અમે હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને સવાલ પુછ્યો હતો કે મે મહિનામાં હીરાઉદ્યોગમાં માહોલ કેવો રહ્યો અને હવે જૂનમહિનામાં બજારમાં શું અપેક્ષા લાગી રહી છે?
ઉદ્યોગના લોકો સાથે થયેલી વાતમાંથી એક સાર નિકળ્યો કે બજારમાં ભલે અત્યારે વેકેશનનો માહોલ છે, પરંતુ થોડો થોડો સુધારો દેખાઇ રહ્યો છે. જૂન મહિનામા બજાર સુધરવાની મોટાભાગના વેપારીઓ ધારણાં રાખી રહ્યા છે.
જેમ એન્ડ જવેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJPEC)ના તાજેતરના ડેટા મુજબ ભારતની પોલિશ્ડ-હીરાની નિકાસ એપ્રિલમાં વાર્ષિક ધોરણે 3% ઘટી હતી, જ્યારે રફ આયાત 23% ઘટી હતી. હીરાબજાર સાથે સંકળાયેલા લોકોને આશા છે કે આગામી લાસ વેગાસ શોના ડિમાન્ડ પરથી ખબર પડશે કે માર્કેટ કઇ તરફ જશે.
મોટાભાગના હીરાના વેપારીઓ પાસેથી જાણવા મળ્યું કે મે મહિનામાં બજારમાં વેકેશન જેવો માહોલ હતો, હજુ પણ છે, પરંતુ તેને કારણે પોલીશ્ડ ડાયમંડમાં મૂવમેન્ટ જોવા મળી. જે પોલિશ્ડ ડાયમંડ જે ભાવથી મંગાતા હતા તેમાં ગેપ ઓછો થયો છે. અત્યારે રફ ડાયમંડની શોર્ટેજ છે એટલે બજારમાં થોડા હાશકારો જોવા મળી રહ્યો છે, પરતું જો રફ ફરી મોટા પાયે ઠલવાશે તો બજાર ફરી નીચું જઇ શકે એવી પણ એક વર્ગની ધારણાં છે.
રફના ભાવ ઉંચા છે, પોલીશ્ડના નીચા છે, બેલેન્સ જળવાતું નથી : પ્રકાશ ડાંખરા
ડાખરા બ્રધર્સના પ્રકાશભાઇ ડાંખરાએ કહ્યું હતું કે રફના ભાવ ઉંચા છે અને પોલીશ્ડ ડાયમંડના ભાવ નીચા છે એટલે બજારમાં બેલેન્સ જળવાતું નથી. પ્રકાશભાઇએ કહ્યું કે હીરાબજારમાં હજુ પણ વેકેશન જેવો જ માહોલ છે. લગભગ 25 ટકા જેટલાં કારખાનાઓ બંધ છે. રશિયા પર પ્રતિબંધને કારણે રફ ડાયમંડના ભાવ ઉંચા છે. જો અમેરિકા રશિયા પરનો પ્રતિબંધ ઉઠાવી લે તો રફની શોર્ટેજ ઓછી થાય અને ભાવ પણ નીચા આવી શકે.
હીરાઉદ્યોગમાં વેકેશનને કારણે ડાયની ડિમાન્ડ 50 ટકા ઘટી : અરવિંદ પટેલ
દાસારામ ડાયના અરવિંદભાઇ પટેલે કહ્યુ હતુ કે, મારો ડાયનો બિઝનેસ છે અને હીરાઉદ્યોગમાં વેકેશન ચાલી રહ્યું હોવાથી ડાયના બિઝનેસમાં 50 ટકા જેટલો ઘટાડો આવી ગયો છે. હવે લાગી રહ્યું છે કે કદાચ દશેક દિવસમાં હીરાઉદ્યોગ યથાવત થાય તો ફરી પાછી 25 ટકા જેટલી ડિમાન્ડ વધશે.
રફનો પુરવઠો મર્યાદિત રહેશે તો બજાર જળવાઇ રહેશે : રાજેશ પાંડવ
દેવ ધ્રુ ઇમ્પેક્સના સંચાલક અને ગણેશ આકારના રફ ડાયમંડ માટે જાણીતા રાજેશભાઇ પાંડવે કહ્યુ કે બજાર થોડું થોડું રાબેતા મુજબ થવા માંડ્યું છે. સાઇટ હોલ્ડર્સ મર્યાદિત રફ ડાયમંડનો પુરવઠો આપશે પોલિશ્ડ ડાયમંડ માર્કેટની સ્થિતિ પણ જળવાયેલી રહેશે. અત્યારે એટલું સારું છે કે પોલીશ્ડ ડાયમંડના ભાવમાં જે ગેપ હતો તે ઓછો થયો છે.
રફના ભાવ પહેલાં કરતા થોડા નીચા આવ્યા છે : સાગર નાવડીયા
Rama Diamના સાગર નાવડીયાએ કહ્યું હતું કે રફના ભાવો પહેલાંની સરખામણીએ 5થી 10 ટકા જેટલા નીચા આવ્યા છે. જેને કારણે પોલીશ્ડ ડાયમંડમાં જે માલ નીચા ભાવે માંગવામાં આવતો હતો તેનો ગેપ ઘટયો છે. સુરતના હીરાઉદ્યોગમાં રશિયાના રફ ડાયમંડ 35 ટકા જેટલા આવે છે. અત્યારે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે અમેરિકાએ રશિયાની અલરોઝ ડાયમંડ કંપની પર પ્રતિબંધ મુકેલો છે એટલે રફના ભાવ થોડા ઉંચા હતા. સાગરભાઇએ કહ્યુ કે પોલીશ્ડ ડાયમંડનું બજાર થોડું ઉપર આવે તેવી ધારણાં છે.
પ્રોડકશન ઓછું છે એટલે પોલીશ્ડ ડાયમંડ બજારમાં સુધારો છે : જયેશભાઇ મહેતા
ડિઝાઇનર્સ ડાયમંડના જયેશભાઇ મહેતાએ કહ્યું હતું કે હીરાઉદ્યોગમાં વેકેશનને કારણે પ્રોડકશન ઓછું છે જેને કારણે પોલીશ્ડ ડાયમંડના માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે. જો રફની આવક વધશે તો તૈયાર હીરાના માર્કેટમાં ઘટાડો આવી શકે.
જૂન મહિનામાં બજારમાં મૂવમેન્ટ આવશે એવું લાગે છે : અમિત પટેલ
એ. અમિત જેમ્સના અમિત પટેલે કહ્યું હતુ કે મે મહિનામાં વેકેશનનો માહોલ હતો અને તેમાં બજારમાં સુધારો જોવા મળ્યો હતો. રફની શોર્ટેજ છે. એવું લાગી રહ્યું છે કે જૂન મહિનામાં હીરાબજારમાં મૂવમેન્ટ આવી શકે છે.
સુરતનું માર્કેટ ગરમ છે, પરંતુ હજુ મુંબઇનું માર્કેટ ગરમ થયું નથી : કે પી પટેલ
દામોદર ઇમ્પેક્સના કે પી પટેલે કહ્યું હતુ કે આમ તો હજુ પણ હીરાઉદ્યોગમાં વેકેશન જેવો જ માહોલ છે, જેને કારણે પ્રોડકશન ઓછું છે. એનો ફાયદો એ થયો છે કે પોલિશ્ડ પહેલાં જે ભાવે માંગવામાં આવતું હતુ તેનો ગેપ ઘટયો છે. દા.ત. જે તૈયાર હીરા પહેલા 5,000 નીચા ભાવે માંગવામાં આવતા હતા તેમાં હવે 2,500 થી 3,000 નીચા ભાવે માંગવામાં આવે છે. સુરત અને મુંબઇનું બજાર આમ એક રીતે સંકળાયેલું છે, પરંતુ સુરતનું હીરાબજાર ગરમ છે અને મુંબઇનું બજાર હજુ ગરમ થયું નથી. લગભગ દશેક દિવસમાં મુંબઇનું હીરાબજાર પણ ગરમ થશે. કે પી પટેલે કહ્યું કે પતલી સાઇઝના ડાયમંડની શાંઘાઇ, ગોન્ઝાઉ જેવા ચીનના શહેરોમાં ડિમાન્ડ રહેતી હોય છે, પરંતુ ત્યાં કોરોનાના કેસ વધવાને કારણે લોકડાઉ છે એટલે પતલાં હીરા, સ્ટાર, મીની મેલે જેવા ડાયમંડનું બજાર ઠપ્પ થઇ ગયું છે. પરંતુ એવું જાણવા મળ્યું છે કે 1લી જૂનથી ત્યાં લોકડાઉન ખુલી જશે, તો ફરી પતલાં ડાયમંડની ડિમાન્ડ રહેશે એવું લાગે છે.
ઉદ્યોગની પ્રતિક્રિયા આપને કેવી લાગી?
તમારો ઓપિનિયન અમારા માટે મૂલ્યવાન છે.
તમારાં અભિપ્રાયો કે સૂચનો [email protected] પર શૅર કરજો.