DIAMOND CITY NEWS, SURAT
વિશ્વનું સૌથી મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ સુરત ડાયમંડ બુર્સનું સુરતમાં ગઈ તા. 17મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ સાથે જ વૈશ્વિક હીરા ઉદ્યોગના નકશા પર સુરતની અલગ ઓળખ પ્રસ્થાપિત થઈ. છેલ્લાં સાત દાયકાથી સુરત માત્ર ને માત્ર હીરાની મજૂરી માટે જાણીતું હતું.
આમ તો એવું કહેવાતું કે વિશ્વમાં વપરાશમાં લેવાતા 13માંથી 12 હીરાનો ચળકાટ સુરતને આભારી છે. તેથી જ ખૂબ જ માન અને સન્માનથી વિશ્વમાં સુરત ડાયમંડ સિટી તરીકે પણ ઓળખાતું. જોકે ક્યાંકને ક્યાંક સુરતની ઓળખ માત્ર ને માત્ર મજૂરી હતી. હીરાની લેવડ દેવડનો મુખ્ય વેપાર મુંબઈ, એન્ટવર્પમાં થતો.
છેલ્લાં કેટલાંક વર્ષોથી આ વેપાર દુબઈ તરફ શિફ્ટ થયો છે. એટલે ભલે રફ ખરબડચા પત્થર જેવા હીરાને તેનો સુંદર ઘાટ અને તેજસ્વી ચળકાટ સુરતના રત્નકલાકારોને લીધે મળતો હોય પરંતુ તેની કિંમત તો મુંબઈ, એન્ટવર્પ અને દુબઈમાં બેઠેલાં શેઠિયા જ નક્કી કરતા. તેથી જ આ દેશો અને શહેરોના વેપારીઓનો આ ઉદ્યોગમાં હાથ ઉપર રહેતો.
વળી, દરેક શહેરમાં કેટલાંક જૂથો બન્યા હોય. તેનો દબદબો હોય. તેઓનું વર્ચસ્વ હોય. તેવું જ હીરાઉદ્યોગમાં બન્યું. મુંબઈમાં પાલનપુરી જૈનોનું પ્રભુત્વ એટલે તેઓની શરતો પર વેપાર થતો. બીજું મુંબઈ મોટું શહેર એટલે ત્યાં અન્ય પણ અનેક તકલીફોનો સામનો કરવો પડતો. તેથી સૌરાષ્ટ્ર છોડી હીરાના વેપાર માટે સુરત અને બાદમાં મુંબઈમાં શિફ્ટ થયેલા સૌરાષ્ટ્રીયન હીરાના વેપારીઓએ એવો વિચાર આવ્યો કે સુરતને જ વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ બનાવીએ.
આ વિચારને કટેલાંક ખંતીલા અને બાહોશ સુરત શહેર માટે કશુંક કરી છૂટવાની ઈચ્છા ધરાવતા હીરાના ઉદ્યોગકારોએ પોતાની મહેનત, હોંશિયારી અને ચતુરાઈથી સાકાર કર્યું. 4600 વેપારીઓને સાથે રાખી સુરતના ખજોદ ખાતે આવેલા ડ્રીમ સિટી વિસ્તારમાં વિશ્વનું સૌથી મોટું સુરત ડાયમંડ બુર્સ ઊભું કરી દીધું. ધામધૂમથી વડાપ્રધાને આ બુર્સનું ઉદ્દઘાટન કર્યું. બુર્સની ખાસિયતોથી આખું વિશ્વ અંજાઈ ગયું.
દેશ વિદેશના વેપારીઓ સુરત આવી હીરાનો વેપાર કરવા આતુર બન્યા, પરંતુ જેમ દરેક શુભ કાર્યોમાં વિઘ્ન આવે તેવું સુરત ડાયમંડ બુર્સ સાથે પણ બન્યું. મુંબઈ છોડી સુરતમાં હીરાનો વેપાર શિફ્ટ કરવાના પ્રચારે એટલો વેગ પકડ્યો કે રીતસરના સુરત અને મુંબઈના હીરાના વેપારીઓના બે ફાંટા પડી ગયા. બંને જૂથો સામસામે આવી ગયા અને અપપ્રચાર કરવા લાગ્યા. મુંબઈ અને સુરતના વેપારીઓ વચ્ચેની આ ખટાશ છુપી રહી નહીં.
સુરત આગળ નીકળી જશે તેવો ડર મુંબઈના ઉદ્યોગકારોની સાથે મહારાષ્ટ્રની સરકારના મનમાં પણ જાગ્યો. પરિણામે મહારાષ્ટ્ર સરકારે મુંબઈના ઉદ્યોગકારોને છુટ્ટા હાથથી જમીન ફાળવવા માંડી. તેથી વધુમાં વધુ હીરા ઝવેરાતનો વેપાર મુંબઈમાં જ રહે. આ તરફ મોટું બિલ્ડિંગ બનાવી દીધું પરંતુ કાંઈ રાતોરાત સુરત ડાયમંડ બુર્સમાં હીરાનો વેપાર શરૂ થઈ ગયો નહીં.
બુર્સનું ઉદ્દઘાટન થયાને ચાર મહિના વીતી ગયા બાદ સુરત ડાયમંડ બુર્સ વેપારના બદલે વિવાદોમાં રહ્યું. પહેલાં તો સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય કરનાર કંપની એ બુર્સની કમિટી વિરુદ્ધ પેમેન્ટ માટે કોર્ટમાં કેસ કર્યો. ત્યાર બાદ કમિટીના પ્રમુખે રાજીનામું આપ્યું. ચૅરમૅન વલ્લભ લાખાણી બધો વેપાર સમેટી મુંબઈ છોડીને સુરત આવ્યા, તેમણે પણ પીછેહઠ કરવી પડી. મુંબઈમાં ફરી ઓફિસો ખોલવી પડી. ચૅરમૅન પદેથી રાજીનામું આપ્યું.
આમ, જે 20-25 હીરા ઉદ્યોગકારોએ વીતેલા સાત વર્ષમાં ખંતપૂર્વક રાત દિવસ મહેનત કરીને સુરત ડાયમંડ બુર્સ ઊભું કર્યું તે જ 20-25 લોકો હવે વહીવટ કરી શકતા નહીં હોવાનું ચિત્ર ઉપસ્યું. સુરત ડાયમંડ બુર્સની નિષ્ફળતાની વાતો થવા લાગી. સુરતમાં ક્યારેય હીરાનો વેપાર શિફ્ટ નહીં થાય તેવા ટોણાં સંભળાવા લાગ્યા. પરંતુ લોકોએ ભૂલી ગયા કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં વિઘ્નો આવે છે. સફળતા સરળતાથી મળતી નથી. પડકારોનો, મુશ્કેલીઓનો સામનો કરવો જ પડે છે. આમેય શરૂઆતમાં તકલીફોનો સામનો કરવો સારો છે. જેથી સફળતાના પથ પર લાંબી મજલ કાપવા માટેની તૈયારી કરી શકાય.
સુરત ડાયમંડ બુર્સ વિશે અપ્રિય ટિપ્પણી કરનારાઓએ એ ભૂલવું ન જોઈએ કે મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ બન્યું ત્યારે તેની સફળતા વિશે પણ શંકાઓ કરવામાં આવી હતી. મુંબઈનું ઝવેરી બજાર છોડી જવા કોઈ વેપારી તૈયાર નહોતા. કેટલાંક વર્ષો સુધી ભારત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ થઈ શકી નહોતી. અનેક પ્રલોભનો વેપારીઓને આપવા પડ્યા હતા. અને હવે જુઓ ભારત ડાયમંડ બુર્સની સફળતાએ મુંબઈના ઝવેરી બજારને ભૂલાવી દીધું છે.
મુંબઈમાં હીરાના વેપારનું મુખ્ય કેન્દ્ર હવે બીડીબી, બીકેસી બની ગયા છે. થોડી ધીરજ રાખો. સુરત ડાયમંડ બુર્સ પણ સફળ થશે. સમય લાગશે પરંતુ સુરતના હીરા ઉદ્યોગકારો સાચા રસ્તા પર છે. અને એ વાતની સાબિતી સુરત ડાયમંડ બુર્સની કમિટીએ હીરા ઉદ્યોગના સન્માનીય વ્યક્તિ ગોવિંદ ધોળકીયાને સુકાન સોંપીને આપી દીધી છે.
ગોવિંદકાકા ઉર્ફે ભામાશા એવા અનેક નામોથી જાણીતા ગોવિંદભાઈ ધોળકીયાએ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી લીધી છે અને ગોવિંદકાકાનો સફળતાનો રેશિયો 100 ટકા છે, તે વાત સૌ કોઈ જાણે છે. વળી, તેઓ સમસ્યાના મૂળને સમજે છે અને યોગ્ય રણનીતિ બનાવી આગળ વધે છે. સુરત ડાયમંડ બુર્સના ચૅરમૅન બનતા વેંત જ તેઓએ આ કામગીરી શરૂ કરી દીધી. સુરત ડાયમંડ બુર્સ બન્યું ત્યાર બાદ તેની ઇમેજ એવી બની હતી કે, બુર્સ મોટા વેપારીઓ માટે છે. એટલે મહીધરપુરા, મીનીબજાર, ચોક્સીબજારના નાના વેપારી અને દલાલો તેનાથી દૂર રહ્યાં.
ચોક્કસપણે બુર્સની ઓફિસોની કિંમત વધુ જ હતી. તેથી તેમાં નાના વેપારી કે દલાલોને ઓફિસ રાખવી પોષાય તેમ નહોતી. પરિણામે બન્યું એવું કે નાના વેપારી, દલાલો બુર્સમાં જવામાં રસ બતાવ્યો નહીં. વળી, મહીધરપુરા, મીનીબજારના હીરાના વેપારી, દલાલોને 10-12 કિલોમીટર દૂર ધક્કા ખાવા પોષાય તેમ નહોતા. સરસાણા માટે પબ્લીક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ નથી. હીરાનું જોખમ લઈ મહીધરપુરા કે મીનીબજારથી સરસાણા જવું સુરક્ષિત પણ નહીં હોય.
આવા તો અનેક પ્રશ્નો નાના વેપારી અને દલાલો સામે ઊભા હતા. દલાલ કે નાના વેપારી વિના હીરાનો વેપાર શક્ય જ નથી. નાના બુર્સમાં નહીં જાય તો મોટા વેપાર કરી શકે નહીં તે હીરા ઉદ્યોગની હકીકત છે. તેથી નાના વિના મોટાએ પણ બુર્સમાં જવાનું ટાળ્યું. તેઓ સ્થિતિ પર નજર રાખી. વેઈટ એન્ટ વોચનું વલણ અપનાવ્યું. પરિણામ એ આવ્યું કે ચાર જ મહિનામાં સુરત ડાયમંડ બુર્સ નિષ્ફળ થયું તેવી વાતો થવા લાગી. પરંતુ ગોવિંદ ધોળકીયાએ ચેરમેન પદ સંભાળતાની સાથે જ નાના વેપારી અને દલાલો તરફ રૂખ કર્યો. હીરાના વેપારની નાડ પારખતા ગોવિંદભાઈ ધોળકીયાએ સૌથી પહેલાં નાના વેપારી અને દલાલોનો સહકાર માંગવા પહોંચ્યા છે.
સુરત ડાયમંડ બુર્સ વિશે અપ્રિય ટિપ્પણી કરનારાઓએ એ ભૂલવું ન જોઈએ કે મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ બન્યું
ત્યારે તેની સફળતા વિશે પણ શંકાઓ કરવામાં આવી હતી. મુંબઈનું ઝવેરી બજાર છોડી જવા કોઈ વેપારી તૈયાર નહોતા. કેટલાંક વર્ષો સુધી ભારત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ થઈ શકી નહોતી. અનેક પ્રલોભનો વેપારીઓને આપવા પડ્યા હતા અને હવે જુઓ ભારત ડાયમંડ બુર્સની સફળતાએ મુંબઈના ઝવેરી બજારને ભૂલાવી દીધું છે. મુંબઈમાં હીરાના વેપારનું મુખ્ય કેન્દ્ર હવે બીડીબી, બીકેસી બની ગયા છે. થોડી ધીરજ રાખો. સુરત ડાયમંડ બુર્સ પણ સફળ થશે…
ગોવિંદભાઈ ધોળકિયા અને અરવિંદભાઈ શાહ (ધાનેરા ડાયમંડ)એ SDBમાં ઓફિસો ખરીદનાર હીરા વેપારીઓને બુર્સમાં ફરી ખેંચી લાવવા એકડેએકથી પ્રયાસો શરૂ કર્યા છે. સુરતના મોટા ગજાના હીરા ઉદ્યોગકારો અને બુર્સની કોર કમિટીના આગેવાનો લાલજીભાઈ ટી. પટેલ, નાગજીભાઈ સાકરિયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, અશેષ દોશી ગુરુવારે મહિધરપુરા જદાખાડીમાં આવેલા ડાયમંડ વિલેજ બિલ્ડિંગના પાર્કિંગમાં હીરા વેપારીઓને ઓફિસ શરૂ કરવા સમજાવવા પહોંચ્યા હતા. SDBના વાઈસ ચૅરમૅન લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરવા માટે મહિધરપુરા હીરા બજારનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય એ માટે ગુરુવારે તા. 4/4/2024ના રોજ સાંજે 4:30 કલાકે મહિધરપુરા હીરા માર્કેટ (મોટી બજાર)માં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં મહિધરપુરા હીરા બજારના મોટા વેપારીઓ, હીરા દલાલ અને નાના વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરત ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય એ માટેનો જબરદસ્ત પ્રતિસાદ વેપારી ભાઈઓ પાસેથી મળ્યો હતો. અને સૌએ સાથે મળી એક જ અવાજે જૂન-2024માં માર્કેટ શરૂ કરવાની બાંયધરી આપી હતી.
આ મીટિંગમાં સુરત ડાયમંડ બુર્સની કમિટી તરફથી ચૅરમૅન ગોવિંદભાઇ ધોળકિયા, વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ, પ્રેસિડેન્ટ અરવિંદભાઈ શાહ (અજબાણી), પદ્મશ્રી મથુરભાઈ સવાણી, વાઈસ પ્રેસિડેન્ટ નાગજીભાઈ સાકરિયા, વાઇસ પ્રેસિડેન્ટ અશેષભાઈ દોશી હાજર રહ્યા હતા.
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, બધાએ મળીને જેમ મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ (BDB)નો વિકાસ કર્યો એમ સુરત ડાયમંડ બુર્સનો વિકાસ કરીશું. અમે SDBમાં જઈ રહ્યા છીએ. સાથે તમને પણ લઈ જવા આવ્યા છીએ. અહીં 15 થી 20 લોકોનું જે ગ્રુપ પતલાનું કામ કરે, કોઈ 20 જણનું ગ્રુપ ચોકીનું કામ કરે એ ભેગા મળી એસડીબીમાં આવે. નાના બ્રોકરની ઓફિસ હોય ત્યાં અવરજવર થાય તો એક પોઝિટિવ માહોલ બનશે. જેમ અહીં વેપાર કરો એમ બુર્સમાં કરો તો લાંબાગાળે લાભ થશે. SDBની કોર કમિટીના સભ્ય પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, ક્યાં સુધી પાર્કિંગમાં બેસી મીટિંગ્સ કરીશું. કોઈ બાયર મુંબઈ થી સુરત આવે તો અહીં મહિધરપુરામાં ક્યાં બેસાડીએ. અહીં કેબિનમાં જગ્યા જ નથી. મિનીબજાર થી લઈ મુંબઈના હીરા બજારના લોકો સુરત બુર્સમાં આવવા માંગે છે. જેમ અહીં વેપાર કરો એમ વહેલી તકે બુર્સમાં કરો. દેશ-દુનિયામાંથી જે સુરત આવે છે, એ સુરત ડાયમંડ બુર્સનું ભવ્ય બિલ્ડિંગ અને સુવિધાઓ જોવા માંગે છે. આ બુર્સ કોઈ બે પાંચ લોકોએ નહીં 4500 વેપારીએ બનાવ્યું છે.
આમ, મોટા ગજાના હીરા ઉદ્યોગકારોના આ પ્રયાસોના પગલે ધીમે ધીમે હવે સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યાં છે, જે ચોક્કસપણે એક દિવસ સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરશે તેમાં કોઈ શંકા નથી. આમ, પણ જેના સારથિ સ્વયં ‘ગોવિંદ’ હોય તેની જીત તો નક્કી જ હોય છે!
સુરત ડાયમંડ બુર્સ વિશે અપ્રિય ટિપ્પણી કરનારાઓએ એ ભૂલવું ન જોઈએ કે મુંબઈમાં ભારત ડાયમંડ બુર્સ બન્યું ત્યારે તેની સફળતા વિશે પણ શંકાઓ કરવામાં આવી હતી. મુંબઈનું ઝવેરી બજાર છોડી જવા કોઈ વેપારી તૈયાર નહોતા. કેટલાંક વર્ષો સુધી ભારત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ થઈ શકી નહોતી. અનેક પ્રલોભનો વેપારીઓને આપવા પડ્યા હતા અને હવે જુઓ ભારત ડાયમંડ બુર્સની સફળતાએ મુંબઈના ઝવેરી બજારને ભૂલાવી દીધું છે. મુંબઈમાં હીરાના વેપારનું મુખ્ય કેન્દ્ર હવે બીડીબી, બીકેસી બની ગયા છે. થોડી ધીરજ રાખો. સુરત ડાયમંડ બુર્સ પણ સફળ થશે…
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp Channel