લેબગ્રોન ડાયમંડ એસોસિએશન, સુરત દ્વારા તા. 21-3-2023ના રોજ સ્નેહમિલન સમારોહનું આયોજન થયું હતું. જેમાં લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા વેપારીઓ, ગ્રોવર, મેન્યુફેક્ચરર તેમજ બ્રોકર્સ ભાઈઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય તથા રાષ્ટ્રગીતથી કરવામાં આવી હતી. સહજ ફાર્મ, કતારગામમાં યોજાયેલ આ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખશ્રી બાબુભાઈ વાઘાણી તથા તેમની ટીમે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
આજે સુરતનો લેબગ્રોન ડાયમંડ બિઝનેસ ઉત્તરોત્તર પ્રગતિના પંથે અગ્રેસર છે. આ બિઝનેસમાં વેપારીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. દરેક ધંધામાં હરીફાઈ હોય તે સ્વાભાવિક છે. પરંતુ સાથોસાથ એકતા અને સહકારની ભાવના પણ ખૂબ જ જરૂરી છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીવર્ગમાં એકતા, વિશ્વસનીયતા તેમજ આત્મીયતા વધે તે હેતુથી આ સ્નેહમિલન સમારોહનું આયોજન થયું હતું. જેમાં અનેક મહાનુભાવો તથા અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.
આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી, શ્રી મનજીભાઈ ધોળકીયા (ભવાની જેમ્સ), કેશુભાઈ ગોટી (ગ્લો સ્ટાર), કિશોરભાઈ માલદાર (કાર્પ ઈમ્પેક્સ), મહેશભાઈ સોનાણી (સોનાણી જ્વેલ્સ), ઘનશ્યામભાઈ ભંડેરી (ભંડેરી લેબગ્રોન), મુકેશભાઈ તથા જીતેશભાઈ પટેલ (ગ્રીન લેબગ્રોન), અશોકભાઈ સંઘાણી (CVD ડાયમંડ), સંજયભાઈ ભાદાણી (ક્રિએટીવ ટેક્નો), રાજુભાઈ સુતરીયા (હીરાકો ડાયમંડ), દિનેશભાઈ નાવડીયા (ચૅરમૅન, IDI), વિજયભાઈ માંગુકીયા (ચૅરમૅન, GJEPC), પિયુષભાઈ સધાણી (શાશ્વત જ્વેલ્સ) વગેરેની ઉપસ્થિતિથી કાર્યક્રમ દીપી ઊઠ્યો હતો.
પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, “આજે આપણા આ ઉદ્યોગની પ્રશંસા વિશ્વસ્તરે થઈ રહી છે. અનેક રોકાણકારોને આ ઉદ્યોગે આકર્ષ્યા છે. પરંતુ લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં વેપારીઓની એકતાના અભાવે આપણે એ લાભ લઈ શક્યા નથી. આ બિઝનેસ જેટલો વિસ્તૃત છે, તેટલી જ સહકારની ભાવના પણ જરૂરી છે. રોકાણકારો માત્ર ધંધાના પ્રકારને અને સાઈઝને જોતા નથી પરંતુ વેપારીઓના માનસને તેમજ તેમની કાર્યપદ્ધતિને પણ જુએ છે. રોકાણકારોને આપણા ઉદ્યોગમાં લઈ આવવા માટે સૌએ સાથે મળીને ચાલવું પડશે અને નક્કી કરેલ નિયમો અને સિદ્ધાંતોને પકડી રાખવા પડશે. હજુ આ બિઝનેસમાં પ્રગતિનો અવકાશ ખૂબ જ રહેલો છે.”
શાશ્વત જ્વેલ્સના શ્રી પિયુષભાઈ સધાણીએ જણાવ્યું હતું કે, “આજે વિશ્વની 800 કરોડ વસ્તીમાં માત્ર 4% જ લોકો હીરા પહેરે છે. પહેલા રીયલ ડાયમંડની ઊંચી કિંમતને કારણે માત્ર ઉચ્ચ વર્ગ જ હીરાના ઝવેરાતની પસંદગી કરતા હતા. પરંતુ હવે લેબગ્રોન ડાયમંડ મધ્મયવર્ગ સુધી પહોંચી ગયા છે. હવે લેબગ્રોન ડાયમંડ આ ટકાવારીમાં વધારો કરી શકે તેમ છે. પરંતુ આને માટે ધીરજ રાખીને સાવચેતીથી આગળ ચાલવું પડશે. આપણે એકસાથે આખી દુનિયાને હીરા પહેરાવી શકીશું નહી. તેને માટે સમય પણ માંગી લેશે. બીજું તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે લેબગ્રોન ડાયમંડમાં ભાવના ડીફ્રરન્સને કારણે વિશ્વસનિયતામાં ઘટાડો થયો છે. ઉદાહરણ તરીકે, મહિધરપુરામાં 300 ડોલરમાં જે હીરો વેચાતો હોય અને તે જ હીરો વરાછામાં જો 150 ડોલરમાં વહેચાય તો ગ્રાહકોમાં અનેક શંકા-કુશંકા થઈ શકે. લેબગ્રોન ડાયમંડમાં પણ ભાવને લઈને એક પરફેક્ટ પ્લેટફોર્મ બનાવવું આવશ્યક છે. અને આ પણ ઉદ્યોગની પ્રગતિ માટેનું એક અગત્યનું પાસું છે.”
ગ્લો સ્ટાર ડાયમંડના શ્રી કેશુભાઈ ગોટીએ જણાવ્યું હતું કે, “લેબગ્રોન ડાયમંડની દુનિયા આપણા સૌ માટે ખૂબ જ મોટી તક લઈને આવી છે. રીયલ ડાયમંડમાં રૂ. 100નું રોકાણ કરવું પડે ત્યારે લેબગ્રોનમાં રૂ. 30ના રોકાણમાં કામ થઈ શકે છે. આજે આપણા ઉદ્યોગને સરકાર તરફથી પણ ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. રીયલ ડાયમંડના સેલીંગ માટે જે મહેનત કરવી પડે છે તેના કરતા ઘણી ઓછી મહેનતે આપણે આ બિઝનેસમાં સફળતા મેળવી શકીએ તેમ છીએ. આપણે સૌ થોડી ગંભીરતા દાખવીને ધંધા પર ફોકસ કરીશું તો લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રે સુરતનું નામ દુનિયામાં ગુંજશે. આ બિઝનેસમાં ખૂબ સારા સ્કોપ છે પરંતુ ઝાઝી ઉતાવળ કર્યા વગર સ્લો એન્ડ સ્ટડી પ્રગતિ કરીશું તો વધુ ને વધુ મજબૂતાઈ આવશે.”
ગ્રીન લેબગ્રોન ડાયમંડના શ્રી મુકેશભાઈ પટેલે કહ્યું કે, “આપણા આ ઉદ્યોગને સરકારશ્રી તરફથી પણ ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. લેબગ્રોન માટે R&D માં 400 કરોડ રૂપિયા ફાળવ્યા છે. એ આપણા માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત છે. લેબગ્રોન ડાયમંડમાં અત્યારે 11,000 કરોડનું ટર્નઓવર થઈ રહ્યું છે. જે હજુ માત્ર શરૂઆત કહી શકાય. આવનારા વર્ષોમાં આ ટર્નઓવર ક્યાં સુધી પહોંચશે તેની કલ્પના ના થઈ શકે. હજુ તો આપણા માટે વિશ્વનું આખુંયે મેદાન ખાલી છે. આપણે આપણી ક્ષમતા મુજબ આગળ વધી શકીએ તેમ છીએ. લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝમાં દેશના હૂંડિયામણ લાવવામાં પણ મહત્વનો ઉદ્યોગ સાબિત થઈ શકે તેમ છે. આપણે સૌ સંગઠિત થઈને આ ઉદ્યોગના વિકાસ સાથે વિચાર વિમર્શ કરતા રહીશું તો ચોક્કસપણે ધાર્યા કરતા પણ વધુ આ ઉદ્યોગને વિકસાવી શકીશું.” શ્રી મુકેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, “લેબગ્રોન ડાયમંડમાં પણ હીરાની એક ચોક્કસ કિંમત નક્કી થવી જોઈએ અને એ કિંમત ડોલરમાં થવી જોઈએ. જેને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં વિશ્વસનિયતાનું વાતાવરણ ઊભું થાય અને આપણને સૌને પણ ફાયદો થાય.”
સોનાણી લેબગ્રોનના શ્રી મહેશભાઈ સોનાણીએ પણ પોતાના વિચારો રજુ કરતા કહ્યું હતું કે, “આપણને જ્યારે આટલો સરસ બિઝનેસ મળ્યો છે ત્યારે આપણે સૌ જો ક્વાલિટી વર્ક પર ધ્યાન આપીશું તો આપણા હીરાને દુનિયાના ખૂણેખૂણે પહોંચતાં વાર નહી લાગે.”
આ કાર્યક્રમમાં લેબગ્રોન ડાયમંડ સાથે સંકળાયેલા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમના સ્પોન્સર શ્રી અશોકભાઈ તથા વિપુલભાઈ સંઘાણી હતા. કાર્યક્રમના અંતે સૌ સ્નેહભોજન લઈને છુટા પડ્યા હતાં.
ગત વર્ષે લેબગ્રોન ડાયમંડ એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આગામી વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.
એસોસિએશનના પ્રમુખશ્રી બાબુભાઈ વાઘાણી તથા હરેશભાઈ નારોલા તથા તેમની ટીમે આવનાર તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન શ્રી મહેશભાઈ ધામેલીયાએ કર્યું હતું અને કાર્યક્રમના અંતે મોનાર્કના શ્રી મનિષભાઈ શાહે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM