DIAMOND CITY NEWS, SURAT
- ‘મોદી સરનેમ’ વિવાદમાં પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસની ઊંઘ હરામ કરી નાંખી છે.
- ભાજપ સાથે 39 વર્ષનો સંગાથ છે અને જમીની સ્તર સાથે જોડાયેલા નેતા છે.
- નાનપણથી માતાને મહેનત કરતા જોયા હતા એટલે મહેનત એમના લોહીમાં બાળપણથી જ વણાઇ ગયેલી છે.
- 1984થી ભાજપના ફૂલ ટાઈમ કાર્યકર, 24×7 જનસેવા માટે તત્પર…
જેમને કારણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું સંસદ પદ છીનવાઇ ગયું, જેમને કારણે કોંગ્રેસના નેતાઓ દોડતા થઇ ગયા અને જેમને કારણે કોંગ્રેસે રસ્તા પર ઉતરવું પડ્યું તેવા ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીનું નામ અત્યારે દેશભરમાં ચર્ચામાં છે. આ તો એક રાજકારણની વાત છે, પરંતુ પૂર્ણેશ મોદીનું જીવન ફુલ ઓફ રોઝીસ જેવું નથી રહ્યું,અનેક કાંટાળા પથરાવો તેમણે પાર કર્યા છે. રાજકારણી હોય એટલે બધા ભ્રષ્ટાચારી હોય, જુઠાડા હોય, એવું બધા કિસ્સામાં હોતું નથી. કેટલાંક રાજકારણીઓ એવા પણ હોય છે, જેમણે આખી જિંદગી પાર્ટી માટે ઘસી નાંખી હોય, જેમણે રાત દિવસ જોયા વગર માત્ર પાર્ટીને ઊંચે લઇ જવામાં પુરુષાર્થ કર્યો, જેમણે ક્યારેય સત્તાની ખેવના ન હોય, પરંતુ પાર્ટીની વિચારધારા પર જ ચાલવાની નેમ હોય. આવા જ એક નેતાનું નામ છે પૂર્ણેશ મોદી. પૂર્ણેશ મોદીને અમે કામ કરતા જોયા છે, તેમની પ્રમાણિકતા જોઇ છે, તેમને ક્યારેય લોકોને ગોળ ગોળ ફેરવતા જોયા નથી. સાચા ને સાચું કહેવાની તાકાત ધરાવે છે અને એટલે જ ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની ‘વ્યક્તિ વિશેષ’ કોલમમાં આ વખતે પૂર્ણેશ મોદીની જીવન કથની વિશે તમને જણાવીશું. પણ એ પહેલા રાહુલ ગાંધીના માનહાનિ કેસ વિશે વાત કરી લઇએ….
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જીવન જે રીતે સંઘર્ષોથી ભરેલું હતું તેવું જ કંઇક પૂર્ણેશ મોદીનું પણ જીવન રહ્યું છે. PM મોદીનું બાળપણ ગરીબીમાં વીત્યું તેમ પૂર્ણેશભાઇનું પણ નાનપણ ગરીબાઇમાં વિત્યું હતું. PM મોદીએ સ્ટેશન પર ચા વેંચી હતી તો પૂર્ણેશભાઇએ નાનપણથી સુરતની સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ચા વેંચી હતી. તેમના પિતા સિવિલમાં કેન્ટીન ચલાવતાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતાનું હીરાબા હતું અને તેમણે પણ તેમની જિંદગીમાં ખૂબ મહેનત કરી હતી, તો પૂર્ણેશ મોદીના માતાનું નામ હસુમતીબેન હતું. તેમની માતા પૂર્ણેશભાઇ સહિત 4 દીકરા અને એક દીકરીના પરવરિશ માટે તેઓ પાપડ જાતે બનાવીને વેચતા. રોજના 25 થી 30 કિલો પાપડ બનાવવા એ ખાવાના ખેલ નહોતા, પરંતુ હસુમતી બહેન થાકતા નહોતા.
પૂર્ણેશભાઇની શરૂઆતથી વાત કરીએ તો તેમનો જન્મ 22 ઓક્ટોબર 1965ના દિવસે સુરતમાં થયો હતો. તેમનો પરિવાર સૈયદપરા વિસ્તારમાં રહેતો હતો, પરંતુ 1966માં તેમનો પરિવાર ઉમરા ગામમાં રહેવા ગયો. માત્ર 3-4 વર્ષની ઉંમરમાં જ પૂર્ણેશ મોદી ઉમરા ગામમાં નદી કિનારે ખૂંટા મારવાનું પણ કામ કરતા. તેમનું 1 થી 3 ધોરણ તો સિવિલની કેન્ટીનમાં જ વિત્યું. 9 વર્ષની ઉંમરે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આટલી નાની ઉંમરે પણ તેમને એટલી સમજ હતી કે પરિવારને આર્થિક મદદની જરૂર છે. એ પછી પૂર્ણેશભાઇ 4 ધોરણથી ઉધનામાં કાકાને ઘરે રહેવા ગયા હતા અને ત્યાં 4 થી 7 નજીકની સ્કૂલમાં ભણ્યા. તે વખતે તો વિદ્યાર્થીઓને ઝાડ નીચે ભણવું પડતું. કાકાની પ્લાસ્ટિકની ફેક્ટરી હતી.
પૂર્ણેશભાઇએ નક્કી કરેલું કે ભણવાનો ખર્ચો જાતે જ કાઢવો, પરિવાર પર બોજ નાંખવો નહી. તેમના કાકાની પ્લાસ્ટિકની ફેક્ટરી હતી અને પૂર્ણેશભાઇ ફેક્ટરીનું બેંક, એલઆઇસી, જકાત, રેલવે એવું બધું કામ કરતા. બપોરે 12 વાગ્યા થી રાત્રે 12 વાગ્યા સુધી કાકાની ફેક્ટરીમાં કામ કરતા. આ સમયમાં તેમને ખાસ્સો અનુભવ મળ્યો. એ પછી 8માં ધોરણથી ગોપીપરા વિસ્તારમાં આવેલી એન.જી. ઝવેરી જૈન સ્કૂલમાં ભણ્યા. 8મા ધોરણથી તેમણે ઇન્કમટેક્સ પ્રેક્ટીશનર પી.કે. દલાલની ઓફીસમાં કામ શરૂ કર્યું અને 12મા ધોરણ પછી તેઓ ઇન્કમટેક્સના કેસ ચલાવતાં થઇ ગયા હતા. એ જમાનામાં ઇન્કમટેક્સ માટે દર મહિને અનેક ફૉર્મ ભરવાના આવતા અને આ બધામાં તેઓ નિષ્ણાત થઇ ગયા હતા. શાળા પણ જતા અને સવાર સાંજ ઓફિસનું પણ કામ કરતા.
રાજકારણમાં જવાનો તો ક્યારેય સપનામાં પણ વિચાર નહોતો કર્યો
આમ તો 10મા ધોરણથી પૂર્ણેશભાઇએ ઇન્કમટેક્સમાં જ વકીલ બનવાનું વિચારેલું, રાજકારણમાં જવાનું તો સપનેય પણ વિચાર્યું નહોતું. 1984માં ઇંદિરા ગાંધીની હત્યા થઇ હતી અને સોનિફળિયામાં ડો. મુખરજીના ઘરે ટીવી જોતા હતા. તે વખતે દેશના પ્રધાનમંત્રી તરીકે રાજીવ ગાંધીની પસંદગી થઇ હતી. પૂર્ણેશભાઇએ ટીવી જોવા બેઠેલાં લોકો સાથે ડિબેટ કરી કે આ તો ખોટું છે, આતો પરિવારવાદ કહેવાય. બીજા કોઈને પ્રધાનમંત્રી બનાવવા જોઈતા હતા, જ્યારે રાજીવ ગાંધીને કોઇ અનુભવ નહોતો. બીજા પક્ષના લોકો રાજીવ ગાંધીની તરફેણ કરતા હતા. એ સમયગાળા દરમિયાન ભાજપના નેતા અરવિંદ ગોદીવાલા વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરવા આવ્યા હતા. એ વખતે પૂર્ણેશભાઇ સોનિફળિયામાં રહેતા હતા. પૂર્ણેશભાઇએ કહ્યું કે એ ડિબેટનો જવાબ આપવા માટે રાજકારણમાં જોડાયો એ સમય હતો 1984નો, ગોદીવાલાના પ્રચાર પછી પૂર્ણેશભાઇ ભાજપમાં 24×7 જોડાઈ ગયા અને તે વખતે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી. આ રીતે તેમની રાજકારણની શરૂઆત થઇ. આજે ભાજપમાં જોડાયાને 39 વર્ષ થઇ ગયા. પાર્ટી માટે એમણે પોતાની જાત ઘસી નાંખી છે.
રાહુલ ગાંધીના માનહાનિ કેસ વિશેની વાત…
વર્ષ 2019માં કર્ણાટકમાં લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક જાહેર સભાના સંબોધનમાં કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી કેમ હોય છે? રાહુલ ગાંધીના નિવેદન પછી ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ દેશમાં પહેલીવાર રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો. પૂર્ણેશભાઇએ કહ્યું કે, જ્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ વિશે નિવેદન આપ્યું ત્યારે અમારા સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણાને અંતે નક્કી થયું કે રાહુલે સમાજનું અપમાન કર્યું છે. એ પછી અમે બધા પુરાવા ભેગા કર્યા, એક વિટનેસ વીડિયો રેકોર્ડિંગ બધું અમારી પાસે હતું અને પછી રાહુલની સામે સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. 23 માર્ચે 2023ના દિવસે કોર્ટે રાહુલને દોષિત માન્યા અને તેમને 2 વર્ષની સજા સંભળાવી હતી એના બીજા દિવસે તેમનું સાંસદ પદ પણ છીનવાઇ ગયું. પૂર્ણેશ મોદીના કેસ કર્યા પછી બિહારમાં ભાજપના નેતા સુશીલ મોદી અને રાંચીના એક એડવોકેટે પણ મોદી સરનેમ વિશે માનહાનીનો કેસ કર્યો છે. રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. જેનો 20 એપ્રિલે ચુકાદો આવ્યો અને નીચલી અદાલતના ચુકાદાને સેશન્સ કોર્ટે યથાવત રાખીને રાહુલ ગાંધીની અપીલ રદ કરી હતી.
પૂર્ણેશભાઇ રાજકારણમાં વ્યસ્ત હતા તો પત્ની બીના બહેને પણ બાળકોનો ઉછેર અને કૅરિયર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. પતિ ધારાસભ્ય હોવાનો તેમનામાં ક્યારેય ઘમંડ જોવા મળ્યો નથી…
એ પછી 11માં ધોરણમાં તેમણે એક સાથે 3-3 જોબ પણ કરી. સવારે સુમુલ ડેરી પર આવેલી એક ડાયમંડ ઓફીસમાં એર્સોટર તરીકે કામ કર્યું, બપોરે એક બિલ્ડરને ત્યાં અને સાંજે ફરી ડાયમંડની ઓફીસમાં અને રાત્રે વકીલની ઓફીસમાં કામ કરતા. મતલબ કે તમે વિચારો કે એક એવી વયમાં તેમણે દિવસ રાત કામ કર્યું, જે ઉંમરમાં યુવાનો મજા કરવાનું વિચારતાં હોય. એમની નાનપણથી યુવાનીની અને એ પછી રાજકારણથી અત્યાર સુધીની સંઘર્ષ ગાથા એટલી લાંબી છે કે લખવા બેસીએ તો પાનાના પાના ભરાઇ જાય.
39 વર્ષમાં ભાજપમાં કોર્પોરેટર બન્યા, શહેર પ્રમુખ, ધારાસભ્ય અને મંત્રી બન્યા
ભાજપમાં જોડાયા ત્યારે સોનિફળિયામાં 2 જ કાર્યકરો હતા અને 4 બૂથ સંભાળતા હતા. તે વખતનો જમાનો કોંગ્રેસનો હતો. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અરવિંદ ગોદીવાલા સામે સલીમ સોપારીવાળાના પિતા બાબુભાઇ સોપારીવાળા ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી જીત્યા હતા. અરવિંદ ગોદીવાલા ચૂંટણી હારી ગયા હતા. તે વખતે અમે દિવસ રાત જોયા વગર 24 કલાક કામ કરતા હતા. પૂર્ણેશભાઇ મોદીએ વર્ષ 1990માં વાડીફળિયા – સોનિફળિયા વોર્ડમાં મહામંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી અને 1994માં નાનપરા – ભાગાતળાવ વોર્ડમાં શહેર કારોબારી તરીકે કામ કર્યું હતું. સુરત મહાનગરપાલિકામાં પૂર્ણેશ મોદી વર્ષ 2000 થી 2005 સુધી કોર્પોરેટર હતા. આ સમય દરમિયાન તેઓ પાલિકામાં ભાજપના શાસક પક્ષના નેતા તરીકે રહ્યા હતા. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે પણ કામ કર્યું. વર્ષ 2006 થી 2009માં તેમણે દક્ષિણ ગુજરાત લીગલ સેલની જવાબદારી સંભાળી. વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને પ્રચાર માટે ડાંગ મોકલવામાં આવ્યા હતા. ડાંગના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભાજપનો ભગવો લહેરાયો તેમાં પૂર્ણેશ મોદીનો સિંહ ફાળો હતો. આ સિવાય વર્ષ 2009-12 તથા 2013-16 દરમિયાન સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. ગુજરાતની તેરમી વિધાનસભાની પેટાચૂંટણી (2013-17) જીતીને પ્રથમ વખત ગૃહમાં પહોંચ્યા હતા. હકીકતમાં,વર્ષ 2013માં તત્કાલીન ધારાસભ્ય કિશોરભાઈનું અવસાન થયું હતું અને એ ખાલી પડેલી બેઠક પર પૂર્ણેશ મોદીની પસંદગી કરવામાં આવી હતી. આ પછી જ્યારે પેટાચૂંટણી થઈ ત્યારે ભાજપે પૂર્ણેશ મોદીને મેદાનમાં ઉતાર્યા અને તેઓ જીત્યા હતા. 2013ની ચૂંટણીમાં તેઓ 66,000ની લીડથી જીત્યા હતા એ પછી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 78,000ની લીડથી અને વર્ષ 2022ની ચૂંટણીમાં એક લાખ પાંચ હજારની લીડથી જીત્યા. મતલબ કે તેમની લીડ ઉત્તરોત્તર વધતી જ ગઇ અને આ વખતે તેમણે કમાલ એ કરી કે આ ચૂંટણીમાં કોંગ્રેસ સહિત બધી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઇ ગઇ હતી એટલી શાનદાર જીત તેમણે મેળવી હતી. વર્ષ 2022માં જ્યારે ગુજરાતના ઇન્ચાર્જ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી થઇ તે સમયમાં પૂર્ણેશ મોદીને કેબિનેટ મંત્રી બનાવાયા હતા અને તેમની પાસે 5 મંત્રાલયની જવાબદારી હતી. જેમાં માર્ગ અને મકાન મંત્રાલય, પ્રવાસન મંત્રાલય, વાહન વ્યવહાર મંત્રાલય, નાગરિક અને ઉડ્ડયન મંત્રાલય અને યાત્રા ધામ મંત્રાલય તેમની પાસે હતા. તેમણે પોતાના મંત્રી પદના સમયમાં દરેક મંત્રાલયને પૂરતો ન્યાય આપ્યો અને પ્રજાલક્ષી કામો તરફ જ ધ્યાન આપ્યું.
પૂર્ણેશભાઇએ ભાજપમાં 39 વર્ષ કામ કર્યું હવે 40માં વર્ષમાં પ્રવેશ, આટલા સમયમાં તેમણે આટલી જવાબદારી સંભાળી At A Glance
(1) 1984 થી 1985 – બૂથ કન્વીનર (ઇલેક્શન વોર્ડ: વાડી ફળિયા- સોની ફળિયા) વિધાનસભાની ચૂંટણીમાં સોની ફળિયા, સુરત મુકામે પારેખ ટેક્નિકલ સ્કુલમાં બૂથ કન્વીનર તરીકેની જવાબદારીથી ભાજપમાં સક્રીય થયા
(2) 1986-1990 – વોર્ડ યુવા મોર્ચા પ્રમુખ (ઇલેક્શન વોર્ડ: વાડી ફળિયા- સોની ફળિયા
(3) 1991-1994- વોર્ડ મહામંત્રી (ઇલેક્શન વોર્ડ: વાડી ફળિયા- સોની ફળિયા
(4) 1992-1995- ડિરેકટર (સોની ફળિયા અર્બન કો.ઓ. ક્રેડીટ સોસાયટી)
(5) 1993 થી 2001 ડિરેક્ટર (ભાજપ સંચાલિત ધી સુરત સેન્ટ્રલ કો.ઓ. ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, અપના બજાર)
(6) 1995 થી 1998- સુરત શહેર ભાજપ કારોબારી સભ્ય
(7) 1998 થી 2001- ભાજપ વોર્ડ પ્રમુખ (ઇલેકશન વોર્ડ: નાનપુરા- ભાગાતળાવ)
(8) 2000 થી 2005- કોર્પોરેટર (ઇલેક્શન વોર્ડ: નાનપુરા-ભાગાતળાવ)
(9) 2001 થી2003 –સદસ્ય, સ્થાયી સમિતિ (સુરત મહાનગર પાલિકા)
(10) 2004 થી 2005- કોર્પોરેટર (ઇલેક્શન વોર્ડ: નેતા, શાસક પક્ષ (સુરત મનપા)
(11) 2005 થી 2006 –કન્વીનર (લીગલ સેલ, ભાજપ, દક્ષિણ ઝોન)
(12) 2007 થી 2009- કન્વીનર (લીગલ સેલ, ભાજપ, દક્ષિણ ઝોન)
(13) 2007 થી 2008- સદસ્ય, (1857 સ્વાતંત્ર્ય સંગ્રામ કાર્યક્રમ આયોજન સમિતિ, ગુજરાત પ્રદેશ)
(14) 2007 – ચૂંટણી ઇન્ચાર્જ, ડાંગ વિધાનસભા
(15) 2008 ચૂંટણી ઇન્ચાર્જ, બીલીમોરા નગર પાલિકા
(16) 2009 – સંગઠન પર્વ ઇન્ચાર્જ, દક્ષિણ ગુજરાત
(17) 2010 થી 2013 – અધ્યક્ષ ભાજપ, સુરત મહાનગર
(18) 2013 થી 2016 – અધ્યક્ષ, સુરત મહાનગર
(19) 2013 થી 2016 – ધારાસભ્ય, 167-સુરત (પશ્ચિમ) વિધાનસભા
(20) 2016 – અભ્યાસ વર્ગ ઇન્ચાર્જ, દક્ષિણ ઝોન
(21) 2016 થી 2017 – સંસદીય સચિવ (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર)
(22) 2017 થી 2022 – ધારાસભ્ય, 167- સુરત (પશ્ચિમ) વિધાનસભા
(23) 2021 થી 2022 – કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર
(24) 2022 થી- ધારાસભ્ય, 167 (પશ્ચિમ) વિધાનસભા
અન્ય જવાબદારી પણ તેઓ સંભાળી રહ્યા છે જેમાં
(1) કાર્યકારી પ્રમુખ: સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટ, ગુજરાત
(2) પૂર્વ પ્રમુખ : સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ
(3) પ્રમુખ : સ્વાતંત્ર્ય વીર સાવરકર સ્મૃતિ સમિતિ
1990માં નરેન્દ્ર મોદી સાથે પહેલીવાર મુલાકાત થઇ
પૂર્ણેશભાઇએ કહ્યું કે, ભાજપમાં જોડાયો ત્યારે નરેન્દ્રભાઇ વિશે ઘણું સાંભળ્યું હતું અને 1990માં તેઓ સુરત આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો 3 દિવસનો અભ્યાસ કેમ્પ અડાજણમાં આવેલા જોગાણી નગરમાં આયોજિત કરવામાં આવ્યો હતો. તે વખતે સુરત ભાજપના દિગ્ગજ નેતાઓ કાશીરામ રાણા, ગુલાબદાસ ખસી, ફકીરભાઇ ચૌહાણ, અરવિંદભાઇ ગોદીવાલા, હેમંતભાઇ ચપટવાલા, વસંતભાઇ દેસાઇ, પ્રતાપભાઇ દેસાઇ, કનુભાઇ માવાણી, નટુભાઇ સોમાભાઇ, નરોત્તમભાઇ પટેલ, અજીતભાઇ દેસાઇ, અશોકભાઇ ડોક્ટર, કિશોરભાઇ વાંકાવાળા, પ્રવિણભાઇ નાયક, મદનલાલ કાપડીયા, કનુભાઇ જોષી સહિતના 21 નેતાઓને બોલાવાયા હતા. ભાજપના એ ટોપ-20 દિગ્ગજ નેતાઓ સાથે એ બેઠકમાં મારો પણ સમાવેશ કરાયો હતો. તે વખતે નરેન્દ્ર મોદીએ બધા પાસે સુઝાવ માંગ્યો હતો કે ઘર ઘરમાં રાષ્ટ્રવાદને ફેલાવવો હોય તો શું કરવું જોઇએ? પૂર્ણેશભાઇએ કહ્યું કે, તે વખતે મેં પણ મારો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 1990માં જોડાયા પછી નરેન્દ્રભાઇ સાથેની એ પહેલી મુલાકાત હતી એ પછી તો ઘણી વખત મળવાનું થયું. પણ તેમની આભા, તેમનું દરેક વિષયનું જ્ઞાન. તેમની વાકછટા, તેમના સંઘર્ષ એવા હતા કે કોઇ પણ માણસમાં ઉર્જા ભરી શકે. એક સર્વગુણસંપન્ન અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા દેશને મળ્યા છે.
ભાજપ એ આંદોલનોમાંથી ઊભી થયેલી પાર્ટી છે. પોલીસના ડંડા પણ ખાધા છે, જેલમાં પણ ગયા છીએ
પૂર્ણેશભાઇએ કહ્યું કે, ભાજપ એમનેમ આજે દેશની મોટી પાર્ટી તરીકે નથી ઉભરી આવી, તેની પાછળ અનેક લોકોના યોગદાન છે, બલિદાન છે, લોહીનું સિંચન છે, દિવસ રાતની મહેનત છે, એક મજબૂત વિચારધારા છે, એક શિસ્તની પાર્ટી છે. તેમણે કહ્યું કે 1991માં એકતા યાત્રા નિકળી હતી. દિલ્હી થી અંબાલા થઇને અમે જમ્મુ ગયા હતા. 26 જાન્યુઆરીના દિવસે જમ્મુના લાલચોકમાં ધ્વજ લહેરાવવાનો કાર્યક્રમ હતો. આ એકતા યાત્રા આતંકવાદીઓના પડકરારનો જવાબ હતો. આતંકવાદીઓએ તે વખતે પડકાર ફેંક્યો હતો કે અપની મા કા દૂધ પીયા હો તો લાલચોક પે આકે ભારત કા તિરંગા ધ્વજ લહેરાયે. 1991માં નરેન્દ્રભાઇ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડની બંને બાજુ મિલિટરી ખડકી દેવામાં આવી હતી. પૂર્ણેશભાઇએ કહ્યું કે, તે વખતનો જો તમે માહોલ જોયો હોય તો તમારામાં ઓટોમેટિક રાષ્ટ્રવાદનો પારો ઊંચો ચઢી જાય.
એ પછી 26 ફેબ્રુઆરી,1993માં ‘બોટ ક્લબ ચલો’ રેલી કાઢવામાં આવી હતી. તે વખતે રમખાણો થયા હતા તેની સામે રેલી હતી. તે વખતની સરકારે વોટર કેનનથી પાણીનો મારો કર્યો હતો અને એ પ્રહારમાં ભાજપ નેતા મુરલી મનોહર જોશી બેભાન થઇ ગયા હતા અને મારા બંને હાથના ખભા ડિસ્લોકેટ થઇ ગયા હતા. મને અને મુરલી મનોહર જોશીને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. પૂર્ણેશભાઇએ કહ્યું કે એ ડિસ્લોકેટ થયેલા બંને ખભામાં આજે પણ ઘણી વખત પ્રોબ્લેમ રહે છે.
ભાજપનો પાયો નાંખનારા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન એળે નહી જાય
ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ જનસંઘનો પાયો નાંખ્યો હતો એ પછી ભારતીય જનતા પાર્ટી તરીકે ઓળખાઇ. 1953નો એ જમાનો હતો જ્યારે કાશ્મીર જવું હોય તો બીજા દેશના વિઝા લેવા પડે તેમ પરમિટ લેવી પડતી હતી, કાશ્મીરમાં કોઇ પ્રોપર્ટી પણ ખરીદી શકતું નહોતું. ભારતનો ધ્વજ જુદો અને કાશ્મીરનો ધ્વજ જુદો રહેતો. ડૉ. શ્યામા પ્રસાદની કાશ્મીરમાં ધરપકડ થઇ હતી એ પછી તેમનું ત્યાં જ શંકાસ્પદ મોત થયું હતું.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની અંત્યોદયની વિચારધારા હતી, જે આજે પણ ચાલુ છે
ભાજપના પાયાના પત્થર પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદયની વિચારધારા ધરાવતા હતા. અંત્યોદય એટલે છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવી. તેઓ એકાત્મ માનવવાદમાં પણ માનતા. તેમનું માનવું હતું કે પરિવાર, રાજ્ય, રાષ્ટ્ર બધા એકબીજાના પૂરક છે. પ્રકૃતિ પણ એકબીજાની પૂરક છે. ભાજપની વિચારધારા 5 નિષ્ઠા પર આધારિત છે. (1) મૂલ્ય આધારિત રાજનીતિ (2) સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ (3) એકાત્મ માનવ દર્શન (4) મજબુત લોકતંત્ર (5) સકારાત્મક પંથ નિરપેક્ષ એટલે કે સર્વ ધર્મ સમભાવ
રાષ્ટ્રવાદ માટે નીકળ્યા છીએ તો બધા પડકારો આવશે તેવી ખબર હતી
અમે પૂર્ણેશભાઇને કહ્યું કે, તમે જ્યારે જાહેર જીવનમાં નેતાની જવાબદારી સંભાળો ત્યારે લોકોની પણ અપેક્ષા વધી જતી હોય છે, તમને દિવસભર ફોન આવતા હશે, તમને લોકો મળવા આવતા હશે, ફેમિલી તરફ ધ્યાન આપી શકતા ન હો, તો એવા સમયે તમને ગુસ્સો પણ આવતો હશે તો આ બધું કેવી રીતે મેનેજ કરો છો? તો પૂર્ણેશભાઇએ કહ્યુ કે, એ જ તો અમારી તાલીમ છે. જ્યારે રાષ્ટ્ર માટે સેવા કરવા નીકળ્યા છીએ ત્યારે એવી ખબર જ હોય છે કે આવા અનેક પડકારો આવવાના જ છે, મગજ પર બૅલેન્સ રાખવાનું શીખી ગયા છીએ. સ્વાભાવિક રીતે જ કાર્યકરોની, મતદારોની અપેક્ષા હોય છે અને તેને પુરી કરવાની બનતી કોશિશ પણ કરું છું. પૂર્ણેશભાઇ માટે એમ કહેવાય છે કે તેમની પાસે કોઇ ખોટું કામ કરાવવા જાય તો ઘસીને ચોખ્ખી ના પાડી દે. તેમનો સ્વભાવ મોંઢા પર જ કહી દેવાનો છે, એને કારણે કેટલાંક લોકો નિરાશ પણ થાય છે, પરંતુ પાછા તેમની સાથે જોડાઈ પણ જાય છે.
મોતને હાથતાળી આપીને પાછા આવ્યા, હવે આરોગ્યનું ધ્યાન રાખતા થયા છે
પૂર્ણેશભાઇ તેમના જીવનની એ કપરા દિવસની વાત યાદ કરી હતી જ્યારે તેમનું હાર્ટ કામ કરતું બંધ થઇ ગયું હતું. તેમણે કહ્યું કે, વર્ષ 2013માં હું ગાંધીનગર ગયો હતો અને ભાજપ નેતા આર.સી. ફળદુને ત્યાં અમે મોડે સુધી વાત કરતા બેઠા હતા. બીજા દિવસે સવારે દુખાવો ઉપડ્યો અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઇને તપાસ કરાવી, તે સમયે એસીડીટીની દવા આપેલી, પરંતુ કેમ કરીને દુખાવો બંધ જ નહોતો થતો. ફરી હોસ્પિટલમાં દાખલ થયો, તે વખતે કાર્ડિયાકમાં દાખલ કરવામાં આવ્યો હતો અને મારું હાર્ટ બંધ થઇ ગયું હતું. એમ લાગતું હતું કે મોત નજીક આવીને ઊભું છે. તબીબોએ શોક આપ્યા અને જાણે મોટા મોટા ધડાકા થતા હોય તેવા અવાજ મારા કાનમાં ગૂંજ્યા અને હું ફરી બેઠો થઇ ગયો. ભગવાનના કદાચ આર્શીવાદ હશે અને ભગવાન મારી પાસે હજુ લોકોની સેવા કરાવવા માંગતા હશે એટલે મોતને હાથતાળી આપીને હું પાછો આવ્યો. પણ એ પછી હવે હું મારા આરોગ્યનું ધ્યાન રાખતો થયો છું. હવે મોડામાં મોડા 12 વાગ્યા સુધીમાં સુઈ જાઉં છું. નિયમિત ખાવાનું કરી દીધું છે અને સાથે યોગા અને મેડીટેશન પણ કરું છું.
મારી સફળતાના યોગદાનમાં પત્ની અને પરિવારનો મોટો ફાળો રહ્યો છે
એવું કહેવામાં આવે છે કે એવરી સક્સેસ ફુલ મેન ધેર ઇઝ એ વુમન. પૂર્ણેશભાઇએ કહ્યું કે, મારી સફળતામાં મારી પત્ની બીના અને પરિવારનું મોટું યોગદાન રહ્યું છે. મને તો ખબર પણ નહોતી કે બાળકો કેવી રીતે ભણે છે, પત્ની બીનાએ બાળકોની સારી રીતે પરવરિશ કરી, તેમનું કૅરિયર બનાવ્યું. પૂર્ણેશભાઇને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. બંને દિકરી કેનેડામાં ભણે છે. મોટી દીકરી ઇન્ફોર્મેશન સાયન્સમાં અભ્યાસ કરે છે અને નાની દીકરી એરોનોટીકલ એન્જિનયરીંગમા અભ્યાસ કરે છે. જ્યારે દીકરો જામનગરમાં એક કોર્પોરેટ કંપનીમાં જોબ કરે છે.
પૂર્ણેશભાઇના પત્ની બીના બહેને કહ્યું કે, શરૂઆતમાં થોડા તણખા ઝરતા, પરંતુ પછી ટેવાઇ ગયા
અમે પૂર્ણેશભાઇના પત્ની બીના બહેનને પૂછ્યું કે, પૂર્ણેશભાઇ આખો દિવસ પાર્ટીના કામ માટે બહાર રહેતા હોય તો તમને ગુસ્સો નહોતો આવતો? તો બીના બહેને કહ્યું કે હા, શરૂઆતમાં ગુસ્સો આવતો હતો, પરતું સમય જતા ટેવાઇ ગયા. અમે તેમને એટલી જ વિનંતી કરતા હતા કે ઘર માટે પણ થોડો સમય તો આપો. પણ પછી સમજાયું કે લોકોની, શહેરની, રાજ્યની અને દેશની સેવા કરી રહ્યા છે ત્યારથી સહકાર આપવાનું શરૂ કર્યું હતું.
કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નિકળીને સંઘર્ષ કરો, સંઘર્ષ વગરનું જીવન નકામું છે
અમે પૂર્ણેશ મોદીને પૂછ્યું કે તમારા જીવવના અનુભવો પરથી આજની પેઢીને શું શિખામણ આપશો? તો તેમણે કહ્યું કે, હું આજની પેઢીને કહેવા માગું છું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો અને સંઘર્ષ કરો. સંઘર્ષ વગરનું જીવન નકામું છે. સફળતા ક્યારેય મફતમાં મળતી નથી, એના માટે ઘસાવું પડે, એના માટે તપવું પડે, એના માટે અનેક વખત ઠોકર ખાવી પડે. પરંતુ આકરી મહેનત પછી જ્યારે તમને સફળતાના ફળ મળે તો એની મજા કઇંક અનોખી અને વિશેષ જ હોય છે. જેમ ભૂખ લાગી હોય અને રોટલો મીઠો લાગે તેવી. રતન ટાટાએ એકવાર કહેલું કે તમે ઘરે બેસી રહો તેના કરતા બહાર નિકળો, ઠોકર ખાવ, ધક્કા ખાવ, સંઘર્ષ કરો, પરંતુ મહેરબાની કરીને કામ વગર ઘરે ન બેસી રહો.
આ નેતાઓ મારા રોલ મોડેલ રહ્યા છે
પૂર્ણેશભાઇને અમે પૂછ્યું કે તમે તમારા જીવનમાં કોને રોલ મોડેલ માનો છો? તો તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો ખરા જ, પરંતુ આ સિવાય દેશના એવા નેતાઓ પણ છે જેમના જીવન ચરિત્ર વાંચ્યા, જાણ્યા પછી જિંદગીમાં પ્રેરણા મળી. આ નેતાઓમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, શ્યામજી કૃષ્ણ વર્મા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય. ઉપરાંત ક્રાંતિકારી નેતાઓમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઇ પટેલ, વીર સાવરકર, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ એવા અનેક નેતા રોલ મોડેલ રહ્યા છે.
ડાયમંડ સિટીના ઈશ્યુ 385માં પ્રિન્ટેડ આર્ટીકલ અહીં વાંચી શકો છો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM