નેચરલ ડાયમંડનું માર્કેટ ધીમું છે તો લેબગ્રોન ડાયમંડ માર્કેટમાં શું ચાલી રહ્યું છે?

દિવાળી પછી ભલે નેચરલ ડાયમંડ ઠંડુ છે, પરંતુ લેબગ્રોન ડાયમંડમાં તો ધમધમાટ જોવા મળી રહ્યો છે. થેંક્સ ટુ લેબગ્રોન ડાયમંડ કે રત્નકલાકારોને રોજીરોટી મળી રહી છે.

What is going on in the labgrown diamond market Industry Review Diamond City Issue 404
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

હીરાઉદ્યોગમાં લોકો પહેલાં માત્ર નેચરલ ડાયમંડ વિશે જ જાણતા હતા, પરંતુ હવે નેચરલ ડાયમંડની સાથે સાથે લેબગ્રોન ડાયમંડનું નામ પણ લોકપ્રિય થઇ રહ્યું છે, લેબગ્રોન ડાયમંડને સ્વીકારવામાં સમય લાગ્યો, પરંતુ હવે હવે લેબગ્રોનને લોકો સ્વીકારતા થયા છે.

ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે લેબગ્રોન ડાયમંડના રિસર્ચ માટે IIT મદ્રાસને ફંડ ફાળવ્યું હતું, એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂન 2023માં અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના પત્ની જીલ બાઇડનને લેબગ્રોન ડાયમંડની ભેટ આપી હતી. કહેવાનો મતલબ એ છે કે લેબગ્રોન ડાયમંડ સતત ચર્ચામાં રહે છે.

ડાયમંડ સિટીમાં ઉદ્યોગની પ્રતિક્રિયા કોલમમાં અમે સુરતના લેબગ્રોન ડાયમંડના વેપારીઓને સવાલ કર્યો હતો કે, નેચરલ ડાયમંડનું માર્કેટ અત્યારે ધીમું છે તો લેબગ્રોન ડાયમંડમાં શું ચાલે છે? તો જાણવા મળ્યું કે, દિવાળી પછી ભલે નેચરલ ડાયમંડ ઠંડુ છે, પરંતુ લેબગ્રોન ડાયમંડમાં તો ધમધમાટ જોવા મળી રહ્યો છે. થેંક્સ ટુ લેબગ્રોન ડાયમંડ કે રત્નકલાકારોને રોજીરોટી મળી રહી છે.

દિવાળી પછી લેબગ્રોન ડાયમંડમાં સારો સુધારો થયો છે : અંકુશ નાકરાણી

એશિયન લેબગ્રોન ડાયમંડ કંપનીના ડિરેકટર અંકુશ નાકરાણીએ કહ્યું હતું કે, દિવાળી પછી લેબગ્રોન ડાયમંડ માર્કેટ સુધરતું જાય છે અને મને આશા છે કે દિવસે ને દિવસે આમાં સુધારો આવશે. નેચરલ ડાયમંડની સાથે સાથે હવે ઝવેરીઓના શો રૂમમાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરી પણ જોવા મળી રહી છે.

નાકરાણીએ કહ્યું કે સરકારનો સહયોગ મળે તો આ ઇન્ડસ્ટ્રી વધુ ઊંચાઇએ પહોંચી શકે તેમ છે. લેબગ્રોન ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં નાગમણિ જેવો સાબિત થાય છે. ડાયમંડને ગ્રો કરીને પોલિશ્ડ કરીને જ્વેલર્સને આપવામાં આવે છે.

નેચરલ ડાયમંડમાં રફ ડાયમંડની આયાત માટે જે ઇમ્પોર્ટ ડ્યુટી ભરવી પડે છે તે લેબગ્રોનમાં જરૂર નહીં પડે, જેને કારણે વિદેશી હૂંડિયામણ બચશે. ઉદ્યોગ તરફથી અમારી સરકારને વિનંતી છે કે, ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં વધારે રાહત આપવામાં આવે.

મુંબઈની સરખામણીએ સુરતમાં ખર્ચ વધારે આવે છે તો એના વિશે પણ સરકાર વિચારે. બીજું કે કેન્દ્ર સરકાર ટેક્સટાઈલ મશીનરી માટે જે રીતે TUFF સ્કીમ હેઠળ સબસિડી આપે છે એવી જ રીતે CVD મશીનરી પર પણ સબસિડી આપવામાં આવે.

ઉદ્યોગની માંગ એ પણ છે કે ચીન અથવા અન્ય દેશમાંથી આવતા CVD અને HPHT ડાયમંડ પર એન્ટીડમ્પીંગ ડ્યુટી નાંખવામાં આવે અથવા તો પ્રતિબંધ મુકી દેવામાં આવે. લેબગ્રોન ડાયમંડને કારણે લાખો લોકોને રોજગારી મળી રહી છે. નાકરાણીએ કહ્યું કે, સુરતમાં એક ફેસિલીટી સેન્ટર આપવામાં આવે જેને કારણે CVD ડાયમંડનો ઇન્ડસ્ટ્રીઝ ઉપયોગ માટે પણ સારો સ્કોપ છે તેનો ફાયદો મળે.

લેબગ્રોનને કારણે રત્નકલાકારોને રોજગારી મળી રહી છે : અનિલ ચમારડી

લેરાનાથ ડાયમંડના અનિલ ચમારડીએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડ એ નેચરલ ડાયમંડનું પૂરક બની રહ્યો છે. અત્યારે નેચરલ ડાયમંડ સ્લો છે તો લેબગ્રોન ડાયમંડને કારણે રત્નકલાકારોને રોજગારી મળી રહી છે એટલે હજારો રત્નકલાકારોને લેબગ્રોન ડાયમંડે સાચવી લીધા છે.

તેમણે કહ્યું કે, ભારતની સંસ્કૃતિ પરિવર્તનની સંસ્કૃતિ રહી છે અને લેબગ્રોન પણ એક પરિવર્તનનો જ ભાગ છે. અનિલ ચમારડીએ કહ્યું કે, તમે જોજો, લેબગ્રોન ડાયમંડને કારણે એક દિવસ એવો આવશે કે ભારતને ફરી સોનાની ચિડિયા તરીકેની ઓળખ મળશે. લેબગ્રોન ડાયમંડને હવે મધ્યમ વર્ગના લોકો પણ સ્વીકારતા થયા છે.

લેબગ્રોનને કારણે મોટું પરિવર્તન એ આવ્યું છે કે જેના મોટા જ્વેલર્સ છે તેઓ પણ પોતાના શો રૂમમાં લેબગ્રોન ડાયમંડની જ્વેલરી ડિસ્પ્લે કરતા થયા છે. સુરતની લેબગ્રોન ડાયમંડ ઇન્ડ્સ્ટ્રીઝ લેબગ્રોન ડાયમંડમાં લીડર છે અને દુનિયા હવે લેબગ્રોન ડાયમંડને સ્વીકારે છે. લેબગ્રોન ડાયમંડમાં થોડું પ્રાઇસ વેરિએશન રહે છે.

લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ 4 ગણો વધી ગયો છે, 70 ટકા કારખાનમાં CVD ચાલે છે : હરેશ નારોલા

લેબગ્રોન ડાયમંડના વેપારી હરેશ નારોલાએ જણાવ્યું હતું કે, દિવાળી પછી તો લેબગ્રોન ડાયમંડ એકધારું ચાલી રહ્યું છે. ભાવોમાં પણ ખાસ્સો સુધારો છે. ગયા વર્ષની સરખામણીએ તો લગભગ 4 ગણો બિઝનેસ વધી ગયો છે.

નેચરલ ડાયમંડ અત્યારે સ્લો છે અને ખાસ કરીને જાડા હીરાનું કામ ઓછું છે તેની સામે અત્યારે 70 ટકા કારખાનાઓમાં CVDનું પ્રોડકશન થઇ રહ્યું છે. લેબગ્રોન ડાયમંડને કારણે રત્નકલાકારો મોટી મુશ્કેલીમાંથી બચી ગયા છે, કારણ કે નેચરલ ડાયમંડની મંદીને કારણે તેમને જે કામ મળતું બંધ થયું હતું તે લેબગ્રોન ડાયમંડને કારણે મળતું થયું છે.

હવે ભારતના દરેક શહેરોમાંથી લેબગ્રોન ડાયમડની ઇન્કવાયરીઓ આવી રહી છે : દિનેશ જીવાણી

યુનિક્રોન ડાયમંડના દિનેશ જીવાણીએ પણ કહ્યું કે, દિવાળી પછી લેબગ્રોન ડાયમંડ ઘણું સારું રહ્યું છે. પ્રોડકશન અને પ્રાઇસ બંને દ્રષ્ટિએ લેબગ્રોનમાં ઉછાળો છે. જ્વેલરી માર્કેટમાં લેબગ્રોન ડાયમંડની એટલી બધી ડિમાન્ડ વધી છે કે હવે ભારતના દરેક શહેરોમાંથી ઇન્કવાયરીઓ આવી રહી છે. લેબગ્રોન ડાયમંડ એફોર્ડેબલ તરીકે લોકો હવે સમજતા થયા છે અને એટલે જ્વેલરીમાં પણ ડિમાન્ડ છે. લેબગ્રોન ડાયમંડ સાથે મોટો વર્ગ એડજસ્ટ થઇ ગયો છે.

લોકો હવે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી તરફ કન્વર્ટ થયા છે એટલે ડિમાન્ડ વધી છે : જયેશ લાઠીયા

N J જેમ્સના જયેશ લાઠિયાએ કહ્યું કે, અત્યારે નેચરલ ડાયમંડની સરખામણીએ લેબગ્રોન ડાયમંડનું માર્કેટ ઘણું સારું છે એમ કહી શકાય. લેબગ્રોનમાં પોલિશ્ડ ડાયમંડના ભાવ પણ સારા મળી રહ્યા છે. લાઠીયાએ કહ્યું કે, લેબગ્રોન ડાયમંડની તેજીને કારણે મોટા પાયે રત્નકલાકારો સચવાઇ ગયા છે.

લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ અત્યારે રત્નકલાકારોને મોટી રોજગારી પુરી પાડવાનું કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે લેબગ્રોન ડાયમંડમાં સુધારો થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે લોકો હવે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી તરફ કન્વર્ટ થયા છે.

લોકોને હવે ખબર પડવા માંડી છે કે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડમાં મોટો ફરક નથી. તેની સામે લેબગ્રોન ડાયમંડની જ્વેલરી લોકોના ગજવાને પોષાય તેવી હોય છે. આને કારણે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ ખૂબ વધી છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS