બ્રાન્ડને કયા રંગે રંગશો?

માર્કેટિંગમાં અને બ્રાન્ડિગમાં રંગો ફક્ત દૃષ્ટિની આકર્ષકતા માટે નથી. તેઓ ઉપભોક્તાની ધારણાઓ, લાગણીઓ અને વર્તનને પ્રભાવિત કરવામાં મદદ કરે છે.

What colour will you paint your brand sameer joshi Diamond City 409
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જ્યારે જ્યારે બ્રાન્ડ ડેવલપમેન્ટના ડિઝાઈન પ્રોજેક્ટ પર કામ કરીએ ત્યારે ક્લાઈન્ટ હંમેશા રંગો પર પોતાનો મત આપે. આ રંગ અમને ના ગમ્યો અથવા મારી ઘરવાળીને, છોકરાઓને અમુક રંગ વધુ પસંદ છે. ઘણા આનાથી આગળ કહે, મારી ઘરવાળી કે દીકરીની ફેશન સેન્સ ઘણી સારી છે, તેનું કલર કોમ્બિનેશન અલગ જ હોય.

આવા સમયે તેમને કહેવું પડે કે, તમે તેમનો અભિપ્રાય તમારા ઘરની દિવાલોના રંગો માટે કે ઘરના રાચરચીલા માટે વાપરો કારણ બ્રાન્ડ મારા કે ઘરના અભિપ્રાયથી નથી બનતી. બીજું અને મહત્વનું કારણ, તમે કે તમારા ઘરના લોકો કે મિત્રો કદાચ તમારી બ્રાન્ડના ગ્રાહકો, જેને આપણે ટાર્ગેટ ઑડીએન્સ કહીએ છીએ તે ન પણ હોય.

આથી બ્રાન્ડ માટે જ્યારે વિચારીએ ત્યારે મારા કે મારાના અભિપ્રાયો બાજુ પર મૂકી, બ્રાન્ડ વાપરનાર ટાર્ગેટ ઑડીએન્સને ધ્યાનમાં રાખી તેને બનાવો. બ્રાન્ડના વિવિધ પાસઓ છે પણ તેમાં રંગો મહત્વનું પરિબળ છે. તે સૌથી પહેલા આંખે વળગે અને આથી તેનું મહત્વ સમજી તેનો ઉપયોગ કરવો. 

બ્રાન્ડ અથવા બિઝનેસ પ્રોડક્ટ માટે રંગો પસંદ કરવા માટે ઘણા બધા પરિબળો ધ્યાનમાં લેવા યોગ્ય છે જેમ કે પ્રોડક્ટ કે બ્રાન્ડની પ્રકૃતિ શું છે? શું તે કોઈ સર્વિસ અથવા પ્રોડક્ટ છે જે તમે વેંચી રહ્યાં છો? ટાર્ગેટ ઑડીએન્સ વૃદ્ધ છે કે યુવાન, સ્ત્રી છે કે પુરુષ? શું તમારું ઉત્પાદન પ્રતિષ્ઠિત અર્થાત્ લક્ઝરી છે અથવા માત્ર એવી વસ્તુ છે જે સમૂહને આકર્ષે છે? આ ઉપરાંત તમારી બ્રાન્ડ કઈ કેટેગરીમાં છે આ પણ જાણવું જરૂરી છે.

બ્રાન્ડિગ સુમેળભર્યું હોવું જરૂરી છે જેથી કરીને તે અસ્તવ્યસ્ત ના લાગે કે તેને વારંવાર જોઈને લોકો કંટાળી ના જાય. આના માટે રંગો મહત્વની ભૂમિકા ભજવે છે. વિઝ્યુઅલ અનુભવ તેવો ન હોવો જોઈએ કે દર્શકોને તેની સાથે જોડાવાની જરૂર ન લાગે. ગ્રાહકની પ્રતિક્રિયા અને બ્રાન્ડના રંગ વચ્ચે નોંધપાત્ર સંબંધ છે, તેથી યોગ્ય રંગો પસંદ કરવા આવશ્યક છે.

માર્કેટિંગમાં અને બ્રાન્ડિગમાં રંગો ફક્ત દૃષ્ટિની આકર્ષકતા માટે નથી. તેઓ ઉપભોક્તાની ધારણાઓ, લાગણીઓ અને વર્તનને પ્રભાવિત કરવામાં મદદ કરે છે. રંગો કઇ રીતે ગ્રાહકના મન પાર અસર કરે છે તે જોઈએ.

રંગો લાગણીઓ જગાડે છે

રંગો લાગણીઓને ઉત્તેજિત કરે છે, ગ્રાહકની ધારણાઓ અને વર્તનને પ્રભાવિત કરે છે. તમારી બ્રાન્ડના વ્યક્તિત્વ અને મૂલ્યો સાથે પડઘો પાડતા કલરોને પસંદ કરીને, તમે તમારા પ્રેક્ષકો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરી શકો છો, જેનાથી બ્રાન્ડ તરફની ગ્રાહકની વફાદારી વધે છે.

ઉદાહરણ તરીકે, મેકડોનાલ્ડ્સ તેમની બ્રાન્ડિગમાં પીળા રંગને સ્પષ્ટપણે દર્શાવે છે. આના દ્વારા તેઓ એક આમંત્રિત અને ગતિશીલ વાતાવરણ બનાવે છે જે ગ્રાહકોને બ્રાન્ડને સકારાત્મક અનુભવ સાથે સાંકળવા પ્રોત્સાહિત કરે છે. આ સુખ અને આનંદની લાગણીઓ જગાડે છે.

રંગો બ્રાન્ડની ઓળખને વેગ આપે છે

રંગો દ્રશ્ય સંકેતો તરીકે સેવા આપે છે જે ગ્રાહકોને સ્પર્ધકો વચ્ચે તમારી બ્રાન્ડને ઓળખવામાં અને યાદ રાખવામાં મદદ કરે છે. તમામ બ્રાન્ડિગ સામગ્રીમાં રંગોનો સતત ઉપયોગ ત્વરિત ઓળખને પ્રોત્સાહન આપે છે અને બ્રાન્ડ રિકોલને મજબૂત બનાવે છે. જો તમે તમારા બ્રાન્ડના રંગો સાથે સુસંગત છો, તો તે તમારી બ્રાન્ડ ઓળખનો ભાગ બની જાય છે.

આ કારણોસર, વપરાશકર્તાના બ્રાન્ડના અનુભવ દરમિયાન તમારા બ્રાન્ડના રંગોનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે શોપર્સ સ્ટોપના કેમ્પેઇન હંમેશા તમને બ્લેક એન્ડ વાઈટમાં જોવા મળશે. આ રંગનો શેડ તેને ફેશન સ્ટેટમેન્ટ આપે છે અને તેમની ફેશનની કેટેગરીમાં તે એડ જોતાજ ખબર પડી જાય કે આ શોપર્સ સ્ટોપની એડ છે.

“બ્રાન્ડ અથવા બિઝનેસ પ્રોડક્ટ માટે રંગો પસંદ કરવા માટે ઘણા બધા પરિબળો ધ્યાનમાં લેવા યોગ્ય છે જેમ કે પ્રોડક્ટ કે બ્રાન્ડની પ્રકૃતિ શું છે? શું તે કોઈ સર્વિસ અથવા પ્રોડક્ટ છે જે તમે વેચી રહ્યાં છો? ટાર્ગેટ ઑડીએન્સ વૃદ્ધ છે કે યુવાન, સ્ત્રી છે કે પુરુષ? શું તમારું ઉત્પાદન પ્રતિષ્ઠિત અર્થાત્ લક્ઝરી છે અથવા માત્ર એવી વસ્તુ છે જે સમૂહને આકર્ષે છે? આ ઉપરાંત તમારી બ્રાન્ડ કઈ કેટેગરીમાં છે આ પણ જાણવું જરૂરી છે. બ્રાન્ડિગ સુમેળભર્યું હોવું જરૂરી છે જેથી કરીને તે અસ્તવ્યસ્ત ના લાગે કે તેને વારંવાર જોઈને લોકો કંટાળી ના જાય. આના માટે રંગો મહત્વની ભૂમિકા ભજવે છે. વિઝ્યુઅલ અનુભવ તેવો ન હોવો જોઈએ કે દર્શકોને તેની સાથે જોડાવાની જરૂર ન લાગે. ગ્રાહકની પ્રતિક્રિયા અને બ્રાન્ડના રંગ વચ્ચે નોંધપાત્ર સંબંધ છે, તેથી યોગ્ય રંગો પસંદ કરવા આવશ્યક છે.”

રંગો તમને અલગ પાડે છે

વ્યૂહાત્મક રંગ પસંદગીઓ તમારી બ્રાન્ડને અલગ પાડવામાં, ધ્યાન આકર્ષિત કરવામાં અને સંભવિત ગ્રાહકો પર યાદગાર છાપ બનાવવામાં મદદ કરે છે. હાલમાં IPL ચાલે છે તો વિવિધ ટીમના ડ્રેસ જોશો તો પીળો રંગ જોતા તમને ચેન્નાઇ અને બ્લુ જોતા મુંબઈની યાદ આવશે.

વૈશ્વિક સ્તરે રંગ કઈ રીતે પોતાની બ્રાન્ડને અલગ તારવી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે Tiffany નો વાદળી રંગનો વિશિષ્ટ શેડ જે ટીફની બ્લુના નામે આજે ઓળખાય છે. આ રંગના સહારે તેને તે અન્ય જ્વેલરી બ્રાન્ડ્સથી અલગ પાડે છે. ફક્ત રંગ અલગ બનાવી આ બ્રાન્ડ પોતાને વિશિષ્ટ લગ્ઝરી બનાવે છે. આમ, રંગ ફક્ત તમને અલગતા ન આપતા તમને કયા સેગમેન્ટમાં રમવાનું છે તેના માટેની સ્પષ્ટતા પણ આપે છે.

રંગ મનોવિજ્ઞાન એ સંશોધન છે કે રંગ માનવ વર્તન અને લાગણીઓને કેવી રીતે અસર કરે છે. વિવિધ રંગો, રંગછટા અને ટોન માનવના મૂડને બદલે છે અને નિર્ણય લેવામાં પણ મદદ કરે છે. જેમ જોયું કે રંગ તે એક મનોવિજ્ઞાનનો વિષય છે અને ગ્રાહકો કેવી રીતે નિર્ણયો લે છે, બ્રાન્ડનું મૂલ્યાંકન કરે છે અને તેમાં રંગ મનોવિજ્ઞાન મુખ્ય ભૂમિકા કઇ રીતે ભજવે છે તે એક અભ્યાસના સહારે જાણીયે.

ગ્રાહક પર બ્રાન્ડ માટેની પ્રારંભિક છાપ 90% સુધી રંગમાંથી આવે છે તો રંગ બ્રાન્ડ જાગૃતિ અને ઓળખ 80% વધારી શકે છે અને 93% ગ્રાહકો માત્ર વિઝ્યુઅલના આધારે ખરીદીના નિર્ણયો લે છે. આમ દરેક રંગનો ગ્રાહકો પર પોતાનો પ્રભાવ છે. અમુક રંગો જે બ્રાન્ડ પસંદ કરતી હોય છે.

જેમ કે, ફાઇનાન્સ કેટેગરીમાં અને ઘણી B2B કેટેગરી બ્રાન્ડ્સ બ્લુ રંગ વાપરતી હોય છે. બ્લુ ટ્રસ્ટ, લોયલ્ટી દર્શાવે છે તો કેસરી રંગ એનર્જી, ક્રિએટિવિટી અને કોન્ફિડેન્સ આપે છે. લાલ રંગ પાવરની વાત કરે છે તો લીલો ફ્રેશનેસ, નેચર અને હેલ્થની વાત કરે છે.

આમ, વિવિધ રંગોની પોતાની એક ઓળખ છે અને તે ઓળખ બ્રાન્ડને તેની ઓળખ બનાવવામાં મદદ કરે છે. નિષ્કર્ષમાં, રંગો તમારી બ્રાન્ડિગમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પસંદ કરતા પહેલા, તમારી બ્રાન્ડનું વ્યક્તિત્વ જાણવું મહત્વપૂર્ણ છે જેથી તમે તે ઓળખને પ્રતિબિંબિત કરતા રંગો પસંદ કરી શકો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS