DIAMOND CITY NEWS, SURAT
- આજે એન્ટવર્પ, હોંગકોંગ, લંડન, દુબઇ અને અમેરિકામાં 3 ઓફિસ ચાલે છે
- ક્વોલીટીમાં નંબર વન, પોતાની જ્વેલરી બ્રાન્ડ ઉભું કરવાનું શાશ્વતનું સપનું છે
સફળ બિઝનેસમેન બનવા માટે આત્મવિશ્વાસ, જોખમ લેવાની તૈયારી અને વેપાર કૌશલ્યની સાથે સંબધો જાળવવાની કુશળતા, પરિવર્તનનો સ્વીકાર અને માર્કેટીંગની આવડત જરૂરી છે. આ શબ્દો એક યુવાન બિઝનેસમેનના છે જેણે 22 વર્ષની ઉંમરે પિતાના બિઝનેસમાં પગલાં પાડીને 10 વર્ષમાં પિતાના બિઝનેસને નવી ઊંચાઇએ પહોંચાડ્યો છે. એકદમ સોબર વ્યક્તિત્વ, ડાઉન ટૂઅર્થ, નાની ઉંમરમાં મોટાને શરમાવે તેવી પરિપક્વતા અને બિઝનેસનું ઉંચુ વિઝન ધરાવતા આ યુવાન વિશે ડાયમંડ સિટી ન્યૂઝ પેપરની વ્યક્તિ વિશેષ કોલમમાં વાત કરીશું…
આ યુવાનનું નામ છે શાશ્વત પિયુષભાઇ સધાની. સુરત અને દુનિયાભરમાં ઓફિસ ધરાવતી શાશ્વત જ્વેલ્સના, શાશ્વત સધાની ભાગીદાર છે અને આટલી નાની ઉંમરે અમેરિકાના ઇન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસીયેશનના સૌથી નાની ઉંમરના સભ્ય છે. અમેરિકામાં તેમની પેઢીનું નામ ક્લાસીક ગ્રોન ડાયમંડ્સ છે.
માલેતુજાર પિતા અને સમૃદ્ધ પરિવારમાં જન્મ લીધો હોય અને 22 વર્ષની ઉંમર હોય તો ઘણા યુવાનો પિતાના પૈસે તાગડધિન્ના કરતા હોય છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબૂક જેવા સોશ્યિલ પ્લેટફોર્મનો આખો દિવસ વપરાશ કરતા હોય છે, લાંબા ટાંટિયા કરીને નેટફ્લિક્સની પોર્ન ફિલ્મ જેવી કચરો સિરિઝ જોવામાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે શાશ્વત સધાનીએ 22 વર્ષની ઉંમરે પોતાના ડાયમંડ જ્વેલરી બિઝનેસમાં પોતાના કેરિયરની શરૂઆત કરી દીધી હતી. આટલી નાની ઉંમરે પરિવારના સંસ્કારોને કારણે શાશ્વતને બિઝનેસની સારી સમજ હતી. શાશ્વત તેમની પરિવારની ત્રીજી પેઢી છે.
શાશ્વત સધાનીની સફળતાની વાત કરીએ તે પહેલા બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો એક ક્વોટ જોઇ લઇએ “Coming together should be considered something positive for people and communities. When thoughts come together, that can be more positive than an individual thought” મતલબ કે સાથે આવવું એ લોકો અને સમુદાયો માટે કંઈક હકારાત્મક ગણવું જોઈએ.
જ્યારે વિચારો ભેગા થાય છે, ત્યારે તે વ્યક્તિગત વિચારો કરતાં વધુ સકારાત્મક હોઈ શકે છે. શાશ્વત સધાનીએ પણ આ વાત સાબિત કરી છે. ડાયમંડ સિટી સાથેની વાતમાં તેમણે કહ્યું કે, મારી નવી પેઢી અને પિતાની જૂની પેઢી વચ્ચે વિચારોમાં મતભેદ હોય શકે, પરંતુ અમારા બંનેના વિચારો જ્યારે ભેગા થાય છે ત્યારે એક હકારાત્મક નિર્ણય સામે આવે છે. અનુભવી લોકો પાસેથી હમેંશા શીખવું જોઇએ.
શાશ્વતના દાદા અને પિયુષભાઇ સધાનીના પિતા મનસુખભાઇએ જ્યારે હીરાઉદ્યોગની શરૂઆત હતી તે જમાનામાં મુંબઈમાં ડાયમંડ ટ્રેડીંગ શરૂ કર્યું હતું. એ પછી તેમના પુત્ર પિયુષભાઇએ ધંધો સંભાળ્યો અને સારી રીતે આગળ વધાર્યો. હજુ પિયુષભાઇ ડાયમંડ જ્વલેરીના બિઝનેસમાં છે અને હવે તેમને તેમના પુત્ર શાશ્વતનો સાથ મળ્યો. પિતા-પુત્ર સાથે મળીને બિઝનેસમાં ઊંચુ નામ કરી રહ્યા છે.
શાશ્વત 10 ધોરણ સુધી સુરતમાં ભણ્યા, એ પછી ધોરણ 11 અને 12 તેમણે બેંગુલુરુમાં કર્યું. એ પછી અંડર ગ્રેજ્યુએશન તેમણે મુંબઈની હિંદુજા કોલેજમાંથી કર્યું. એ પછી તેમણે UKની યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન ઇનોવેશન અને એન્ટરપ્રિન્યોરનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પુરો થયા પછી 6 મહિના જ્વેલરી મેન્યુફેકચરીંગમાં ટ્રેનિંગ લીધી અને 2013માં પિતાના બિઝનેસમાં જોડાયા. ત્યારે શાશ્વતની ઉંમર માત્ર 22 વર્ષની છે અને તેમને બિઝનેસમાં 10 વર્ષ થયા છે અને 32ની વયે પહોંચ્યા છે.
2015માં જ્યારે લેબગ્રોનનું ટ્રેડીંગ શરૂ કર્યું ત્યારે વેપારીઓ એન્ટ્રી આપતા પણ ડરતા હતા
તમને એમ થાય કે પિતાના જામેલા બિઝનેસમાં બેસવાનું હોય તો કોઇ પણ સફળ થઇ શકે. પરંતુ એવું હોતું નથી. સફળતા મેળવવી અને તેને જાળવી રાખવી અને એ રસ્તે આગળ વધવું એટલું સરળ નથી હોતું. શાશ્વતે એ જમાનામાં એટલે કે 2015માં લેબગ્રોન ડાયમંડનું ટ્રેડીંગ શરૂ કર્યું જ્યારે લેબગ્રોનને અછૂત સમજતા, લેબગ્રોન વિશે કોઇ વાત કરવા પણ તૈયાર થતું નહોતું. પરંતુ જોખમ લેવાના પરિવાર પાસેથી જે ગુણ મળ્યા હતા એ પ્રમાણે શાશ્વતે આત્મવિશ્વાસ સાથે ઝંપલાવ્યું. એ પછીના બે-ત્રણ વર્ષ લોકોને સમજાવવામાં ભારે સંઘર્ષ કરવો પડ્યો.
શાશ્વતે એક અનુભવ શેર કરતા કહ્યું કે, “અમેરિકામાં લેબગ્રોન ડાયમંડના ટ્રેડીંગ માટે એક ડાયમંડની ઓફિસમાં ગયો હતો. તેમણે કહ્યું, ભાઇ, તમે બીજી વખત આવતા નહીં, નહીં તો લોકો સમજશે કે અમે પણ લેબગ્રોનનો ધંધો કરીએ છીએ. આવા અનેક કડવા અનુભવો થયા, પરંતુ હિંમત હાર્યા વગર લેબગ્રોનું ચાલુ રાખ્યું, વર્ષ 2015-16માં અમેરિકામાં ગણીને 2 કંપનીઓ જ હતી. આજે એ સ્થિતિ છે કે જે લોકો ઓફિસમાં આવવાની ના પાડતા હતા તે અમારી સાથે જોડાઈ ગયા છે. વર્ષ 2016માં સુરતમાં લેબગ્રોન ડાયમંડનું મેન્યુફેકચરીંગ ચાલુ કર્યું અને 2018માં લેબગ્રોન ડાયમંડનું ગ્રોઇંગ સ્ટાર્ટ કર્યું.”
ક્વોલિટીમાં નંબર વન બનવું છે, પોતાની જ્વેલરી બ્રાન્ડ શરૂ કરવી છે
અમે શાશ્વતને પૂછ્યું કે તમારે લોંગ ટર્મ વિઝન શું છે? તેમણે કહ્યું કે, ક્વોલિટીમાં નંબર-1 બનવું છે, વર્લ્ડમાં માન્યતા મેળવવી છે અને પોતાની જવેલરી બ્રાન્ડ ઊભી કરવી છે. એના માટે તૈયારી પણ ચાલી રહી છે. અમારી ટીમ નવા નવા એક્સપેરીમેન્ટ પણ કરી રહી છે. ડાયમંડના 10 શેપ છોડીને નવા નવા શેપ અમે ડેવલપ કરી રહ્યા છીએ.
લેબગ્રોન ડાયમંડ જ્વેલરી ભવિષ્યમાં ફેશન પ્રોડક્ટ બનશે…
અમે શાશ્વતને પૂછ્યું કે, લેબગ્રોન ડાયમંડનું ભવિષ્ય કેવું લાગે છે? તેમણે કહ્યું લેબગ્રોનનું ભવિષ્ય ખૂબ જ સારું છે. લેબગ્રોન જવેલરીએ એફોર્ડેબલ પ્રોડક્ટ છે અને ભવિષ્યમાં ફેશન પ્રોડક્ટ બનવાની છે. મહિલાઓને નવી નવી જવેલરીની ડિઝાઈન મળશે અને સસ્તી જવેલરી હોવાને કારણે 6 મહિનામાં બદલી પણ શકાશે. મારા હિસાબે લેબગ્રોન, જ્વેલરીના મોટા પાર્ટ તરીકે ઊભરીને આવશે. અમારું 1 કેરેટ પ્લસમાં અમારું વધારે ફોકસ છે. અત્યારે અમે 1 કેરેટથી મોટા હીરાનું રોજનું 300 હીરાનું પ્રોડક્શન કરીએ છીએ.
શોર્ટ ટર્મને બદલે અમે લાંબો રસ્તો વધારે પસંદ કરીએ છીએ
શાશ્વતને અમે પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું છે? તેમણે કહ્યું કે સૌથી પહેલા પિતાનો સપોર્ટ. ઉપરાંત પોતાની જાત પર આત્મવિશ્વાસ, લોકો શું વિચારશે તેને બદલે મારા માટે શું યોગ્ય છે તે સમજીને આગળ વધવાનું વલણ, પડકારોને સ્વીકારીને હિંમત હાર્યા વગર આગળ વધવાનું, ડ્રીમ અને ફેસિનેશનમાં કામ કરવું અને સૌથી અગત્યનું એ છે કે શોર્ટ ટર્મને બદલે હમેંશા લાંબા રસ્તા પર જવાનું પસંદ કરીએ છીએ અને યોગ્ય રીતે માર્કેટીંગ કદાચ મને લાગે છે કે આ બધા કારણોને લીધા સફળતા મળી હશે.
હમેંશા અનુભવી લોકો પાસેથી શિખતા રહેવું…
શાશ્વતને જ્યારે અમે નવી પેઢી અને ન્યુ એન્ટરપ્રિન્યોર માટે મેસેજ આપવાનું કહ્યું હતું તો તેમણે કહ્યું કે, યુવા પેઢીએ એ વાતનું ખાસ ધ્યાન રાખવા જેવું છે કે તમને શેમાં રસ છે તે પહેલાં ઓળખો અને પછી એની પર ફોકસ કરીને મંડી પડો. નવું નવું શિખવા માટે અનુભવી લોકોને મળતા રહો અને તેમની પાસેથી જાણકારી મેળવતા રહો. સફળતા માટે સૌથી અગત્યનું શિસ્ત છે. તમારે દરેક બાબતમા ડિસિપ્લિન રાખવી જ પડશે તો આગળ વધી શકશો. બીજું કે હમેંશા શાંત મગજે વિચાર કરો.
અમેરિકાના ઇન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસિયેશનના સૌથી નાની ઉંમરના સભ્ય છે…
શાશ્વતની સૂઝબુઝ,આત્મવિશ્વાસ તેના જ્ઞાનની તમને એ વાત પરથી ખબર પડશે કે તેમને અમેરિકાની ઇન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસીયેશનના સભ્ય બનાવવામાં આવ્યા છે અને તેઓ સૌથી નાની ઉંમરના સભ્ય છે.
અમેરિકા પછી દુનિયાના આ દેશોમાં પણ બિઝનેસ શરૂ કર્યો
શાશ્વત સધાની પાસે વિઝન હતું, નવી પેઢીનું જોશ હતું, ટેકનોલોજીની જાણકારી હતી. અમેરિકા પછી એન્ટવર્પ, હોંગકોંગ, લંડન, અમેરિકાના એક્રનમાં લેબગ્રોન જ્વેલરીનો બિઝનેસ શરૂ કર્યો અને હજુ થોડા સમય પહેલાં જ દુબઇમાં પણ શરૂઆત કરી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM