તાજેતરમાં ચંદીગઢમાં મળેલી GST કાઉન્સીલની બેઠકમાં આમ તો અનેક સેક્ટરમાં GSTના દરમાં ફેરફાર કરવામાં આવ્યા, પરંતુ સુરત માટે મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)એ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પરનો GST દર 0.25 ટકા થી વધારીને 1.50 ટકા કરવાની માંગ કરી હતી જે GST કાઉન્સીલે સ્વીકારી લીધી છે. નાણાં મંત્રાલયના આ નિર્ણયને ઉદ્યોગે આવકાર આપ્યો છે.
સુરતના હીરાઉદ્યોગની વાત કરીએ તો છેલ્લાં બે વર્ષમાં આ ઉદ્યોગમાં ખાસ્સા ચઢાવ ઉતાર જોવા મળ્યા. કોરોના મહામારીના સમયમાં જ્યારે દુનિયાના મોટાભાગના ઉદ્યોગો પર માઠી અસર પડી રહી હતી ત્યારે હીરાઉદ્યોગમાં શરૂઆતની મુશ્કેલીને બાદ કરતા ધંધો સારો ચાલ્યો હતો. જો કે એ પછી રફ ડાયમંડનો સટ્ટો અને રશિયા-યુક્રેન યુદ્ધની હીરાના ધંધા પર થોડી અસર જોવા મળી હતી. થોડા સમય પહેલાં ઉદ્યોગમાં પંદરેક દિવસનું વેકેશન પણ પડી ગયું હતું.
હવે જયારે કટ એન્ડ પોલિશ્ડ ડાયંમડ પર GSTનો દર 0.25 ટકાથી વધારીને 1.50 ટકા કરવામાં આવ્યો તો ઉદ્યોગે તો આવકાર આપ્યો, પરંતુ સામાન્ય માણસના મગજમાં એવો સવાલ ઉભો થાય કે GST દર વધ્યો છે તો ફાયદો કેવી રીતે થાય? આ બાબતે અમે ઉદ્યોગના જાણકારો પાસેથી માહિતી મેળવી હતી.
ઇનપૂટ ટેક્સ ક્રેડીટના સલવાયેલાં કરોડો રૂપિયા છુટા થશે : દિનેશ નાવડીયા
GJEPCના રિજીયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ કહ્યું હતું કે કાઉન્સીલે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પરનો GST દર 0.25 ટકાથી વધારીને 1.50 ટકા કરવાની માંગ કરેલી હતી, જે GST કાઉન્સીલે સ્વીકારી છે. ડાયમંડ પરનો જીએસટી પા ટકાથી વધારીને દોઢ ટકા કરી દેવાથી ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્ક્ચરને કારણે ડાયમંડ ઉદ્યોગની સલવાઈ રહેલી રૂ. 600 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાછી મેળવવાનો રસ્તો ખૂલી ગયો છે.
પહેલા ડાયમંડની ઇમ્પોર્ટ પર પા ટકા, કટ એન્ડ પોલીસ પર પા ટકા, લેબર પર ૫ ટકા, સર્વિસિસ પર ૧૮ ટકા અને ડાયમંડ જ્વેલરી માટેની મશીનરી પર ૧૮ થી ૨૮ ટકાનો GST દર હતો. તેની સાથે સર્ટિફિકેશનના ચાર્જ પરના GSTને કારણે ડાયમંડ જ્વેલરી પરનો જીએસટી ૧.૫ ટકા કરી દેવામાં આવ્યો છે. નાવડીયાએ કહ્યું હતું કે ડાયમંડ ઉદ્યોગની ઇનપુટ ટેક્સ ક્રેડિટના રૂ. ૩૦૦૦ કરોડ છૂટા થશે. તેમ જ તેમની વર્કિંગ કેપિટલની સમસ્યા હળવી થશે.
વર્કિંગ કેપિટલ રિલીઝ થશે અને ઉદ્યોગને પ્રોત્સાહન મળશે : ચિરાગ કોટડીયા, C.A.
ચાર્ટડ એકાઉન્ટ ચિરાગ કોટડીયાએ સામાન્ય ભાષામાં સમજ આપતા કહ્યું હતું કે, હીરાઉદ્યોગમાં ઇનપુટ સર્વિસીસ જેમ કે જોબવર્ક તેમજ ગ્રેડિંગ સર્ટિફિકેશન ચાર્જ અને બેન્ક ચાર્જીસ અને કેપિટલ ગુડ્સ પર ૧.૫% થી લઇને ૧૮% સુધી GST ભરવામાં આવે છે. જે હાલના કટ અને પોલિશ્ડ હીરા પરના ૦.૨૫% GST સામે ક્રેડિટ લેજરમાં એક્યુમ્યુલેટ થાય છે અને તેમનું રિફન્ડ આપવામાં નથી આવતું, જેથી કરીને એવો અંદાજ છે કે હીરા ઉદ્યોગમાં આજની તારીખે અંદાજે રૂ. 600 કરોડનું ITC એક્યુમ્યુલેટ થયુ છે. કટ અને પોલિશ્ડ હીરા પર GST દરમાં થયેલ ૧.૫% સુધીનો વધારો માત્ર ITCના વધુ એક્યુમ્યુલેશનને અટકાવશે નહીં પરંતુ અવરોધિત વર્કિંગ કેપિટલને રિલીઝ કરશે અને ઉદ્યોગના વિકાસને ઉત્તેજન આપશે.
ઉદ્યોગની પ્રતિક્રિયા તમને કેવી લાગી ?
તમારો ઓપિનિયન અમારા માટે મૂલ્યવાન છે. તમારાં અભિપ્રાયો કે સૂચનો [email protected] પર શૅર કરજો.
Follow us :
Facebook | Twitter | Pinterest | LinkedIn | Instagram
Join our Telegram Channel to get Latest News
લેટેસ્ટ ન્યુઝ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ
https://t.me/diamondcitynewssurat