જોઈ શકો છો.
સિનેમામાંથી બ્રાન્ડ માટે સૌથી મોટી શીખ એટલે ઉપભોક્તાની વર્તણૂકનો અભ્યાસ. જ્યારે તમે આનાથી માહિતગાર થાવ છો ત્યારે તમે તે મુજબના પ્રોડક્ટ બનાવી શકો અથવા તે મુજબના કિરદારો, વાર્તા અને સેટઅપ તમારા કોમ્યુનિકેશનમાં બતાવો છો. ઉદાહરણ તરીકે, જે રીતે લગ્નો સિનેમામાં બતાવવામાં આવ્યા આપણે એથનિક વેર કેટેગરીને ધ્રુસકે ને ભૂસકે વધતી જોઈ. આવા સેટઅપ બ્રાન્ડ પોતાની એડમાં બતાવે છે પછી તે કોઈપણ કેટેગરી હોય. લગ્નમાં વધુ ખાવાથી ગેસ થશે તો તેને મટાડવાની દવાની બ્રાન્ડ પણ જાજરમાન લગ્ન બતાવશે અને નહિ કે સાદા લગ્નો કારણ કન્ઝ્યુમર તેવા સેટઅપને રિલેટ નહિ કરી શકે. સ્ત્રી બની શકે છે કરી શકે છે તેવો આત્મવિશ્વાસ કપડા ધોવાના ઉત્પાદનો બતાવશે. જે કામ સ્ત્રીનું છે તેમ સમાજ માને છે તેને જવાબ છે કે આજની સ્ત્રી બંને કરી શકે છે. ચા બનાવતી બ્રાન્ડ સમાજમાં બદલાવની વાત કરશે કારણ આજનો યુવા તેમ જોવા માંગે છે જે ઘણી ફિલ્મોએ બતાવ્યું છે. નાના શહેરોની વાતો અને તેમાં બતાવવામાં આવતી તેઓના સપના પુરા કરવાની તમન્નાઓ બ્રાન્ડને નાના શહેરોમાં પોતાને પ્રસ્થાપિત કરવામાં મદદ કરે છે. ઘણી નામી બ્રાન્ડની એડમાં આપણે આવા નાના શહેરોની વાત જોશું. અમુક સમય પહેલા એડ એટલે ગ્લેમરસ ચહેરાઓ બતાવો, શહેરી રહેણી કરણી બતાવો વગેરે હતું પણ આજે સિનેમાના સહારે લોકો સાથે કેવી રીતે જોડાઈ શકીશું તે બ્રાન્ડ સમજી પોતાની એડ બનાવે છે. આમ તમને તમારા કન્ઝ્યુમરનો અભ્યાસ ખરા અર્થમાં થશે. બીજુ સિનેમા તમને તમારી બ્રાન્ડ માટે ક્યો ચહેરો અને શા માટે લોકો તેને ચાહે છે તેના કારણો આપશે. આ વાત તમને તમારી બ્રાન્ડ માટે સેલિબ્રિટી પસંદ કરવામાં મદદ કરશે.
આમ બ્રાન્ડ માટે સિનેમા કન્ઝ્યુમરનો વાસ્તવિક ચહેરો સમજવામાં મદદ કરે છે. જે સામાજિક વિચારો, સમસ્યાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. જે સામાજિક મુદ્દાઓને સંબોધે છે જેનાથકી બ્રાન્ડને તે સમજવામાં મદદ મળે છે કે કયા મુદ્દાઓ સાથે જોડાવું. આજના સમાજના મન પર ફિલ્મોનો નોંધપાત્ર પ્રભાવ છે. આવા સમયે જવાબદાર બ્રાન્ડ માટે મોટો પડકાર છે કે, સક્રિયપણે એવી ફિલ્મોની શોધ કરવી જે સકારાત્મક વિચારધારા સમાજમાં પ્રસ્થાપિત કરે અને તેવા રોલ મોડલને પ્રમોટ કરે. જયારે બ્રાન્ડ આવી ફિલ્મો અને બદલતી વર્તણૂકનો અભ્યાસ કરી તેને અમલમાં મુકશે ત્યારે ચોક્કસ પણે પોતાની કેટેગરીમાં અલગતા સ્થાપી સફળતા મેળવશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM